Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

મુંદ્રા બંદરે ડ્રગ્સ-જપ્તી કેસઃ તપાસ NIAને સોંપાઈ

રૂ.૨૧,૦૦૦ કરોડની કિંમતનું ૨,૯૮૮.૨૧ કિલોગ્રામ કેફી દ્રવ્ય હેરોઈન કેસ

નવી દિલ્હી, તા.૧: કેન્દ્રના રાજયકક્ષાના ગૃહપ્રધાન નિત્યાનંદ રાયે જણાવ્યું છે કે ગુજરાતના મુન્દ્રા બંદરે આ વર્ષની ૧૭-૧૯ સપ્ટેમ્બર વચ્ચે રૂ. ૨૧,૦૦૦ કરોડની કિંમતનું ૨,૯૮૮.૨૧ કિલોગ્રામ કેફી દ્રવ્ય હેરોઈન પકડાયાના સંબંધમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. કોંગ્રેસના સંસદસભ્ય એન્ટો એન્ટનીએ પૂછેલા સવાલના જવાબમાં નિત્યાનંદ રાયે લોકસભામાં આમ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે કેફી દ્રવ્યનો જથ્થો ડાયરેકટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા મુન્દ્રા પોર્ટ પર ટીજી ટર્મિનલ્સ પ્રા.લિ. ખાતેથી કબજે કરવામાં આવ્યો હતો. આ કેસ ૨,૯૯૮ કિલોગ્રામ ડ્રગ્સ કન્સાઈનમેન્ટ મેળવવા અને ડિલીવરી કરવાનો છે. આમાં વિદેશી વ્યકિતઓ સંડોવાયેલી છે.

ડ્રગ્સનો જથ્થો ઈરાનના બાંદર અબ્બાસ બંદરેથી અફઘાનિસ્તાન માર્ગે આવ્યો હતો. કન્સાઈનમેન્ટ 'સેમી-પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન્સ'નું આયાત કરાયેલું હતું, પણ અંદર ડ્રગ્સનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશને પગલે ત્રાસવાદ-વિરોધી કેન્દ્રીય એજન્સી (NIA)એ ડીઆરઆઈની તપાસ પોતાને હસ્તક લીધી છે. ડીઆરઆઈ એજન્સીએ ચેન્નાઈસ્થિત ઉદ્યોગપતિઓ મછવારમ સુધાકરન, દુર્ગા પી.વી. ગોવિંદરાજુ, રાજકુમાર પી. તથા અન્યો સામે ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી), નાર્કોટિકસ ડ્રગ્સ એન્ડ સાકોટ્રોપિક સબ્સ્ટન્સીસ એકટ તથા ગેરકાયદેસર પ્રવૃત્ત્િ।ઓ પ્રતિબંધ કાયદાની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. કુલ આઠ જણની ધરપકડ કરાઈ છે. આમાં ત્રણ ભારતીય, ચાર અફઘાન અને એક ઉઝબેક નાગરિકનો સમાવેશ થાય છે.

(2:45 pm IST)