Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

આવતા સપ્તાહથી ATMમાંથી મળવા લાગશે ૨૦૦ની નોટ

મુંબઇ તા. ૨ : ૨૦૦ રૂપિયાની નવી નોટને લઇને આ સારા સમાચાર વાંચીને આમ જનતાની પરેશાની દૂર થઇ જશે. હવે તમારે ૨૦૦ રૂપિયાની નવી નોટ માટે બેન્ક જવું નહીં પડે. ટૂંક સમયમાં જ ૨૦૦ રૂપિયાની નવી નોટ એટીએમમાંથી મળવાની શરૂઆત થઇ જશે. આવતા અઠવાડીયા સુધીમાં દરેક એટીએમમાંથી નોટ મળવાની આશા છે.

તો બીજી તરફ આરબીઆઇ દ્વારા બે હજાર રૂપિયાની નોટ બહાર પાડવાની બંધ કરી દીધી છે. બે હજાર રૂપિયાની નોટ રોટેશનમાં નહી આવવાથી બેન્કોના એટીએએમ પર ૫૦૦ અને ૧૦૦ રૂપિયાની નોટ વધારે નાંખવામાં આવી રહી છે.

માત્ર ૧૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટ એટીએએમમાં હોવાથી જલ્દી ખાલી થઇ જાય છે. આરબીઆઇએ દરેક બેન્કોને એટીએએમમાં ૨૦૦ રૂપિયાની નોટ નાંખવાની ગાઇડલાઇન બહાર પાડી દીધી છે. એસબીઆઇએ દાવો કર્યો છે કે તેના દ્યણા બેન્કના એટીએએમમાંથી ૨૦૦ રૂપિયાની નોટ મળે છે. તો પંજાબ બેન્કના અધિકારીએ જણાવ્યુ કે ૨૦૦ રૂપિયાની નોટ માટે સોફટવેરનું સેટિંગ કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

(4:13 pm IST)