Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

પુલવામામાં થયેલા હુમલાનો મુદ્દો લોકસભામાં પણ ગુંજ્યો

કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયાએ મુદ્દો ઉઠાવ્યો : જે લોકો એક માથાના બદલે ૧૦ માથાની વાત કરી રહ્યા હતા તે લોકો શાંત : રાજનીતિ નહીં કરવા સરકારનું સૂચન

નવીદિલ્હી,તા. ૨ : જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ ટ્રેનિંગ સેન્ટર પર કરવામાં આવેલા આતંકવાદી હુમલાને લઇને આજે સંસદમાં સરકારને ભીંસમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે ગૃહમાં આ મુદ્દો ઉઠાવી વડાપ્રધાન ઉપર મૌન રહેવાનો આક્ષેપ કર્યો હતો. પાકિસ્તાન સહિત વિદેશ નીતિ પર સ્થિતિ સ્પષ્ટ કરવાન માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જે લોકો એક માથાના બદલે ૧૦ માથા લાવવાની વાત કરી રહ્યા હતા તે લોકો આજે મૌન થયેલા છે. શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા સિંધિયાએ કહ્યું હતું કે, ૨૦૧૭ના અંતિમ દિવસે જ્યારે દેશ ઉજવણી કરી રહ્યું હતું ત્યારે પુલવામામાં સીઆરપીએફના ટ્રેનિંગ સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા. ત્રણ ત્રાસવાદીઓ પણ માર્યા ગયા હતા. અમારી સેના અને જવાન દેશની સુરક્ષાને લઇને કટિબદ્ધ છે પરંતુ ચિંતાની બાબત એ છે કે, સરકાર તેમની સુરક્ષાને લઇને ગંભીર નથી. પહેલા પણ પંપોર, પઠાણકોટ સહિત કેટલાક ક્ષેત્રોમાં ત્રાસવાદી હુમલા કરવામાં આવી ચુક્યા છે. આ સંદર્ભમાં સમિતિઓ બનાવવામાં આવી છે પરંતુ તેના પર કોઇ કામ થઇ રહ્યું નથી. સિંધિયાએ કહ્યું હતું કે, પુલવામા હુમલાના સંદર્ભમાં પહેલાથી જ માહિતી હતી. ત્રાસવાદીઓ જ્યાંથ ઘુસ્યા હતા ત્યા ફ્લડ લાઇટ ન હતી. બીજી બાજુ સંસદીય બાબતોના મંત્રી અનંતકુમારે માહિતી આપતા કહ્યું હતું કે, આ સંવેદનશીલ મામલો છે. આના ઉપર કોંગ્રેસે રાજનીતિ રમવી જોઇએ નહીં. ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિરે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના પડકારરુપ છે અને સરકારને આ દિશામાં સક્રિય થવાની જરૂર છે.

(8:10 pm IST)