Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ખિસ્સાં ખાલીખમ અને તાજમાં ડિનરનાં ખ્વાબ

મોદી સરકારનું આખરી ફુલફલેજ્ડ બજેટ ભ્રમજાળથી વધુ કાંઇ નથી

નવી દિલ્હી તા.૨: નાણાપ્રધાન અરૂણ જેટલીનું ૨૦૧૮-'૧૯ માટેનું બજેટ વાતોના વડાંથી વિશેષ નથી. કિસાન, ગ્રામીણ વિકાસ, રોજગારીસર્જન, મહિલા ઉત્કર્ષ, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સુરક્ષાના નામે ઘણી અવનવી યોજનાઓ સામેલ થઇ છે. યુવાન ભારત કે વાઇબ્રન્ટ ઇન્ડિયાના સપનાની ભારે ભરમાર છે, પરંતુ નક્કર આંકડા કંઇક જુદું જ કહે છે. મોદી સરકારનું આખરી ફુલફલેજડ બજેટ ભ્રમજાળથી વધુ કાંઇ નથી.

અર્થશાસ્ત્રનો પાયાનો નિયમ છે

આર્થિક નીતિના જેટલા ઉદ્દેશ હોય એટલા સાધન મોજૂદ હોવા જોઇએ. સાધન વગરના ઉદેશ એટલે ખિસ્સાં ખાલીખમ અને તાજમાં ડિનરના ખ્વાબ જેવું થયું. મસમોટી યોજનાઓ અને કલ્યાણકાર્યક્રમ બજેટમાં જાહેર તો કરી નાખ્યા, પણ નાણાં કયાં છે?

ફાળવણીનું શું?

૨૦૧૭-'૧૮ ના બજેટ-ડોકયુમેન્ટ્સ પ્રમાણે કુલ આવક આગામી વર્ષે ૨૨.૧૭ લાખ કરોડ રૂપિયાથી વધીને ૨૪.૪૨ લાખ કરોડ રૂપિયા રહેશે. મતલબ કે સરકારની આવક આશરે સવાબે લાખ કરોડ રૂપિયા વધશે. આ વધારાની આવક વિકાસકાર્ય પાછળ ખર્ચાશે અને એમ માનશે નહીં. આગામી વર્ષે વ્યાજ પેટેનો ખર્ચ ૪૬૦૦૦ કરોડ રૂપિયા વધીને ૫.૭૬  લાખ કરોડ રૂપિયા પહોંચશે. ખેડુતો માટે પડતર કરતા ૧૫૦ ટકાના દરે ટેકાના ભાવની યોજનાથી ફુડ સબસિડી ૨૯૦૦૦ કરોડ રૂપિયા વધીને ૧.૬૯ લાખ કરોડ રૂપિયાને વટાવી જશે. ટેકસ એડ્મિનિસ્ટ્રેશન પેટેનો ખર્ચ ૨૭,૫૦૦ કરોડ રૂપિયા વધીને ૧.૦૫ લાખ કરોડ રૂપિયાને આંબી જવાનો છે. ખાતર સબસિડીમાં ૫૦૦૦ કરોડ રૂપિયાનો વધારો અપાયો છે. ગૃહ મંત્રાલયના કારભાર માટેના બજેટમાંથી એટલી જ વૃદ્ધિ થઇ છે. ડિફેન્સ બજેટની જોગવાઇમાં ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે. વેરાની આવકમાંથી રાજ્યોને હિસ્સા પેટે આપવાની થતી રકમ ૨૨,૫૦૦ કરોડ રૂપિયા વધવાની છે. પેન્શન પેટેનો ખર્ચ કે ચુકવણી આશરે ૨૧,૦૦૦ કરોડ રૂપિયા વધે છે. આવા તો બીજા અનેક નોન-પ્રોડકિટવ અગર તો નોન-પ્લાન એકસપેન્ડિચરની જોગવાઇ બજેટમાં છે. તો પછી વિકાસ કે યોજનાકીય ખર્ચના પૈસા આવશે કયાંથી?

(11:40 am IST)