Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

દ.આફ્રિકાથી મહારાષ્ટ્ર આવેલ છ મુસાફરો કોરોના પોઝિટીવ

કોરોનાના નવા વેરિયન્ટને લઈને મહારાષ્ટ્ર પર સંકટ વધ્યું : સંક્રમિતોમાં મુંબઈ, કલ્યાણ, ડોંબિવલી અને પૂણેના લોકોનો સમાવેશ : બધાના સેમ્પલ લેબમાં મોકલાયા

મુંબઈ, તા.૧ : કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના સંકટ વચ્ચે દક્ષિણ આફ્રિકા સહિત બીજા જોખમી દેશોમાંથી મહારાષ્ટ્ર પહોંચેલા ૬ મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ બધાના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે પૂણેની લેબમાં મોકલાવવામાં આવ્યા છે. સંક્રમિતોમાં મુંબઈ, કલ્યાણ, ડોંબિવલી, મીરા ભાયંદર અને પૂણેના લોકોનો સમાવેશ થાય છે. જે દેશોમાંથી આ મુસાફરો પાછા ફર્યા છે તે દેશો કોરોનાને અનુલક્ષીને ઘણાં જોખમી દેશો છે માટે પ્રશાસનની ચિંતા વધી ગઈ છે.  મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું છે કે, આ ૬ મુસાફરો દક્ષિણ આફ્રિકા કે બીજા ઘણાં જોખમી દેશોમાંથી રાજ્યમાં પાછા ફર્યા છે. સંક્રમિત થયેલા લોકોના સેમ્પલ જીનોમ સીક્વેંસિંગ માટે મોકલાવવામાં આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

સરકારે હાઈ રિસ્ક દેશેમાંથી આવનારા મુસાફરો માટે એરપોર્ટ પર જ આરટીપીસીઆર ટેસ્ટ અને રિપોર્ટ નેગેટિવ આવે તો પણ ક્વોરન્ટાઈન થવાની શરત રાખી છે. આ સાથે જ ૧૪ દિવસની ટ્રાવેલ હિસ્ટ્રીની માહિતી પણ આપવી પડશે. આ લિસ્ટમાં બ્રિટન સહિત યુરોપના બધા ૪૪ દેશ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગલા દેશ, બોત્સવાના, ચીન, મોરીશસ, ન્યુઝી લેન્ડ, જિમ્બાબ્વે, સિંગાપુર, હોંગકોંગ અને ઈઝરાયલ પણ શામેલ છે.

મહારાષ્ટ્ર સરકારના નિર્દેશ પ્રમાણે ઓમિક્રોન વેરિએન્ટનું જોખમ ધરાવતા દેશોમાંથી આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ૭ દિવસ ક્વોરન્ટાઈન થવું અનિવાર્ય છે. મુંબઈ એરપોર્ટના અહેવાલ પ્રમાણે મુસાફરોને અનિવાર્યરૂપે આઈસોલેશનમાં રાખવા માટેના આદેશ તાત્કાલિક લાગુ કરવામાં આવશે. મુસાફરોએ હોટલમાં ક્વોરન્ટાઈન થવા માટે જાતે ચુકવણી કરવી પડશે. આ મુસાફરોએ મહારાષ્ટ્ર પહોંચતા ૩ વખત એટલે કે લેન્ડ થવાના બીજા, ચોથા અને સાતમા દિવસે આરટીપીસીઆર કરાવવો પડશે. પોઝિટિવ આવનાર મુસાફરોને  હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે.

(7:52 pm IST)