Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ગૃહમંત્રી અમિતભાઈ રાજસ્થાનની બે દિવસીય પ્રવાસે જશે : ભારત-પાક બોર્ડર પર BSF જવાનો સાથે રોકાશે

ગૃહમંત્રી 4 થી 5 ડિસેમ્બર બે દિવસીય મુલાકાત દરમિયાન BSF જવાનોની સાથે વિતાવશે : સીમા સુરક્ષા દળના 57માં સ્થાપના દિવસ પર આયોજિત સમારોહમાં ભાગ લેશે.

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ 4 ડિસેમ્બરે તેમની બે દિવસીય રાજસ્થાનની મુલાકાતે જશે. તેમની મુલાકાત દરમિયાન શાહ ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે એક રાત વિતાવશે. ગૃહ મંત્રાલયના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે, શાહ 4 થી 5 ડિસેમ્બર દરમિયાન રાજસ્થાનની બે દિવસીય મુલાકાત દરમિયાન BSF જવાનોની સાથે હશે. એટલું જ નહીં, તે સીમા સુરક્ષા દળના 57માં સ્થાપના દિવસ પર આયોજિત સમારોહમાં પણ ભાગ લેશે.

ગૃહમંત્રી 4 ડિસેમ્બરે જેસલમેરની પણ મુલાકાત લેશે અને આ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત બીએસએફ જવાનોને મળશે. શાહની જેસલમેરની મુલાકાત ત્યાં ઉજવવામાં આવી રહેલા BSFના 57મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રથમ વખત થઈ રહી છે. સીમા સુરક્ષા દળનો  57મો સ્થાપના દિવસ આ વખતે દિલ્હીની બહાર જેસલમેરમાં યોજાવા જઈ રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું કે શાહ 4 ડિસેમ્બરે જેસલમેર પહોચી દેશની પશ્ચિમી સરહદે સુરક્ષાની સમીક્ષા કરશે. તેઓ આ વિસ્તારની સરહદી ચોકી પર બીએસએફ જવાનો સાથે એક રાત પણ વિતાવશે. આ પહેલો પ્રસંગ હશે જ્યારે ગૃહમંત્રી બોર્ડર પાસે BSF જવાનો સાથે રાત વિતાવશે.

ગૃહમંત્રી 5 ડિસેમ્બરના રોજ સવારે BSF રાઈઝિંગ ડે ઈવેન્ટમાં હાજરી આપશે અને ત્યારબાદ જયપુર જવા રવાના થશે. અગાઉ BSF દિલ્હીમાં તેનો સ્થાપના દિવસ ઉજવતી હતી. 1 ડિસેમ્બર 1965ના રોજ સ્થપાયેલ, BSF પર ભારત-પાકિસ્તાન સરહદ અને ભારત-બાંગ્લાદેશ સરહદોની સુરક્ષા માટેની જવાબદારી છે.
BSF કાશ્મીર ખીણમાં ઘૂસણખોરી વિરોધી ભૂમિકા, ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં બળવા વિરોધી, ઓડિશા અને છત્તીસગઢ રાજ્યોમાં નક્સલ વિરોધી કામગીરી અને પાકિસ્તાન અને બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ સાથે સંકલિત ચેક પોસ્ટની સુરક્ષામાં પણ ભૂમિકા ભજવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જયપુરની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, ગૃહ પ્રધાન  શાહ ભાજપની રાજ્ય કાર્ય સમિતિ અને સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો, પંચાયત સમિતિના સભ્યો અને પ્રધાનો સહિત જનપ્રતિનિધિઓની બેઠકની અધ્યક્ષતા પણ કરી શકે છે.

(12:00 am IST)