Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ગુજરાતનો નવતર પ્રયોગઃ નાના બાળકોને 'બાળ ડોકટર' બનાવશે

આ બાળ ડોકટર્સ નાની બીમારીઓમાં આયુર્વેદીક પધ્ધતિથી ઇલાજ કરશેઃ ટોર્ચ એપ્રોન અને દવાઓથી સજ્જ કરશેઃ આવા ડોકટરોને પહેલા ટ્રેનીંગ અપાશેઃ દરેક પ્રાઇમરી સ્કુલમાં એક બાળ ડોકટર નિમાશેઃ જો કે મેડીકલ એસોસીએશનનો વિરોધ

નવી દિલ્હી તા.ર : ગ્રામીણ વિસ્તારોમાં ડોકટરોની અછતનો સામનો કરી રહેલી ગુજરાત સરકાર એક નવો આઇડિયા લઇને આવી છે અહી 'બાળ ડોકટર્સ' રાજય સ્કુલ સ્વાસ્થ્ય પ્રોગ્રામ હેઠળ બાળકોના સ્વાસ્થ્યની દેખરેખ રાખશે. ગુજરાતના અરવલ્લી જીલ્લાના નવગ્રામ ગામડાની સરકારી સ્કુલમાં અભ્યાસ કરતા છઠ્ઠાવર્ગના કાજલ ભુપતભાઇ નામના બાળ ડોકટરને પ્રાઇમરી સ્કુલના પાઇલોટ પ્રોજેકટ માટે નોમીનેટ કરવામાં આવ્યો છે. આ બાળ ડોકટર સ્ટેથોસ્કોપ અને આયુર્વેદીક દવાઓથી સજ્જ રહેશે. આ દવાઓ તેમના સહ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. અધિકારીઓના કહેવા મુજબ તેઓને આયુર્વેદીક દવાઓનો જથ્થો અપાશે કે જેથી તેઓ કોઇપણ સ્વાસ્થ્ય સંબંધી મુદાને નિપટી શકશે. દરેક પ્રાઇમરી સ્કુલમાં એક બાળ ડોકટર નિયુકત કરાશે. જે માટે રાજયનો શિક્ષણ અને સ્વાસ્થ્ય વિભાગ સંયુકત રીતે કામ કરશે.

 

આ બાળ ડોકટર નાની બીમારીઓમાં આયુર્વેદીક પધ્ધતિથી ઇલાજ કરશે. તેઓ મધ્યાહન ભોજન પહેલા બાળકોને હાથ ધોવા માટે પ્રેરીત કરશે. આ સિવાય દર બુધવારે આયરન અને ફોલીક એસીડ સપ્લીમેન્ટ પ્રોગ્રામને પણ મોનીટર કરશે. તેઓ અન્ય વિદ્યાર્થીઓને લત્ત છોડાવવા અને હવામાન અંગેની બિમારીઓ અંગે માહિતગાર કરશે.

એક સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યુ છે કે, દરેક બાળ ડોકટરને એક એપ્રોન અને બેચ આપવામાં આવશે કે જેથી તેઓ ડોકટર જેવા દેખાય. આ સિવાય તેમને ટોર્ચ, આયુર્વેદીક દવાઓની કીટ, બુકલેટ અને સ્વાસ્થ્ય સંબંધિત પોસ્ટર પણ અપાશે. રાજયના હેલ્થ કમિશ્નર ડો.જયંતિ રવિએ કહ્યુ હતુ કે, છાત્રોને પહેલા ટ્રેનીંગ અપાશે. સ્વાસ્થ્ય અને શિક્ષણ દ્વારા એક નોડલ ટીચર નિયુકત કરવામાં આવશે જે તેમના કામકાજ ઉપર નજર રાખશે.

જો કે ગુજરાતના ઇન્ડિયન મેડીકલ એસોસીએશને આ વિચાર ગમ્યો નથી. બ્રાન્ચ અધ્યક્ષ ડો.યોગેન્દ્ર મોદીએ કહ્યુ છે કે મને આ બાબત અંગે કોઇ માહિતી નથી પરંતુ આવુ થવુ ન જોઇએ. આપણે માત્ર એલોપેથીક દવાઓ ઉપર ભરોસો કરીએ છીએ અને આપણે જેણે એમબીબીએસ કર્યુ હોય તેને જ ડોકટર માનીએ છીએ.

(9:43 am IST)