Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

SBI ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખનારા ગ્રાહકો પાસેથી ૧૭૭૧ કરોડ ખંખેર્યા

એક કવાટરના નફા કરતા પણ વધુ ચાર્જઃ એપ્રિલ ૨૦૧૭થી ચાર્જ શરૂ કરાયો હતોઃ એસબીઆઇમાં ૪૨ કરોડ સેવિંગ અકાઉન્ટ

નવી દિલ્હી તા. ૨ : કેન્દ્રિય નાણાં મંત્રાલય દ્વારા બહાર પડાયેલા આંકડા અનુસાર, દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એપ્રિલ-નવેમ્બર ૨૦૧૭ના ગાળામાં પોતાના અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ ગ્રાહકો પાસેથી ૧,૭૭૧ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. મહત્વનું છે કે, એસબીઆઈએ ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવા પરનો ચાર્જ હટાવી દીધો હતો. જોકે, પાંચ વર્ષ પછી ૨૦૧૭-૧૮માં જ આ ચાર્જ લેવાનો ફરી શરૂ કરવામાં આવ્યો હતો.

ઈન્ડિયન એકસપ્રેસના અહેવાલ અનુસાર, એસબીઆઈએ ગ્રાહકો પાસેથી લીધેલી આ રકમ કેટલી મોટી છે તેનો અંદાજ એ જ વાત પરથી જ આવી જાય છે કે, બેંકનો જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો ૧૫૮૧ કરોડ રૂપિયા હતો, જયારે મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ એપ્રિલથી નવેમ્બર ૨૦૧૭ના ગાળામાં ગ્રાહકો પાસેથી લેવાયેલા રૂપિયા તેનાથી પણ વધુ એટલે કે, ૧૭૭૧ કરોડ રૂપિયા થાય છે. મતલબ કે, બેંકે બીજા કવાટરમાં જેટલો ચોખ્ખો નફો કર્યો તેનાથી વધુ રકમ તો તેણે પહેલા બે કવાટરમાં ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ મેઈન્ટેન ન કરવા બદલ ઉઘરાવી છે.

હાલ એસબીઆઈના મિનિમમ બેલેન્સના નિયમ અનુસાર, મેટ્રો શહેરોમાં ખાતામાં ૫૦૦૦ રૂપિયા કરતા ૫૦ ટકા ઓછું બેલેન્સ ન જળવાય તો ૫૦ રૂપિયા, ૫૦-૭૫ ટકા ઓછું બેલેન્સ હોય તો ૭૫ રૂપિયા અને ૭૫ ટકાથી ઓછું બેલેન્સ હોય તો ૧૦૦ રૂપિયા ચાર્જ વસૂલવામાં આવે છે. જયારે, શહેરી વિસ્તારોમાં ૩૦૦૦ રૂપિયા કરતા ૫૦ ટકાથી ઓછું બેલેન્સ હોય તો ૪૦ રૂપિયા, ૫૦-૭૫ ટકા ઓછું બેલેન્સ હોય તો ૬૦ અને ૭૫ ટકાથી ઓછું બેલેન્સ હોય તો ૭૫ રૂપિયા વસૂલાય છે.

મિનિમમ બેલેન્સના ચાર્જ ઉપરાંત, એસબીઆઈ ૧૨૫થી ૩૦૦ રૂપિયા જેટલો ડેબિટ કાર્ડનો ચાર્જ વસૂલ કરે છે. તમારી પાસે કઈ કેટેગરીનું ડેબિટ કાર્ડ છે તેના આધારે આ ચાર્જ નક્કી થાય છે.

એસબીઆઈએ ૧ એપ્રિલ ૨૦૧૭માં નિશ્ચિત બેલેન્સ મેઈન્ટેન ન કરી શકતા ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલવાનું શરૂ કયું હતું. બેંકે સપ્ટેમ્બરમાં તેમાં થોડી રાહત આપી હતી. જેમાં શહેરોમાં મિનિમમ બેલેન્સની મર્યાદા પાંચ હજારથી ઘટાડી ત્રણ હજાર કરાઈ હતી. બેંકે પેન્શનર, લાભાર્થીઓ તેમજ સરકારી યોજનાનો લાભ લેતા લોકોને તેમાંથી બાકાત રાખ્યા છે.

દેશની સૌથી મોટી બેંક એસબીઆઈમાં ૪૨ કરોડ સેવિંગ અકાઉન્ટ છે. જેમાંથી ૧૩ કરોડ અકાઉન્ટ બેઝિક સેવિંગ અકાઉન્ટ અને પ્રધાનમંત્રી જનધન યોજનામાં આવે છે, જેમાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી નથી. એસબીઆઈ પછી પંજાબ નેશનલ બેંક આ મામલે બીજા નંબરે આવે છે, જેણે ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ મેઈન્ટેન ન કરવા બદલ એપ્રિલ-નવેમ્બરના ગાળામાં ૯૭.૩૪ કરોડ રૂપિયા વસૂલ્યા હતા.

સેન્ટ્રલ બેંકે પણ એપ્રિલ-નવેમ્બરના ગાળામાં ગ્રાહકો પાસેથી ૬૮.૧૬ કરોડ રૂપિયા વસૂલ્યા છે, જયારે કેનરા બેંકે ૬૨.૧૬ કરોડ રૂપિયા ચાર્જ વસૂલ્યો છે. પંજાબ એન્ડ સિંધ એક માત્ર એવી બેંક છે કે જેણે ગ્રાહકો પાસેથી એપ્રિલ-નવેમ્બરના ગાળામાં ગ્રાહકો પાસેથી અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ એક રૂપિયો પણ ચાર્જ નથી લીધો.હાલ દેશમાં મોટાભાગની બેંકો ખાતામાં નિશ્ચિત રકમ ન રાખવા બદલ ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલ કરે છે. એટલું જ નહીં, રોકડ વ્યવહાર પર લગામ કસવા હવે બેંકોએ નિશ્ચિત મર્યાદા કરતા વધુ રકમ ઉપાડવામાં આવે તો તેના પર પણ ચાર્જ વસૂલે છે.

(3:27 pm IST)