Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

બેંગકોક : મંદિરમાં ૨૦૨૦ ફુટની ધજા ચઢાવવા તૈયારી

આઇ પાવર વર્લ્ડ વન્ડર કલબ દ્વારા રેકોર્ડ નોંધાશેઃ ૧ જુલાઈએ ન્યુજર્સી ખાતે ઉમિયા ધામના મંદિરમાં ૧૦ રેકોર્ડ બનાવાશે : અમેરિકા ખાતે સૌપ્રથમવાર આયોજન

અમદાવાદ,તા. ૧, ભારતની સૌથી મોટી રિલિજિયસ કલબ(ધાર્મિક કલબ) એવી અમદાવાદની આઇ પાવર વર્લ્ડ વન્ડર કલબ લિ. દ્વારા તા.૬ઠ્ઠી ફેબ્રુઆરી,૨૦૧૮ના રોજ થાઇલેન્ડના બેંગકોક સ્થિત શિવમંદિરમાં ૨૦૨૦ ફુટ લાંબી અને ૧૦ ફુટ પહોળી ધજા અર્પણ કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે. તો, બંગકોકમાં જ વર્લ્ડ કોન્ફરન્સ યોજી સંસ્થા દ્વારા અનોખો વિશ્વ વિક્રમ નોંધાવાશે. જયારે આવો અમેરિકાના નેજા હેઠળ તા.૧લી જૂલાઇ, ૨૦૧૮ના રોજ અમેરિકાના ન્યુ જર્સી સ્થિત ઉમિયાધામ મંદિર ખાતે આઇ પાવર દ્વારા એક સાથે અલગ-અલગ દસ નવા વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવશે એમ અત્રે આઇ પાવર વર્લ્ડ વન્ડર કલબ લિ.ના ચેરમેને ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકામાં આ પ્રકારનું સૌપ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે. વર્લ્ડ રેકોર્ડની આ ઇવેન્ટમાં ભારતમાંથી અંદાજે પાંચથી દસ હજાર જેટલા લોકો ભાગ લેશે. આઇ પાવર વર્લ્ડ વન્ડર કલબ લિ. એ ધાર્મિક કલબ છે અને તે ધાર્મિક ક્ષેત્ર અને વિષયોને લગતાં જ રેકોર્ડ કરતી આવી છે. અત્યારસુધીમાં આઇ પાવરે ભારત અને દુબઇ સહિત કુલ ૧૯ વર્લ્ડ રેકોર્ડ કર્યા છે. આઠ વર્લ્ડ રેકોર્ડ પાઇપલાઇનમાં છે, જેને પરિપૂર્ણ કરવાની દિશામાં પ્રયાસો ચાલી રહ્યા છે. આ વર્ષમાં મળી કુલ ૪૧ રેકોર્ડ બનાવવાનું આઇ પાવરનું આયોજન છે એમ કલબના ચેરમેન ભૂપેન્દ્રભાઇ પટેલે ઉમેર્યું હતું. તેમણે આઇ પાવરના કેટલાક મહત્વના અને નોંધનીય રેકોર્ડ વિશે જણાવતાં ઉમેર્યું કે, વિશ્વનો સૌથી મોટો ભંડારો, ૬૪ ફુટની સૌથી મોટી અગરબત્તી, સૌથી મોટુ શિવલિંગ, અંબાજી માતાજીને ૧૫૦૩ ફુટની ધજા, દુબઇમાં ૧૭૦૮ ફુટની ધજા સહિતના વિશ્વવિક્રમોએ માત્ર દેશમાં જ નહી પરંતુ વિશ્વભરમાં અમદાવાદનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે. આગામી દિવસોમાં આઇ પાવર વર્લ્ડ વન્ડર કલબ લિ. વિશ્વની સૌથી મોટી રિલિજિયસ કલબ(ધાર્મિક કલબ) તરીકેનો ખિતાબ મેળવશે. અમે દુનિયાના અલગ-અલગ દેશોમાં ધાર્મિક વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા માટે કટિબધ્ધ છીએ. આઇ પાવરની ધાર્મિક પ્રવૃત્તિઓ અને વર્લ્ડ રેકોર્ડની ગાથાઓને બિરદાવવા ઘાટલોડિયાના ભાજપના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઇ પટેલ, સાબરમતીના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(11:11 pm IST)