Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

કંગનાની સોશિયલ મીડિયા પોસ્ટને સેન્સર કરવા માગ

ફિલ્મો કરતા નિવેદનોને લઈને અભિનેત્રી વિવાદમાં રહે છે :દેશમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કંગના રનૌત વિરુદ્ધ સુપ્રીમમાં અરજી દાખલ કરવામાં આવી

મુંબઈ, તા.૧ : અભિનેત્રી કંગના રનૌત પોતાની ફિલ્મો કરતા વધારે પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. કંગના લગભગ દરેક મુદ્દા પર પોતાના અભિપ્રાય વ્યક્ત કરતી હોય છે અને તેમાંથી મોટાભાગના નિવેદનો વિવાદનું કારણ બને છે.

પાછલા થોડા સમયમાં તે પોતાના નિવેદનોને કારણે અનેકવાર મુશ્કેલીમાં મુકાઈ છે. કંગના રનૌતના એકાઉન્ટને ટ્વિટર પરથી પણ બ્લોક કરી દેવામાં આવ્યું છે. હવે કંગના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે.

કંગનાએ તાજેતરમાં જ ખેડૂતોના વિરોધ પ્રદર્શન બાબતે એક પોસ્ટ લખી હતી, જેમાં તેણે ખેડૂતો માટે ખાલિસ્તાની જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ત્યારપછી કંગનાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. કંગનાએ ધમકીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ હવે કંગના રનૌત વિરુદ્ધ જ અરજી દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કંગનાએ ખેડૂતો માટે કરેલી પોસ્ટની ઘણાં લોકોએ ટીકા કરી હતી.

ન્યુઝ એજન્સીના અનુસાર, કંગના રનૌત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટને અપીલ કરવામાં આવી છે કે ભવિષ્યમાં કંગના રનૌતની દરેક સોશિયલ મીડિયા પોસ્ટને સેન્સર કરવામાં આવે, જેથી દેશમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. જો કે હજી સુધી જાણવા નથી મળ્યું કે કંગના વિરુદ્ધ આ અરજી કોણે દાખલ કરી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કંગના રનૌતે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લોકોને જાણકારી આપી હતી કે ભટિંડાની એક વ્યક્તિએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પોસ્ટમાં કંગનાએ લખ્યું છે કે, હું આ પ્રકારની ધમકીઓથી ડરતી નથી. કંગના રનૌતે એફઆઈઆરની કોપીની સાથે સુવર્ણ મંદિરના દર્શન કરતી પોતાની તસવીર શેર કરી છે. તેણે આ સાથે લખ્યું છે 'મુંબઈમાં થયેલા આતંકી હુમલાના શહીદોને યાદ કરીને મેં લખ્યું હતું કે, દેશદ્રોહીઓને ક્યારેય માફ ન કરતા, ન ભૂલતા. આ પ્રકારની ઘટનામાં દેશના અંદરના દેશદ્રોહીઓનો હાથ હોય છે. દેશદ્રોહીઓ ક્યારેક પૈસાની લાલચમાં તો ક્યારેક પદ અને સત્તાની લાલચમાં ભારત માને કલંકિત કરવા માટેની એક તક પણ છોડતા નથી, દેશના અંદરના જ લોકો ષડયંત્ર રચી દિશ વિરોધી તાકાતોને મદદ કરે છે, ત્યારે જ આ પ્રકારની ઘટના બને છે. મારી આ પોસ્ટ પર મને વિક્ષેપકારક તરફથી સતત ધમકી મળી રહી છે. ભઠિંડાના એક ભાઈ સાહેબે તો મને જાહેરમાં મારી નાખવાની ધમકી આપી છે'.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, કંગના રનૌત છેલ્લે ફિલ્મ થલાઈવીમાં જોવા મળી હતી. તેણે તેની અપકમિંગ ફિલ્મ ધાકડ અને તેજસનું શૂટિંગ આટોપી લીધું છે. આ સિવાય તે મણિકર્ણિકા રિટર્ન્સ, સીતા-ધ ઈનકાર્નેશન અને ઈમરજન્સીમાં પણ કામ કરશે.

(7:54 pm IST)