Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ગુજરાતમાં આવતા મહિને યોજાનારી ચૂંટણીઓ ભાજપ માટે મોટો પડકાર

ફેબ્રુઆરીમાં ૭૫ મ્યુનિસિપાલિટી, બે જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત અને ૧૪૦૦ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજવામાં આવશે

નવી દિલ્હી તા. ૨ : ૨૦૧૨માં યોજાયેલી ચૂંટણી કરતા ઓછી સીટો સાથે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી જીતેલી ભાજપ સરકાર માટે હજુ પડકારો પૂરા નથી થયા. ઉલ્લેખનીય છે કે ૨૦૧૫ની લોકલ બોડીની ચૂંટણીમાં ભાજપ ધોવાઈ ગયુ હતુ. આથી સત્તાધારી પક્ષે અત્યારથી જ ૨૦૧૮ની પ્રથમ ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

 

ફેબ્રુઆરીમાં ૭૫ મ્યુનિસિપાલિટી, બે જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત અને ૧૪૦૦ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજવામાં આવશે. હવે ભાજપ સત્તામાં છે અને મોટાભાગની સંસ્થાઓમાં ચૂંટણી યોજાવાની હોવાથી ભાજપ માટે ચિંતાનો વિષય છે.

અત્યારે ૭૫ મ્યુનિસિપાલિટીમાંથી ભાજપ પાસે ૫૯માં સત્તા છે. જે ૧૭ તાલુકા પંચાયતમાં ચૂંટણી યોજાવાની છે તેમાંથી ૧૩માં ભાજપ પાસે સત્તા છે. બનાસકાંઠા અને ખેડા એમ જે બે જિલ્લા પંચાયતમાં ચૂંટણી યોજાવાની છે તે બંનેમાં ભાજપનું શાસન છે. કોંગ્રેસના ચૂંટાઈ આવેલા સભ્યો ભાજપમાં જોડાઈ જતા આ જિલ્લા પંચાયતોમાં ભાજપની જીત થઈ હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પાર્ટીના નિશાન પર નથી લડવામાં આવતી. આમ છતાંય મોટા ભાગની ગ્રામ પંચાયતમાં ભાજપ તરફી સરપંચ છે. આથી આ જગ્યાઓએ પોતાની સત્તા ટકાવી રાખવી અને વધારે જગ્યાએ જીત મેળવવી એ ભાજપ માટે મોટો પડકાર બની રહેશે.

ભાજપના જૂથે સોમવારે તેમના વિસ્તારક જૂથ સાથે મીટીંગ યોજી હતી અને આવનારી ચૂંટણીઓ માટે રણનીતિ નક્કી કરી હતી. આ સાથે જ વિધાનસભા ચૂંટણીના પરિણામોનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું, 'અમે સળંગ છઠ્ઠીવાર વિધાનસભાની ચૂંટણી જીત્યા છીએ આથી અમે લોકોના સહકારથી આવનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પણ જીતી જઈશું. અમે આજે મ્યુનિસિપાલિટી, જિલ્લા અને તાલુકા તથા ગ્રામ પંચાયતમાં સત્તા જાળવી રાખવાની રણનીતિ અંગે ચર્ચા કરી હતી અને છેલ્લી વખતે જયાં હારી ગયા હતા ત્યાં કેવી રીતે જીતવું તેની સ્ટ્રેટેજી નક્કી કરી હતી.'

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું, 'હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીએ આવનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે પણ માહોલ ઊભો કરી દીધો છે. ગત વખતની સરખામણીએ આ વર્ષે કોંગ્રેસ વધારે સારુ પરફોર્મ કરશે તેવી આશા છે. ૨૦૧૫માં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી દરમિયાન અમે ૨૩ જિલ્લા પંચાયત, મોટાભાગની તાલુકા પંચાયત અને અનેક મ્યુનિસિપાલિટીમાં જીત હાંસલ કરી હતી. આથી અમને વિશ્વાસ છે કે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં અમે જીતી જઈશું.'

(10:34 am IST)