Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

A,B અને RH પોઝિટિવ બ્લડ ગ્રુપવાળા લોકોને કોરોનાથી વધુ ખતરો છે

દુનિયાભરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતાં ખતરા વચ્ચે દિલ્હી ખાતે કરાયેલા રિસર્ચમાં ચોંકાવનારી માહિતી સામે આવી

નવી દિલ્હી,તા.૧: અઠવાડિયા પહેલા દક્ષિણ આફ્રિકામાં સામે આવેલો કોરોના વાયરસનો નવો વેરિયન્ટ દુનિયાભરના દેશો માટે ચિંતાનો વિષય બની ગયો છે. મોટાભાગના દેશો આ સંદર્ભે ટ્રાવેલ એડવાઝરી જાહેર કરી આંતરરાષ્ટ્રીય મુસાફરી પર પ્રતિબંધ લગાવી ચૂકયા છે. ભારતમાં પણ કેન્દ્રએ રાજયો અને કેન્દ્રશાસિત રાજયોને ઓમિક્રોન મુદ્દે એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે. એવામાં દેશમાં કરાયેલા એક રિસર્ચમાં કોરોના સંક્રમણને લઇને ચોંકાવનારું પરિમાણ સામે આવ્યું છે.

દિલ્હીના સર ગંગા રામ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલા રિસર્ચમાં સામે આવ્યું કે, A,B અને RH પોઝિટિવ બ્લડગ્રુપવાળા લોકો કોરોનાની ઝપેટમાં જલ્દી આવી શકે છે જયારે AB,O RH નેગેટિવ બ્લડગ્રુપવાળા લોકોમાં કોરોના સંક્રમણ ફેલાવોના ખતરો ઓછો હોય છે.

કોરોના મહામારીને લઇને દિલ્હીના સર ગંગા રામ હોસ્પિટલમાં ૮ એપ્રિલ અને ૪ ઓકટોબર ૨૦૨૦ની વચ્ચે ૨,૫૮૬ કોવિડ દર્દીઓ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં એ વિશે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે, કયા બ્લડગ્રુપવાળા લોકોને કોરોના વાયરસથી વધુ અને ઓછો ખતરો રહેલો છે.

આ સિવાય રિસર્ચ રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, બી પોઝિટિવ બ્લડગ્રુપવાળા પુરુષોને મહિલાની સરખામણી કોરોના વાયરસનો ચેપ લાગવાનો ખતરો વધારે હોય છે. રિસર્ચમાં એવો ખુલાસો પણ સામે આવ્યો છે કે, A અને RH પોઝિટિવના દર્દીઓમાં રિકવરી પણ ધીમે થાય છે, જયારે O અને RH નેગેટિવ બ્લડગ્રુપવાળા દર્દીઓમાં રિકવરીનો સમયમાં વધારો જોવા મળ્યો છે.

(10:06 am IST)