Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

નિષ્ફળતા છૂપાવવા મોતના આંકડા છુપાવાય છે : કોંગ્રેસ

ખેડૂતોના મોતનો રેકોર્ડ ન હોવાના નિવેદન પર હોબાળો : કેન્દ્ર સરકાર પાસે આઈબીથી લઈને દિલ્હી પોલીસ સુધીના દરેક પ્રકારના ડેટા હોવાનો ખેડૂતોનો દાવો

નવી દિલ્હી, તા.૧ : કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં એવો દાવો કર્યો હતો કે, કૃષિ મંત્રાલય પાસે ખેડૂત આંદોલનના કારણે કોઈ ખેડૂતનું મૃત્યુ થયું હોવાનો કોઈ જ રેકોર્ડ નથી.

કેન્દ્ર સરકારના આ નિવેદન પર ખેડૂત નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. આ તરફ ખેડૂતોના મૃત્યુ મામલે કોંગ્રેસે પણ સરકાર પર નિશાન સાધ્યું છે.

દોઆબા કિસાન કમિટીના સ્ટેટ ચીફ જંગવીર સિંહ ચૌહાણે જણાવ્યું કે, સરકાર પાસે આઈબીથી લઈને દિલ્હી પોલીસ સુધીના દરેક પ્રકારના ડેટા છે. જો તેઓ એમ કહી રહ્યા છે કે, ખેડૂતોના મૃત્યુનો ડેટા નથી તો એ ખોટું છે. તેમ છતાં પણ જો સરકાર કહે છે તો અમે તેમને વળતર માટે ખેડૂતોના મૃત્યુનો આંકડો આપીશું.

નરેન્દ્ર સિંહ તોમરના આ દાવા પર કોંગ્રેસે પણ નિશાન સાધ્યું છે. કોંગ્રેસી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, તોમર સાહેબ, નિષ્ફળતા છુપાવવા માટે આટલું મોટું જુઠાણુ! જ્યારે સચ્ચાઈ એ છે કે, ૨૦૨૦માં ૧૦,૬૭૭ ખેડૂતોએ આત્મહત્યા કરી. ૪,૦૯૦ ખેડૂતો એવા હતા જેમના પોતાના ખેતર છે જ્યારે ૬૩૯ ખેડૂતો જે કોન્ટ્રાક્ટ પર જમીન લઈને ખેતી કરતા હતા. ૫,૦૯૭ ખેડૂતો એવા હતા જે બીજાના ખેતરોમાં કામ કરતા હતા. છેલ્લા ૭ વર્ષોમાં ૭૮,૩૦૩ ખેડૂતો આત્મહત્યા કરી ચુક્યા છે.

હકીકતે લોકસભામાં સરકારને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, શું સરકાર પાસે એવો કોઈ ડેટા છે કે, આંદોલન દરમિયાન કેટલા ખેડૂતોના મોત થયા અને શું સરકાર આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને વળતર આપશે. સરકાર આ અંગેની જાણકારી આપે. આ સવાલના જવાબમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં લેખિતમાં કહ્યું હતું કે, કૃષિ મંત્રાલય પાસે ખેડૂત આંદોલનના કારણે કોઈ ખેડૂતના મૃત્યુનો કોઈ જ રેકોર્ડ નથી. તેવામાં મૃતક ખેડૂતોને નાણાંકીય સહાય આપવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો.

 

(7:54 pm IST)