Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

પાક.ને અમેરિકાનો સણસણતો તમાચોઃ અટકાવી જંગી સહાય

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઉધડો લીધા બાદ અમેરિકી તંત્રએ પાકિસ્તાનને મળનાર ૧૬૨૪ કરોડની સૈન્ય સહાય રોકી : ત્રાસવાદને પંપાળવાની સજા મળી પાકિસ્તાનનેઃ અમેરિકાએ નનૈયો ભણતા પાકિસ્તાન ચિંતાતુરઃ બોલાવી તાકીદની બેઠક

નવી દિલ્હી તા. ૨ : રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા વલણ બાદ હવે અમેરિકી વહિવટી તંત્રએ પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો આપ્યો છે. વ્હાઈટ હાઉસે સ્પષ્ટતા કરી છે કે અમેરિકન વહિવટી તંત્રએ પાકિસ્તાનને આપવા માટેની ૨૫.૫ કરોડ ડોલર એટલેકે ૧૬૨૫ કરોડ રૂપિયાની લશ્કરી મદદ પર રોક લગાવી દીધી છે. વ્હાઈટ હાઉસે તે પણ જણાવ્યું હતું કે હવે આતંકવાદ વિરુદ્ઘ પાકિસ્તાનની કાર્યવાહી જ નક્કી કરશે કે તેને મદદ કરવામાં આવે કે નહીં.

ટ્રમ્પના વહિવટી તંત્રના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે હાલ તો નાણાકિય વર્ષ ૨૦૧૬ માટે પાકિસ્તાનને ૨૫.૫ કરોડ ડોલર આપવાની અમેરિકાની કોઈ જ યોજના નથી. રાષ્ટ્ર પ્રમુખે તે સ્પષ્ટ કરી દીધું છે કે અમેરિકા પાકિસ્તાનને તેની ધરતી પર ફેલાઈ રહેલા આતંકવાદ વિરુદ્ઘ વધારે કડક કાર્યવાહીની આશા કરે છે. અધિકારીએ કહ્યું હતું કે સાઉથ એશિયાની રણનીતિના સમર્થનમાં પાકિસ્તાનની કાર્યવાહી અમારા સંબંધોની ગતિ નક્કી કરશે જેમાં ભવિષ્યની સૈન્ય સહાયતા પણ સામેલ છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવા વર્ષના પહેલાં જ દિવસે પાકિસ્તાન પર વધુ આક્રમક વલણ અપનાવતું નિવેદન કર્યું છે અને સંકેત કરી દીધો છે કે પાકિસ્તાન જ આતંકવાદીઓનો અડ્ડો છે. ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે પાકિસ્તાનને વર્ષો સુધી મદદ કરીને અમેરિકાએ ભૂલ કરી છે.

ટ્રમ્પે નવા વર્ષના પ્રથમ દિવસે જ ટ્વીટ કરતા કહ્યું હતું કે 'અમેરિકાએ પાકિસ્તાનને છેલ્લાં ૧૫ વર્ષમાં ૩૩ અબજ ડોલરથી વધુની મદદ કરીને મૂર્ખામી જ કરી છે. પાકિસ્તાને તો બદલામાં જુઠ્ઠાણા જ ચલાવ્યા અને કપટ કરવા સિવાય કંઈ ન કર્યું. આપણા(અમેરિકાના) નેતાઓની નીતિ મૂર્ખાઓ જેવી રહી. પાકિસ્તાન આતંકવાદીઓને સલામત રીતે આશ્રય આપતું રહ્યું અને આપણે અફઘાનિસ્તાનમાં તેને શોધતા રહ્યા. હવે આ સાંખી નહીં લેવાય.'

ટ્રમ્પે ગત ઓગસ્ટ મહિનામાં નવી દક્ષિણ એશિયા નીતિ અમલમાં મૂકી હતી, જે અંતર્ગત તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે પાકિસ્તાને આર્થિક મદદ મેળવવી હશે તો તેણે આતંકવાદીઓ સામે કયારે કેવા પગલાં લીધા તેના પુરાવા આપવા પડશે. આમ, તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન પર તેમને જરા પણ વિશ્વાસ રહ્યો નથી.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭ની શરૂઆતમાં ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા તે પછીથી અમેરિકાનો પાકિસ્તાન તરફનો ભ્રમ ભાંગતો રહ્યો છે. ટ્રમ્પ દિવસે ને દિવસે પાકિસ્તાન તરફ વધુ આક્રમક બની રહ્યા છે. ભારત સમગ્ર વિશ્વને કહેતું રહ્યું છે કે પાકિસ્તાન આતંકવાદીઓનો અડ્ડો છે અને તે તેની વિદેશ નીતિના ભાગરૂપે જ આ ખતરનાક રમત ભારત સહિતના વિશ્વ સાથે રમી રહ્યું છે. ટ્રમ્પનો ભારતમાં વિશ્વાસ વધ્યો છે અને તેમણે પાકિસ્તાનને એક પછી એક આર્થિક મદદ પર બ્રેક મારી દીધી છે.

ટ્રમ્પે ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે, અમે પાકિસ્તાનને અરબો ડોલર આપી રહ્યા છે પરંતુ અમે જે ત્રાસવાદીઓ સાથે લડી રહ્યા છીએ તેને તેઓ પાળી રહ્યા છે. અમારે હવે આ નીતિ બદલવી જ પડશે. પાકિસ્તાન માટે સમાજ, શાસન અને શાંતિ માટે પોતાના વાયદાને નિભાવાનો સમય આવી ગયો છે.

(3:17 pm IST)