Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

દિલ્હીથી ચૂંટણીનું રણશિંગુ ફુંકશે ભાજપ : ૧૧-૧૨ના રોજ મહાઅધિવેશન

૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પૂર્વેનું હશે અંતિમ અધિવેશનઃ કારોબારી સભ્યો, રાષ્ટ્રીય પરિષદના સભ્યો, જનપ્રતિનિધિઓ સહિત ૧૨૦૦૦ નેતાઓ હાજર રહેશે : ભાજપ નક્કી કરશે 'લાઈન ઓફ એકશન': પ્રચાર-ઉમેદવારી પસંદગી સહિતની બાબતોની ઘડાશે રણનીતિ

નવી દિલ્હી, તા. ૨ :. આવતા અઠવાડીયે ભાજપા દેશની રાજધાની દિલ્હીથી લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફુંકશે. દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપાએ રાષ્ટ્રીય અધિવેશન આયોજીત કરવાની જાહેરાત કરી છે. જેને વડાપ્રધાન મોદી સહિત ભાજપાના દિગ્ગજ નેતાઓ સંબોધિત કરશે. ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ થનાર આ અધિવેશનની તૈયારીમાં પ્રદેશ ભાજપા નેતાઓ અત્યારથી લાગી ગયા છે.

આની તૈયારીઓ માટે પ્રદેશ ભાજપા કાર્યાલયમાં પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીની અધ્યક્ષતામાં એક બેઠક થઈ જેમાં ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી ડો. અનિલ જૈન, રાષ્ટ્રીય મંત્રી તરૂણ ચુધ, પ્રદેશ સંગઠન મહામંત્રી સિદ્ધાર્થન સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ હાજર હતા.

બેઠક પછી ડો. અનિલ જૈને કહ્યું કે રાષ્ટ્રીય અધિવેશન લોકસભા ચૂંટણી પહેલા સૌથી મોટી બેઠક છે. આમાં દેશભરના દરેક જીલ્લામાંથી લગભગ ૧૨૦૦૦ પ્રતિનિધિઓ સામેલ થશે.

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લેતા આ અધિવેશન ઘણુ મહત્વપૂર્ણ છે. તેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષ પ્રમુખ અમિત શાહ, કેન્દ્રીય પ્રધાનો, રાષ્ટ્રીય હોદેદારો સહિત રાષ્ટ્રીય નેતાઓ કાર્યકર્તાઓને ચૂંટણી જીતવાનો મંત્ર આપશે. પ્રદેશ ભાજપા અધ્યક્ષ મનોજ તિવારીએ જણાવ્યુ કે રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ  માટે ૨૪ વિભાગોની રચના કરાઈ છે.

આની જવાબદારી અલગ અલગ કાર્યકર્તાઓને અપાઈ છે. તરૂણ ચુધે જણાવ્યુ કે દેશભરના બધા જીલ્લાઓમાંથી આવનાર પ્રતિનિધિને એરપોર્ટ, રેલ્વે સ્ટેશનોથી આવાસ સુધી પહોંચાડવાથી માંડીને ભોજન અને રામલીલા મેદાન સુધી લઈ જવાની બધી જવાબદારીઓ આ ૨૪ વિભાગો સંભાળશે. પક્ષ આ અધિવેશનમાં લાઈન ઓફ એકશન તૈયાર કરશે. આ મહાઅધિવેશનમાં પક્ષની કાર્યકારિણીના સભ્યો, રાષ્ટ્રીય પરિષદના સભ્યો ઉપરાંત બધા જનપ્રતિનિધિઓને પણ બોલાવાઈ રહ્યા છે. જેથી ચૂંટણી સમયે કાર્યકર્તાઓમાં લાઈન ઓફ એકશન બાબતે કોઈ ભ્રમ ન રહે. આ ઉપરાંત પક્ષ એવું પણ ઈચ્છે છે કે ચૂંટણી પહેલા આ કાર્યક્રમ દ્વારા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો સંચાર થાય જેથી પાંચ રાજ્યોના પરિણામોથી આવેલી નિરાશાને દૂર કરી શકાય.

અધિવેશનમાં એ પણ નક્કી કરાશે કે કોંગ્રેસ પર કેવી રીતે હુમલો કરવો અને રાફેલ અંગે કોંગ્રેસના પ્રચારનો જવાબ આપવો. પક્ષના નેતાઓનું કહેવુ છે કે આના માટે એક રાજકીય પ્રસ્તાવ પણ લાવવામાં આવશે અને પ્રસ્તાવ દ્વારા એવો સંદેશ આપવાની કોશિષ થશે કે દેશભરમાં વડાપ્રધાન માટે નરેન્દ્ર મોદી જેવા નેતા બીજા કોઈ પક્ષમાં નથી. પક્ષના એક નેતાનું કહેવુ છે કે યુપીના કાર્યકર્તાઓને સમજાવવામાં આવશે કે જો એસ.પી. અને બી.એસ.પી. વચ્ચે ગઠબંધન થાય તો કેવી રીતે ચૂંટણી લડવી જેથી ૫૦ ટકા  મત મેળવવાનું લક્ષ્ય હાંસલ થઈ શકે.

(11:48 am IST)