Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ઓબામા-કેર જેવો મોદી-કેર પ્રોગ્રામ

૧૦ કરોડ પરિવારો માટે વર્ષે પાંચ લાખનો વીમોઃ આશરે પ૦ કરોડ ભારતીયોને ફાયદો થવાની ધારણા

નવી દિલ્હી તા. રઃ અમેરિકામાં જેમ ભૂતપૂર્વ પ્રેસડન્ટ બરાક ઓબામાએ ઓબામા-કેર નામનો હેલ્થ પ્રોગ્રામ શરૂ કર્યો હતો એવો હેલ્થ કેર પ્રોગ્રામ મોદી સરકારે શરૂ કર્યો છે, જેનો લાભ આશરે ૧૦ કરોડ ગરીબ પરિવારોના પ૦ કરોડ લોકોને થવાની ધારણા છે. આ મોદી-કેર પ્રોગ્રામને નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્કીમ-આયુષ્યમાન ભારત એવું નામ આપવામાં આવ્યું છે અને એમાં આવા પરિવારોનો વર્ષે દહાડે પાંચ લાખ રૂપિયાનો વીમો ઉતારવામાં આવશે.

કેન્દ્રીય બજેટમાં આની જાહેરાત કરતાં નાણાપ્રધાન અરૂણ જેટલીએ કહ્યું હતું કે 'વિશ્વમાં આ પ્રકારની કોઇ યોજના શરૂ થઇ નથી. આ સ્કીમના કારણે દેશના ૧.૩૦ અબજ લોકો પૈકી ૪૦ ટકા લોકોને લાભ મળશે. આવા પરિવારના લોકોના ઘરમાં બીમારી આવે તો તેમને વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીનો ઉપચાર મફત મળી શકશે. આ સ્કીમ બરાબર રીતે અમલી બને એ માટે પુરતા ભંડોળની ફાળવણી કરવામાં આવશે.'

દેશમાં ટીબીના દરદીઓને પોષક ખોરાક પૂરો પાડવા માટે મહિને પ૦૦ રૂપિયા આપવામાં આવશે. આ માટે ૬૦૦ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આ સિવાય સરકાર નવી ર૪ મેડિકલ કોલેજો અને હોસ્પિટલોની સ્થાપના કરશે.

(3:33 pm IST)