Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

RSSના સહયોગી બજેટથી નિરાશઃ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે

સરકારે મજૂરો અને નોકરીયાત વર્ગનું બજેટમાં જરા પણ ધ્યાન રાખ્યું નથી

નવી દિલ્હી તા. ૨ : મોદી સરકારના અંતિમ બજેટથી મધ્મય વર્ગ અને પગારદાર વર્ગ જ નહીં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહયોગી પણ નિરાશ થયા છે. આરએસએસના સહયોગી સંગઠન ભારતીય મજૂર સંઘે બજેટને નિરાશાજનક ગણાવતા શુક્રવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણી વહેલી યોજાવાની અટકળો વચ્ચે આરએસએસના સહયોગી સંગઠન દ્વારા આ રીતે ખુલીને વિરોધ કરવો સરકાર માટે સારો સંકેત નથી માનવામાં આવી રહ્યો.

ભારતીય મજૂર સંઘનું કહેવું છે કે સરકારે મજૂરો અને નોકરીયાત વર્ગનું બજેટમાં જરા પણ ધ્યાન નથી રાખ્યું. આવક વેરા સ્લેબમાં કોઈ બદલાવ નથી કરાયો તેમજ મજૂરોના હિતમાં પણ કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. આ ઉપરાંત આંગણવાડી કાર્યકરો તેમજ આશા વર્કરોને સરકારે નિરાશ કર્યા છે. જેને પગલે ભારતીય મજૂર સંઘે બજેટને નિરાશાજનક ગણાવતા શુક્રવારે દેશવ્યાપી પ્રદર્શનનું એલાન કર્યું છે.  

ભારતીય મજૂર સંઘ, આરએસએસની સહયોગી પાંખ છે જે મજૂરોના અવાજને વાચા આપે છે. અગાઉ પણ ભારતીય મજૂર સંઘે મોદી સરકારની નીતિઓની ટિકા કરી હતી. નોટબંધી અને જીએસટીને લઈને મજૂર સંઘે કહ્યું હતું કે આવા નિર્ણયોથી લઘુ તેમજ મધ્યમ ઉઘોગોને ઘણું નુકસાન થયું છે. 

કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ બજેટ રજૂ કર્યું તે પછી તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રના તમામ પ્રધાનો આ બજેટ પર પ્રશંસાના ફૂલ વરસાવવા માંડ્યા હતા. જોકે, કેન્દ્રના રાજયકક્ષાના સાયન્સ અને ટેકનોલોજી પ્રધાન વાય. એસ. ચૌધરીએ આ બજેટ માટે નારાજગી વ્યકત કરી હતી.

આંધ્રપ્રદેશની તેલુગુદેશમ પાર્ટીના નેતા ચૌધરીએ કહ્યું હતું કે હું અને મારો પક્ષ ટીડીપી આ બજેટથી નાખુશ છીએ. અમે લોકોએ રેલવે ઝોન, પોલાવરમ પ્રોજેકટ માટે ભંડોળ તથા નવી રાજધાની અમરાવતી માટે મદદ સહિતના અનેક મુદ્દા નાણાંપ્રધાન સમક્ષ રજૂ કર્યા હતા પરંતુ નાણાંપ્રધાને તેનો બજેટમાં સમાવેશ કર્યો નથી.

એનડીએમાં એક ઘટક એવો ટીડીપી છેલ્લા કેટલાય સમયથી ભાજપથી નારાજ છે અને થોડા દિવસો પહેલાં જ ટીડીપીના વડા એન. ચન્દ્રાબાબુ નાયડુ એનડીએથી છેડો ફાડવાની ધમકી આપી ચૂકયા છે.

(9:58 am IST)