Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ઉત્તરાયણને લાગ્યું GSTનું ગ્રહણઃ મોંઘી મળશે પતંગ

પતંગના વેપારીઓની ચિંતાઃ પતંગની કિંમતમાં ૩૫ ટકા જેટલો વધારોઃ પેપર માટે ૧૨ ટકા, દોરી માટે ૫ ટકા અને સ્ટીક માટે ૫ ટકા, આ સિવાય આખી તૈયાર થયેલી પ્રોડકટ એટલે કે પતંગ પર ૫ ટકા જીએસટી લાગે છેઃ આને કારણે ઉત્પાદનનો ખર્ચ ઓછામાં ઓછો ૨૦ ટકા વધી ગયો છે

અમદાવાદ તા. ૨ : માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈસ(MSME) GST અને તેને કારણે થયેલી વેપાર પર અસરમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉત્ત્।રાયણ નજીક આવી રહી છે ત્યારે પતંગના વેપારીઓ પણ ચિંતામાં છે. ઈન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવું છે કે, પ્રોડકશનનો ખર્ચો ઘણો વધી ગયો છે અને GSTને કારણે મોંઘા થયેલા મટીરિયલને કારણે સપ્લાયમાં પણ ઘટાડો થયો છે.

ઉત્ત્।રાયણ નજીક આવી રહી છે તેમ પતંગની માંગ વધી રહી છે, પરંતુ સપ્લાયમાં થયેલા ઘટાડાને કારણે પતંગની કિંમતમાં ૩૫ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. કાલુપુર ટાવર વિસ્તારમાં પતંગ બજારના એક ઉત્પાદક સલીમ રસુલભાઈ જણાવે છે કે, કાચા માલ પર અલગ અલગ જીએસટી રેટની અસર પડે છે. પેપર માટે ૧૨ ટકા, દોરી માટે ૫ ટકા અને સ્ટીક માટે ૫ ટકા. આ સિવાય આખી તૈયાર થયેલી પ્રોડકટ એટલે કે પતંગ પર ૫ ટકા જીએસટી લાગે છે. આને કારણે અમારો ઉત્પાદનનો ખર્ચ ઓછામાં ઓછો ૨૦ ટકા વધી ગયો છે.

આ કારણે નાના વેપારીઓએ ૪૦ ટકા સુધીનું પોતાનું ઉત્પાદન ઘટાડી દીધું છે. કારણકે આ વેપારીઓ મોટા પ્રમાણમાં રોકાણ નથી કરી શકતા. આ સિવાય પ્રોડકશન ઘટાડવાનું અન્ય એક કારણ છે સ્ટીકસ(કમાનઢઢ્ઢા)ની અછત, જે કોલકાતાથી મંગાવવામાં આવે છે.

જથ્થાબંધ પતંગના વેપારી બ્રિજેશ દાણી જણાવે છે કે, પતંગ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી લાકડીઓની પણ અછત છે. પશ્ચિમ બંગાળમાં પડેલા કમોસમી વરસાદને કારણે માલને ઘણું નુકસાન થયું છે. વધારે ભાવ આપવા છતાં પણ આ સ્ટીકસ મેળવવી મુશ્કેલ છે.

માર્કેટમાં સ્થિતિ એવી છે કે પ્રોડકશન ઘણું ઓછું છે અને ડિમાન્ડ વધારે છે, આને કારણે પતંગની કિંમતમાં ઘણો વધારો જોવા મળશે. શહેરના અન્ય એક પતંગ બનાવનાર વેપારી જણાવે છે કે, અત્યારે ૧૦૦ પતંગનો જથ્થાબંધનો ભાવ ૩૦૦ રુપિયા છે. ગયા વર્ષની સરખામણીમાં આ ભાવ ૩૦ ટકા વધારે છે. પાછલા અમુક વર્ષોથી કોર્પોરેટ ઓર્ડર્સની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. પતંગ બનાવનારા લોકોને સૌથી સારી કમાણી રાજકીય પાર્ટીઓના ઓર્ડરથી થતી હોય છે, પરંતુ આ વખતે તેમના ઓર્ડર પ્રમાણે સપ્લાય ન કરી શકવાને કારણે તે ઓર્ડર સ્વીકારતા જ નથી.(૨૧.૧૪)

(11:17 am IST)