Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

કૃષિ કાયદા અંગે બેઠક પૂર્વે ખેડૂતોનો આક્રમક મીજાજ: ઉકેલ નહીં આવે તો મોલ -પેટ્રોલ પંપ બંધ કરવા ચીમકી

સોમવારની પહેલા સિંધુ બોર્ડર પર લગભગ 80 ટકા ખેડૂત સંગઠનોની બેઠક યોજાઈ

નવી દિલ્હી : કેન્દ્ર  સરકાર અને ખેડૂતો વચ્ચે ભલે સાતમા રાઉન્ડની વાતચીત દરમિયાન બે મુદ્દાઓ પર સહમતિ બની હોય, પરંતુ કૃષિ કાનૂન પર અનેક સમસ્યાઓ સામે આવતી જોવા મળી રહી છે. કેન્દ્ર સાથે અગામી બેઠકથી પહેલા ખેડૂતોએ પોતાના તેવર બતાવ્યા છે અને કહ્યું કે, સરકાર ખેડૂતોને હળવાશમાં લેવાની ભૂલ ના કરે. સાથે જ આગામી બેઠકને લઈને ચેતવણી પણ આપી છે કે, જો 4 જાન્યુઆરીએ કોઈ ઉકેલ નિકળશે નહીં તો આદોલનને ઉગ્ર કરવામાં આવશે અને હરિયાણામાં મોલ અને પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવશે 

   કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે 4 જાન્યુઆરીએ આગામી રાઉન્ડની વાતચીત થવાની છે. પરંતુ આ વાતચીત પહેલા સિંધુ બોર્ડર પર લગભગ 80 ટકા ખેડૂત સંગઠનોની એક બેઠક થઈ. જેમાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. સાથે જ તે પણ જણાવવામાં આવ્યું કે, જો સરકારે 4 તારીખે કોઈ ઉકેલ આવશે નહીં તો શું પગલા ભરવામાં આવશે.

સ્વરાજ ઈન્ડિયાના અધ્યક્ષ અને ખેડૂત નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે, “આગામી બેઠકમાં જો અમારી માંગ માનવામાં આવશે નહીં તો અમે કુંડલી-માનેસર-પલવલમાં 6 જાન્યુઆરીએ માર્ચ કરીશું. તે પછી અમે શાહજહાંપુર બોર્ડરથી આગળ વધવાની તારીખની પણ જાહેરાત કરીશું. 50 ટકા મુદ્દાઓનો ઉકેલ કરવાનો દાવો ખોટો છે. અમારી બે મુખ્ય માંગો ત્રણ કૃષિ કાનૂનોને ખત્મ કરવા અને એમએસપીની કાયદાકીય ગેરંટી હજું બાકી છે.”

યોગેન્દ્ર યાદવ ઉપરાંત ભારતીય કિસાન યૂનિયનના નેતા યુધવીર સિંહે કહ્યું કે, સરકાર ખેડૂતોને હળવાશમાં લઈ રહી છે. સરકાર શાહીન બાગના પ્રદર્શનને ખત્મ કરવામાં સફળ રહી હતી, હવે તેઓ આ આંદોલન માટે પણ તેવું જ વિચારી રહ્યાં છે. પરંતુ તે દિવસ ક્યારેય આવશે નહીં.

જ્યારે હરિયાણાના એક ખેડૂત નેતા વિકાસ સિરસાએ જણાવ્યું હતું કે, તેઓ હરિયાણા સરકાર વિરૂદ્ધ હવે પ્રદર્શન તૈયાર કરી રહ્યાં છે. તેમને કહ્યું, હરિયાણાના બધા ટોલ પ્લાઝા ફ્રિ કરી દેવામાં આવશે. પ્રાઈવેટ પેટ્રોલ પંપોને છોડીને બધા જ સરકારી પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવશે, સાથે જ હરિયાણાના મોલ પણ બંધ કરાવી દેવામાં આવશે. તે ઉપરાંત સત્તાધારી બીજેપી અને જેજેપીના નેતાઓના ઘરો બહાર પ્રદર્શન કરવામાં આવશે. તે બધુ ત્યાર સુધી ચાલું રહશે, જ્યાર સુધી ચૌટાલા અને ખટ્ટરનું ગઠબંધન ચાલું રહેશે.

(10:57 pm IST)