Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

પ્રજા પાછળ પૈસા ખર્ચવામાં રૂપાણી સરકાર કંજૂસઃ પોણા વર્ષમાં માત્ર ૫૫.૮૮ ટકા જ ખર્ચ કર્યો

સરકારે અત્યારે જે રીતે ખર્ચ કરી રહી છે તે જોતા માર્ચ ૨૦૧૮ સુધીમાં સરકાર માત્ર ૧૮.૬૩ ટકા વધુ : રૂપિયા ખર્ચ કરી શકશેઃ એનો અર્થ એ થયો કે માર્ચ અંત સુધીમાં ૨૬ ટકા રકમ વણવપરાયેલી પડી રહેશે

નવી દિલ્હી તા. ૨ : ગુજરાત સરકારે ફેબ્રુઆરીમાં વિધાનસભામાં રજૂ થનારા ૨૦૧૮-૧૯ના બજેટ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ડિસેમ્બર ૩૧, ૨૦૧૭ સુધીમાં વિજય રૂપાણી સરકારે તેના બજેટના માત્ર ૫૫.૮૮ ટકા રકમ જ ખર્ચ કરી છે. સરકારે અત્યારે જે રીતે ખર્ચ કરી રહી છે તે જોતા માર્ચ ૨૦૧૮ સુધીમાં સરકાર માત્ર ૧૮.૬૩ ટકા વધુ રૂપિયા ખર્ચ કરી શકશે. એનો અર્થ એ થયો કે માર્ચ અંત સુધીમાં ૨૬ ટકા રકમ વણવપરાયેલી પડી રહેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને હવે નાણાં મંત્રાલય સંભાળતા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલ સામે એક મોટો પડકાર ઊભો થયો છે કારણ કે તેમના ડિપાર્ટમેન્ટ જરૂર પ્રમાણે બજેટ ખર્ચ કરવામાં સફળ નથી થયા. આ હિલચાલથી જાણકાર વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ 'આ વખતે બજેટ પ્રમાણે ઠીકઠાક ખર્ચ થયો છે. ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ પડી હોવાથી ખર્ચ કરવા પર અનેક નિયંત્રણ હતા. શિક્ષણ જેવા સામાજિક વિભાગોમાં ખર્ચ સરેરાશ ખર્ચ કરતા વધારે છે. સરકારે પગાર અને બીજા ખર્ચને જુદા જુદા તારવી લેવા જોઈએ. વિકાસ માટે થતો ખર્ચ એ સરેરાશ ખર્ચની ટકાવારી કરતા વધારે મહત્વનો છે.'

સૂત્રોના જણાવ્યા મુજબ 'સરકારી ડિપાર્ટમેન્ટની ખર્ચ કરવાની ક્ષમતા સરકારની સમાજસેવા કરવાની ક્ષમતા પણ દર્શાવે છે. સામાન્ય રીતે સરકારી વિભાગો પોતાના ફંડ વિવિધ રીતથી પાર્ક કરી દેતા હોય. આ વખતે સરકારે કરેલો ખર્ચ ઘણો ઓછો છે. બીજી બાજુ સરકારે આપેલી ગ્રાન્ટ, ગુજરાત સ્ટેટ ફાયનાન્શિયલ સર્વિસ (GSFS) સાથે જોડાયેલા ડિપાર્ટમેન્ટમાં અપાયેલા ફંડ ઘણા ઊંચા છે.'

સૂત્રો વધુમાં જણાવે છે, 'હાલમાં જે ફંડ સાઈડમાં રખાયા છે અને વપરાયા નથી તે ૨૦,૦૦૦ કરોડથી વધુના છે. તેમાં હવે વધારો થવાની શકયતા છે કારણ કે ડિપાર્ટમેન્ટ ગયા વર્ષની ગ્રાન્ટ પણ હજુ સુધી ખર્ચી શકી નથી. આ ગ્રાન્ટ હજુ પણ GSFS પાસે પડી છે.'

(11:35 am IST)