Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

કૃષિ લોન માફીના બદલે કૃષિ અર્થતંત્રને વધુ વ્‍યાપક રાહત આપવા કેન્‍દ્ર સરકારની ગંભીર વિચારણા

નવી દિલ્હી:લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે સરકાર ભાવમાં ઘટાડો અને નીચી કૃષિ આવકની સમસ્યાથી પરેશાન ખેડૂતોને રાહત આપવાની તૈયારીમાં છે. સરકાર કૃષિ લોન માફીને બદલે કૃષિ અર્થતંત્રને વધુ વ્યાપક રાહત આપવા સક્રિય છે.

સરકારના મતે માત્ર ઋણ માફ કરવાથી કૃષિક્ષેત્રની પાયાની સમસ્યાનો ઉકેલ નહીં આવે. તે લઘુતમ ટેકાના ભાવ (MSP)ને વધુ અસરકારક બનાવવા અંગેના ફેરફારની વિચારણા કરી રહી છે. ઉપરાંત, ખેતીની નીચી આવકને સરભર કરવા ડાયરેક્ટ ઇન્કમ ટ્રાન્સફરના વિકલ્પની પણ શક્યતા છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, “બીજા વિકલ્પ (ડાયરેક્ટ ઇન્કમ ટ્રાન્સફર) માટે મોટી રકમની જરૂર પડશે. ઉપરાંત, સહાયની જરૂરિયાતવાળા ગરીબ ખેડૂતોને લાભ પહોંચાડવા સરકાર અસરકારક વ્યવસ્થા વિચારી રહી છે.

ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે સપ્ટેમ્બર ૨૦૧૮માં MSP પ્રોગ્રામમાં ફેરફાર કર્યો હતો, પણ ખેડૂતને બજારભાવ અને MSP વચ્ચેનો તફાવત કેવી રીતે મળે માટે વધુ ઉદાર સ્કીમની વિચારણા થઈ રહી છે. નીતિઘડવૈયા ટાર્ગેટ આધારિત સ્કીમની તરફેણમાં છે, જે ખેડૂતોને રાહત આપવા સાથે કૃષિ અર્થતંત્રમાં રોકાણની સાઇકલને બેઠી કરી શકે.

સરકારનાં અમુક વર્તુળોના મતે ગરીબ ખેડૂતો માટેની સોશિયો ઇકોનોમિક એન્ડ કાસ્ટ સેન્સસ (SECC) આધારિત ઇન્કમ ટ્રાન્સફર સ્કીમ સમસ્યાનો ઉત્તમ ઉકેલ છે. ખાસ કરીને ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ સામે ભાજપના પરાજય પછી આવી સ્કીમ રાજકીય રીતે પણ વધુ સ્વીકાર્ય હશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસે કૃષિ લોન માફ કરવાનો વાયદો કર્યો હતો.

ઇન્કમ ટ્રાન્સફર અંગેની કેન્દ્ર સરકારની સ્કીમ રાજકોષીય સ્થિતિ પર દબાણ વધારશે અને સરકારે ભંડોળની જરૂરિયાતને પહોંચી વળવા અગાઉ જાહેર કરેલા રાજકોષીય ખાધમાં ઘટાડાના અંદાજમાં ફેરફાર કરવો પડશે. ચાલુ વર્ષે સરકારે રાજકોષીય ખાધ GDPના 3.3 ટકા રહેવાનો અંદાજ જાહેર કર્યો હતો. 2020-’21 સુધીમાં સરકાર ટકાની રાજકોષીય ખાધનો લક્ષ્યાંક ધરાવે છે.

SBI રિસર્ચે ગયા મહિને એક નોંધમાં 21.6 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને બે હપતામાં પરિવાર દીઠ વાર્ષિક ₹12,000 ફાળવવાનું સૂચન કર્યું હતું. જેનો કુલ ખર્ચ ₹50,000 કરોડ થવાનો અંદાજ છે. રકમ ગ્રામીણ રોજગાર યોજનામનરેગાજેટલી છે. કેન્દ્ર સરકારની ઇન્કમ ટ્રાન્સફર સ્કીમ તેલંગણાનીરાયથુ બંધુજેવી હોઈ શકે. જેમાં જમીન ધરાવતા તમામ ખેડૂતોને એકર દીઠ ₹4,000 ઓફર કરાય છે. ઓડિશાએ પણકાલિઆસ્કીમ લોન્ચ કરી છે. જેના ભાગરૂપે 30 લાખ નાના અને સીમાંત ખેડૂતોને રવી અને ખરીફ પાક માટે ₹10,000 ફાળવાશે. ઝારખંડે આવી યોજના હેઠળ આગામી નાણાકીય વર્ષથી 22.76 લાખ મધ્યમ અને સીમાંત ખેડૂતોને એકર દીઠ ₹5,000 આપવાની જાહેરાત કરી છે.

 

(4:53 pm IST)