Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

2002માં નરેન્દ્રભાઈ મોદી રાજકોટથી વિધાનસભાની પ્રથમ ચૂંટણી લડ્યા ત્યારે અભયભાઈનું ભાજપમાં પુનરાગમન થયું : કાનૂનવિદ્ તરીકેની વિદ્વતા અને અનુભવને ધ્યાનમાં લઈ 21મા લૉ કમિશનના સભ્ય તરીકે તેમની નિમણૂક કરાઈ હતી: અભયભાઈની બહુમુખી વિદ્વતાની કદર કરીને 2020માં ભાજપે તેમની રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી

રાજકોટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી, લૉ કમિશનના ભૂતપૂર્વ સદસ્ય તથા ભાજપના રાજ્યસભાના સાંસદ અભયભાઈ ગણપતરામ ભારદ્વાજનું પહેલી ડિસેમ્બરના રોજ ચેન્નાઈની ખાનગી હૉસ્પિટલમાં અવસાન થયું હતું.

તેમની ઉંમર 67 વર્ષની હતી. ઑગસ્ટ મહિનામાં તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેમને રાજકોટની સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા પણ ફેફસાંમાં ઇન્ફેક્શન થતાં તેમની હાલત નાજુક બની હતી.

અને બે મહિનાની સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ચેન્નાઈ લઈ જવાયા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

તેમના નિધનથી કાનૂની વર્તુળ, ભાજપના કાર્યકરો તથા તેમના વિશાળ મિત્રવર્તુળમાં આઘાતની લાગણી ફેલાઈ હતી. સદગત પોતાની પાછળ પત્ની અલકાબહેન, પુત્ર અંશ, પુત્રીઓ આશ્કા અને અમૃતા તથા વિશાલ પરિવારને વિલાપ કરતા છોડી ગયા હતા

 

અભયભાઈનો જન્મ તારીખ 2 એપ્રિલ, 1954ના રોજ યુગાન્ડામાં થયો હતો. તેમના પિતા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.

1969માં યુગાન્ડામાં સિવિલ વૉરની સ્થિતિ સર્જાતા તેમનો પરિવાર રાજકોટમાં સ્થાયી થયો હતો.

અભયભાઈ બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા હતા અને આજીવન સંઘના સ્વયં સેવક રહ્યા.

તેમના મામા સ્વ. ચીમનભાઈ શુક્લ જનસંઘના ગુજરાતના સ્થાપક નેતા પૈકીના એક હતા. એ દિગગજ નેતાના માર્ગદર્શન હેઠળ અભયભાઈએ રાજકારણમાં પદાર્પણ કર્યું હતું અને 1980ના દાયકામાં તેઓ એક યુવા નેતા તરીકે ઉભરવા લાગ્યા હતા.

લડાયક મિજાજ ધરાવતા અભયભાઈ ખૂબ સારા અને તેજાબી વક્તા હતા. 1979-80 દરમિયાન તેમણે ગુજરાત ભાજપના યુવા મોરચાના તેમજ રાજકોટ શહેર ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. યુવા મોરચાની રાષ્ટ્રીય કારોબારીના સભ્યપદે પણ તેમની નિમણૂક કરાઈ હતી.

જોકે 1995માં તેઓ ભાજપમાંથી બળવો કરી અપક્ષ ઉમેદવાર તરીકે રાજકોટની બેઠક પરથી ધારાસભાની ચૂંટણી લડતાં તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

આ ઘટના બાદ તેઓએ થોડો સમય રાજકીય સંન્યાસ ભોગવ્યો હતો. બાદમાં 2002માં નરેન્દ્રભાઈ મોદી રાજકોટથી વિધાનસભાની તેમની પ્રથમ ચૂંટણી લડ્યા ત્યારે અભયભાઈનું ભાજપમાં પુનરાગમન થયું હતું

 

એક કાનૂનવિદ્ તરીકેની તેમની વિદ્વતા અને અનુભવને ધ્યાનમાં લઈ 21મા લૉ કમિશનના સભ્ય તરીકે તેમની નિમણૂક કરાઈ હતી.

અભયભાઈના નાનાભાઈ નીતિન ભારદ્વાજની પણ ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા તરીકે ગણતરી થાય છે.

એ પરિવારની પક્ષ પ્રત્યેની દાયકાઓની વફાદારીભરી સેવાઓ તથા અભયભાઈની બહુમુખી વિદ્વતાની કદર કરીને 2020માં ભાજપે તેમની રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી અને રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા બની તેઓ સાંસદ બન્યા હતા.

બી.એ., એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કરનાર અભયભાઈએ વકીલાતના ક્ષેત્રે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી.

ગુજરાતમાં 2002માં થયેલા બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના 69 આરોપીઓના વકીલ તરીકે તેમણે સેવાઓ આપી હતી અને મોટા ભાગના આરોપીઓને નિર્દોષ સાબિત કરવામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

 

કચ્છના ભૂતપૂર્વ કલેકટર પ્રદીપ શર્મા સામેના ભ્રષ્ટાચારના કેસમાં તેમજ કચ્છના જ ભાજપ અગ્રણી જયંતી ભાનુશાલી હત્યાકેસમાં તેમની વિશિષ્ટ સરકારી વકીલ તરીકે નિમણૂક કરાઈ હતી.

ગીરના સાવજોને મધ્ય પ્રદેશના કુનો જંગલમાં ખસેડવાના નિર્ણય સામે છેક સુપ્રીમ કોર્ટ સુધી લડી તેમણે સ્ટે મેળવ્યો હતો.

લૉ કમિશનના સભ્ય તરીકે તેમણે ટ્રિપલ તલાક અને યુનિફોર્મ સિવિલ કોડ જેવા અગત્યના કાયદાઓના મુસદ્દાની રચનામાં ફાળો આપ્યો હતો.

એનઆરઆઈ પતિઓ દ્વારા થતી ભારતીય મહિલાઓ સાથેની છેતરપિંડી વિરુદ્ધના કાયદાઓમાં પણ તેમણે સુધારાઓ સૂચવ્યા હતા.

કેન્દ્ર સરકારની ઔદ્યોગિક ટ્રિબ્યૂનલના પ્રિસાઈડિંગ અધિકારીના પદ માટેની પસંદગી તથા સર્ચ સમિતિના પણ તેઓ સભ્ય હતા.

અભયભાઈએ રાજકોટમાં પરશુરામ યુવા સંસ્થાની સ્થાપના કરી હતી. રાજકોટ બાર ઍસોસિયેશનના પ્રમુખ તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી હતી.

તેઓ અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેમણે "ક્રિમિનલ મેજર ઍક્ટ" નામનું પુસ્તક પણ લખ્યું હતું.

એક સફળ અને વિદ્વાન ધારાશાસ્ત્રી, રાજકારણી તથા સમાજસેવક તરીકે તેઓ તેમના ચાહકોના હૃદયમાં સદા અમર રહેશે

(12:50 am IST)