Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

સતત બીજા મહિને જીએસટીનું કલેક્શન એક લાખ કરોડને પાર

કોરોનામાં દેશનું અર્થતંત્ર સાવ જ ખોરવાઈ ગયું : કોરોના મહામારીમાં ઓક્ટોબરમાં ૧.૦૫ લાખ કરોડ, નવેમ્બરમાં જીએસટીનું કલેક્શન ૧,૦૪,૯૬૩ કરોડ

નવી દિલ્હી, તા. ૧ : અનલોક પ્રોસેસ દરમિયાન ભારતના અર્થતંત્રમાં સુધારાના સંકેત મળી રહ્યા છે. જેમાં જીએસટી કલેક્શન સતત બીજા મહિને એક લાખ કરોડ રુપિયાથી વધુ રહ્યું. નાણાં વિભાગ દ્વારા જાહેર આંકડાઓ દર્શાવે છે કે, નવેમ્બરમાં જીએસટી કલેક્શન ૧,૦૪,૯૬૩ લાખ કરોડ રુપિયા રહ્યુ હતું. જ્યારે ઓક્ટોબરમાં ૧.૦૫ લાખ કરોડ રુપિયા હતું.

નોંધનીય છે કે, ફેબ્રુઆરી પછી પહેલીવાર જીએસટી કલેક્શનનો આંકડો ઓક્ટોબરમાં એક લાખ કરોડ રુપિયાને પાર થયો હતો જે નવેમ્બરમાં સતત જળવાઇ રહ્યો. નવેમ્બર ૨૦૨૦માં કુલ જીએસટી કલેક્શનથી આવક ૧,૦૪,૯૬૩ લાખ કરોડ રુપિયા રહી, જેમાં કેન્દ્રિય જીએસટી ૧૯,૧૮૯ કરોડ રુપિયા, રાજ્ય જીએસટી ૨૫,૫૪૦ કરોડ રુપિયા અને એકીકૃત જીએસટી ૫૧,૯૯૨ કરોડ રુપિયા હતું. જેમાં સેસ કલેક્શન ૮,૨૪૨ કરોડ રુપિયા હતું.

સમીક્ષા હેઠળ મહિનામાં વસ્તુઓની આયાતથી આવક ગત વર્ષના સમાન મહિનાની સરખામણીએ ૪.૯ ટકા વધારે રહી. જ્યાં ઘરેળુ લેવડ-દેવડથી આવક ગત વર્ષના સમાન મહિનાથી ૦.૫ ટકા વધારે રહી હતી. ગત વર્ષની વાત કરીએ તો નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૨માંથી ૮ મહિનામાં જીએસટી કલેક્શન એક લાખ કરોડ રુપિયાથી વધુ રહ્યુ હતું. જોકે ચાલુ નાણાંકીય વર્ષમાં મંદી અને કોરોના મહામારીને લીધે જીએસટી કલેક્શન પ્રભાવિત થયું હતું.

ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલમાં જીએસટી કલેક્શન ૩૨,૧૭૨ કરોડ રુપિયા, મેમાં ૬૨,૧૫૧ કરોડ, જૂનમાં ૯૦,૯૧૭ કરોડ, જૂલાઇમાં ૮૭,૪૨૨ કરોડ, ઓગસ્ટમાં ૮૬,૪૪૯ કરોડ, સપ્ટેમ્બરમાં ૯૫,૪૮૦કરોડ રુપિયા અને ઓક્ટોબરમાં ૧,૦૫,૧૫૫ કરોડ રુપિયા રહ્યુ હતું.

(7:33 pm IST)