Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ભાજપ સામે ધોકો પછાડવા ૧૭ વિપક્ષો એક થયા

સોનિયાની અધ્યક્ષતામાં ૧૭ નોન એનડીએ પક્ષોની બેઠક મળીઃ બસપા ગેરહાજરઃ સોનિયા ગાંધીએ વિપક્ષોની એકતા ઉપર ભાર મુકયોઃ ધાર્મિક હિંસા રોકવા બધા પક્ષોને એક થવા અનુરોધ

નવી દિલ્હી તા.ર : યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બજેટ સત્ર બાદ ૧૭ બીન એનડીએ પક્ષોના નેતાઓની બેઠકની અધ્યક્ષતા સંભાળી હતી અને રાષ્ટ્રીય મહત્વના મુદા ઉપર સંસદ અને તેની બહાર વિપક્ષોની એકતાની હાકલ કરી હતી. આ મીટીંગમાં બસપાએ ભાગ નહોતો લીધો.

 

સોનિયા ગાંધીએ વિપક્ષોની બેઠકને સંબોધતા કહ્યુ હતુ કે વિપક્ષી નેતાઓએ રાજયોના મુદા ઉપર પોતાના મતભેદોને એક બાજુ મુકવા જોઇએ અને રાષ્ટ્રીય સ્તર ઉપર ભાજપ સામે ટક્કર લેવા માટે સાથે આવવુ જોઇએ.

આ બેઠકમાં તેમણે કહ્યુ હતુ કે, આપણે બધાએ સંસદ અને તેની બહાર સંયુકત પહલ અને રણનીતિ અપનાવવી જોઇએ. ખેડુતો, દલિતો, યુવાનો, ગરીબો, મહિલાઓના સંવેદનશીલ મુદાઓને સમજવા માટે સૌએ સાથે આવવાની જરૂર છે. રાજયોમાં વિવિધ પક્ષો વચ્ચે મતભેદ હોઇ શકે છે પરંતુ રાષ્ટ્રીય મુદા પર મતભેદ હોવા જોઇએ. આપણે એકતા રાખવી જોઇએ.

સોનિયાએ કહ્યુ હતુ કે, ધર્મ અને જાતિને લઇને હિંસા ફેલાવવામાં આવી રહી છે અને રાષ્ટ્રીય સરોકારથી જોડાયેલા અનેક મુદાઓએ આપણે સાવધાન રહેવુ પડશે. રાષ્ટ્રીય મુદે સાથે રહીને કામ કરવુ પડશે. જયાં સુધી ધૃણાની વિચારધારાની વાત છે તો આપણે સાવધાન રહેવાની જરૂર છે. દેશમાં જાતિ અને ધર્મના આધારે વ્યાપક હિંસા થઇ રહી છે. તેમણે સંસદના બજેટ સત્રમાં સંયુકત રણનીતિ બનાવવા અને આગામી ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે એકતા માટે વિપક્ષોનું સમર્થન માંગ્યુ હતુ. બેઠકમાં વિપક્ષોએ રાજસ્થાનની ચૂંટણીમાં વિજય બદલ સોનિયા અને રાહુલને અભિનંદન આપ્યા હતા. આ બેઠકમાં મનમોહન સિંહ, રાહુલ ગાંધી, અહમદ પટેલ, ગુલામનબી આઝાદ, ખડગે, શરદ પવાર, ફારૂક અબ્દુલ્લા, રાજદના મીશા ભારતી, તૃણમૂલના ડેરેક ઓ બ્રાયન પણ હાજર રહ્યા હતા. સીપીએમ નેતા ડી.રાજા, સપાના નરેશ અગ્રવાલ, રામગોપલ યાદવ, જેડીએસ નેતા ઉપેન્દ્ર રેડ્ડી, શરદ યાદવ, અજીતસિંહ વગેરે હાજર રહ્યા હતા. (૩-૭)

(10:58 am IST)