Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2023

ચૂંટણી પૂરી થતાં જ ગેસનો બાટલો મોંઘો

કોમર્શિયલ બાટલો આજથી ૨૧ રૂપિયા મોંઘો : દિલ્‍હીમાં નવો ભાવ રૂા. ૧૭૯૬.૫૦ : નવો ભાવ આજથી અમલી : જો કે ઘરવપરાશના બાટલાનો ભાવ યથાવત

નવી દિલ્‍હી તા. ૧ : પાંચ રાજ્‍યોની ચૂંટણી પૂરી થતાં જ એલપીજી સિલિન્‍ડર મોંઘો થઇ ગયો છે. આજથી દેશભરમાં બાટલો મોંઘો થઇ ગયો છે.

વર્ષના અંતિમ મહિનાની શરૂઆત સાથે જ મોંઘવારીને વધુ એક મોટો ફટકો પડ્‍યો છે. એલપીજી સિલિન્‍ડર આજથી એટલે કે વર્ષના છેલ્લા મહિનાની પહેલી તારીખ એટલે કે ૧લી ડિસેમ્‍બર ૨૦૨૩થી વધુ મોંઘું થઈ ગયું છે. હા, મહિનાના પહેલા દિવસે જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં ૨૧ રૂપિયાનો વધારો કર્યો છે, જોકે આ વધારો ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં કરવામાં આવ્‍યો છે. અપડેટ કરાયેલા ભાવો અનુસાર, રાજધાની દિલ્‍હીમાં એક સિલિન્‍ડરની કિંમત હવે વધીને ૧૭૯૬.૫૦ રૂપિયા થઈ ગઈ છે. અત્‍યાર સુધી ભાવ રૂા. ૧૭૭૫ હતો.

એલપીજી સિલિન્‍ડરની કિંમતો IOCL વેબસાઇટ પર અપડેટ કરવામાં આવી છે અને બદલાયેલ કિંમતો ૧ ડિસેમ્‍બરથી અમલમાં આવી છે. નોંધનીય છે કે દિવાળી પહેલા ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં ૧૦૩ રૂપિયાનો વધારો કર્યો હતો અને ૧ નવેમ્‍બર ૨૦૨૩ના રોજ દિલ્‍હીમાં તેની કિંમત ૧૮૩૩.૦૦ રૂપિયા થઈ ગઈ હતી, પરંતુ ૧૬ નવેમ્‍બરે છઠના તહેવારે આ પહેલા આના પર રાહત આપવામાં આવી હતી અને સિલિન્‍ડરની કિંમત ૫૦ રૂપિયા ઘટીને ૧૭૫૫.૫૦ રૂપિયા થઈ હતી, પરંતુ વર્ષના અંત સુધીમાં કિંમતોમાં ફરી એકવાર ૨૧ રૂપિયાનો વધારો થયો હતો.

લેટેસ્‍ટ ફેરફારો બાદ કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની નવી કિંમતો વિશે વાત કરીએ તો, રાજધાની દિલ્‍હીમાં આજથી ૧૯ કિલોનો LPG સિલિન્‍ડર ૧૭૫૫.૫૦ રૂપિયાને બદલે ૧૭૯૬.૫૦ રૂપિયામાં મળશે. તો કોલકાતામાં તેની કિંમત ૧૮૮૫.૫૦ રૂપિયાથી વધારીને ૧૯૦૮.૦૦ રૂપિયા કરવામાં આવી છે. મુંબઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્‍ડરની કિંમત ૧૭૨૮.૦૦ રૂપિયાને બદલે ૧૭૪૯.૦૦ રૂપિયા થઈ ગઈ છે. જયારે ચેન્નાઈમાં તે ૧૯૪૨.૦૦ને બદલે ૧૯૬૮.૫૦ છે.

અન્‍ય શહેરોમાં ૧૯ કિલો સિલિન્‍ડરનો ભાવ આ મુજબ છે. જેમાં જયપુર રૂ. ૧૮૧૯, ભોપાલ રૂ. ૧૮૦૪.૫૦, હૈદરાબાદ રૂ. ૨૦૨૪.૫, રાયપુર રૂ ૨૦૦૪ છે.

એક તરફ કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરના ભાવમાં સતત ફેરફાર થઈ રહ્યા છે તો બીજી તરફ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ૧૪ કિલોના ઘરેલુ ગેસ સિલિન્‍ડરની કિંમતો યથાવત રાખી છે. IOCLની વેબસાઇટ અનુસાર, તે દિલ્‍હીમાં ૯૦૩ રૂપિયા, કોલકાતામાં ૯૨૯ રૂપિયા, મુંબઈમાં ૯૦૨.૫૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૯૧૮.૫૦ રૂપિયામાં ઉપલબ્‍ધ છે.

(11:22 am IST)