Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

રાજ્યસભામાં ત્રણ તલાક બિલઃ કોંગ્રેસ પર સૌની નજર

કોંગ્રેસ પાર્ટીના નિર્ણય હવે આ બિલનું ભવિષ્ય નક્કી કરી શકે છે

નવી દિલ્હી તા. ૨ : એક સાથે ત્રણ તલાકને ગુના ગણવાવાળું બિલ મંગળવારે રાજયસભામાં રજુ કરવામાં આવશે. આ બિલને લોકસભામાં મંજૂરી મળી ગઈ છે. આ મામલે સૌની નજર કોંગ્રેસ પર ટકેલી છે. લેફ્ટ પાર્ટીઓ પાછલા કેટલાક સમયથી આ મામલે કોંગ્રેસ સાથે વાતચીત કરાઈ રહી છે. લેફ્ટ પાર્ટીઓની માંગ છે કે આ બિલ સિલેકટ કમિટીને મોકલવામાં આવે. જેમાં સેકયુલર મોર્ચા તરફ આ મામલાને લઈને કોંગ્રેસ પર દબાવ વધારી શકે છે.

સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ પાર્ટીમાં એ વાતની ચર્ચા છે કે કોંગ્રેસ પોતાની વિચારધારાવાળી પાર્ટીઓથી દૂર રહી છે. CPMના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ કહ્યું, 'અમે એક સાથે ત્રણ તલાકની વિરુદ્ઘમાં છીએ અને ઈચ્છીએ છીએ કે તેનો ખાતમો થવો જોઈએ. પણ મુસ્લિમ સમાજમાં લગ્ન એક પોતાનો કરાર છે અને નવા બિલમાં તેને ગુનો માનવામાં આવ્યો છે, જે સંપૂર્ણ રીતે ખોટું છે. ભાજપ રાજકીય ફાયદો ઉઠાવવા માટે ઉતાવળમાં આ બિલને લઈને આવી છે. ભાજપ તેના માટે સામ્રદાયિક ધ્રુવીકરણ કરવા ઈચ્છે છે.'

CPMના પોલિત બ્યુરોના સભ્ય વૃંદા કરાતે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, 'સરકાર સુપ્રીમ કોર્ટના આદેશના માધ્યમથી વ્યવસ્થાને ગુનાઈત સાબિત કરવા માગે છે, જે એક સિવિલ ડિસ્પ્યુટ છે. જયારે સરકાર મહિલા સશકિતકરણના નામે આ બધું કરી રહી હતી ત્યારે તેમણે મુસ્લિમ મહિલાઓ અને તેમની સાથે જોડાયેલા સંગઠનો સાથે આ મુદ્દે મંતવ્ય લેવાની જરુર ન સમજી.' CPIના જનરલ સેક્રેટરી ડી રાજાએ જણાવ્યું કે, 'લેફ્ટ પાર્ટીઓની કોશિશ રહેશે કે બિલ સિલેકટ કમિટીને મોકલવામાં આવે.'

એવામાં સૌની નજર કોંગ્રેસ પર આવીને અટકી છે. કોંગ્રેસ પાર્ટીનો નિર્ણય હવે આ બિલનું ભવિષ્ય નક્કી કરી શકે છે. ઉપરના ગૃહમાં સરકાર પાસે બહુમતી નથી. જયારે વિપક્ષ પાર્ટીઓ એવા ઘણાં મોર્ચા પર નરેન્દ્ર મોદી સરકારનો વિરોધ કરવા માટે એકજુથ થઈ ગઈ છે. એવામાં કોંગ્રેસ પાર્ટી પર પણ આ મુદ્દાને લઈને ઘણું દબાણ છે.

(10:32 am IST)