Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

મમતા બેનર્જીએ સિદ્ધિવિનાયક મંદિરમાં પુજા-અર્ચના કરી :શહીદ તુકારામ મેમોરીયલ પર આપી શ્રદ્ધાંજલિ

મમતા બેનર્જીએ પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે અને શિવસેનાના સાંસદ સંજય રાઉત સાથે મુલાકાત કરી

મુંબઈ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બે દિવસીય પ્રવાસ માટે સાંજે મુંબઈ પહોંચી ગયા છે. પ્રવાસની શરૂઆતમાં મમતા બેનર્જી મુંબઈ એરપોર્ટથી સીધા સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કર્યા બાદ મમતા બેનર્જીએ પ્રાર્થના કરી હતી. ત્યારબાદ શહીદ તુકારામ સ્મારકની મુલાકાત લઈને આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ સાથે જ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે અને શિવસેનાના સાંસદ સંજય રાઉત સાથે મુલાકાત કરી હતી. તેમની દિલ્હી મુલાકાત દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે તે 30 નવેમ્બરે મુંબઈની મુલાકાત લેશે અને તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારને મળશે.

મમતા બેનર્જીએ પત્રકારોને કહ્યું હતું કે ‘હું 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર વચ્ચે પોતાની મુંબઈની મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારજીને મળીશ.’ પરંતુ સ્વાસ્થ્યના કારણોસર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથેની બેઠક મોકૂફ રાખવામાં આવી છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની કરોડરજ્જુની સર્જરી કરવામાં આવી હતી.

(12:18 am IST)