Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ઉદય કોવિડની આગનું પ્રકરણ

ડો. પ્રકાશ મોઢા - પુત્ર વિશાલ ડો. કરમટા જામીન મુકત

બેદરકારીથી પાંચ દર્દીઓના મોત અંગે ગુનો નોંધાયા બાદ કોવિડ રિપોર્ટ નેગેટિવ આવતાં ધરપકડ : પોલીસે રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યાઃ પણ રિમાન્ડ માંગણી નામંજુર કરવામાં આવી અને ત્રણેયને જામીન મુકત કરાયા

રાજકોટ તા. ૧: આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય કોવિડ હોસ્પિટલમાં ૨૭મીએ લાગેલી આગમાં પાંચ કોરોના દર્દીના મૃત્યુ નિપજ્યાની ઘટનામાં બેદરકારીથી મોત નિપજાવવા અંગે માલવીયાનગર પોલીસ મથકમાં પાંચ ડોકટરો સાથે ગુનો નોંધાયા બાદ ડો. પ્રકાશ મોઢા, તેના પુત્ર અને ડો. કરમટાને અટકાયતમાં લઇ કોરોના રિપોર્ટ કરાવાયા હતાં. સાંજે તેનો રિપોર્ટ નેગેટિવ આવતાં ત્રણેય તબિબોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ત્રણેયની સતત બીજી રાત પોલીસ મથકમાં પસાર થઇ હતી. આજે બપોરે ત્રણેયને કોર્ટ હવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને રિમાન્ડ માંગણી કરવામાં આવી હતી. જે નામંજુર થઇ હતી અને ત્રણેયને અદાલતે જામીન મુકત કરવા આદેશ કર્યો હતો.

આગ લાગવાની ઘટનામાં પાંચ દર્દીઓ પૈકી કેશુભાઇ લાલજીભાઇ અકબરી (ઉ.વ. ૫૦- રહે. ન્યુ શકિત સોસાયટી રાજકોટ)નું મૃત્યુ ગુંગળામણને કારણે તથા અન્ય ચાર દર્દીઓ રામશીભાઇ મોતીભાઇ લોહ (ઉ.વ. ૬૫ -રહે, જસદણ, અર્જુન પાર્ક સોસાયટી, ધોરીયાની બાજુમાં, તા. જસદણ), રસીકલાલ શાંતિલાલ અગ્રાવત (ઉ.વ. ૫ ૬-રહે. શિવનગર શેરી નં. ૨, વેરાવળ (શાપર),  સંજય ભાઈ અમૃતભાઇ રાઠોડ (ઉ.વ. ૫૭ રહે. પ્રહલાદ પ્લોટ ૪૧, કેદાર કૃપા, કરણપરા ચોક, રાજકોટ) અને નીતીનભાઇ મણીલાલ બદાણી (ઉ.વ. ૬૧-રહે. ઇસ્કોન ફલેટ, ૨૦૨, શનાળા રોડ, મોરબી)ના મુત્યુ દાઝી જવાથી થયાનો રિપોર્ટ આવ્યો હતો.

પોલીસ તપાસમાં જણાઇ આવ્યું હતું કે, આઇસીયુનું ઇમરજન્સી એકઝીટ બંધ હાલતમાં રાખવામાં આવેલ હતું અને દરવાજા પાસે મશીનરી મુકી, આડશ મુકીને અવરોધ ઉભો કરેલ હતો. દર્દી  કેશુભાઇનું મૃત્યુ ગુંગળામણને કારણે થયેલ હોય તેમજ ફાયર બ્રિગ્રેડના કર્મચારીના નિવેદન મુજબ આઇસીયુમાં વેન્ટીલેશન ન હોવાને કારણે ધુમાડો થયેલ હતો. તેમજ આઇસીયુમાં સેનીટાઇઝર જેવા જવલનશીલ પ્રવાહી વધુ માત્રામાં હતા. પ્રથમ, બીજો તથા ત્રીજો માળ એટલે કે, સમગ્ર કવીડ હોસ્પિટલમાં ૫૩ દદીઓની કેપેસીટી હોવા છતા હોસ્પીટલમાંથી બહાર ઇમરજન્સી સમયે જવા માટે કોઇ ઇમરજન્સી દરવાજો ન હોઇ ફકત ચાર ફુટની પહોળાઇ ધરાવતા પગથીયા દ્વારા જ ચડવા-ઉતરવાની વ્યવસ્થા છે. તેમ જ ફકત ગ્રાઉન્ડ ફલોરમાં એકઝીટના બે દરવાજા આપેલ છે તે પણ કોઇપણ દર્દીને ફાયર સાઇનબોર્ડ કે અન્ય કોઇ રીફલેકટર દ્રારા ઇમરજન્સી EXIT દર્શાવેલ નથી. તેમ જ આઇસીયુમાં પ્રવેશવાના દરવાજાની પહોળાઇ ૩ ફુટ ૪ ઇંચ છે જે નિયમો કરતા ખુબ જ ઓછી છે. આ સહિતના ૧૬ જેટલા બેદરકારીના કારણો સામે આવ્યા બાદ આઇપીસી ૩૦૪ (અ), ૧૧૪ મુજબ ગુનો દાખલ કરાયો હતો.

ડો. પ્રકાશચંદર ગોકલદાસ મોઢા (ઉ.વ.૬૬-ચેરમેન ગોકુલ લાઇફકેર પ્રા.લિ.) તેમના પુત્ર વિશાલ પ્રકાશચંદ્ર મોઢા (ઉ.વ.૩૯) (રહે. બંને શિવ કૃપા ઇન્દ્રપ્રસ્થ સોસાયટી-૧૦, હેમુ ગઢવી હોલ પાછળ) અને ડો. તેજસ લક્ષમણભાઇ કરમટા (ઉ.વ.૪૨-રહે. પ્લોટ નં. ૪૩, આર. કે. પાર્ક મેઇન રોડ રાણી ટાવર પાછળ)ના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં ગત સાંજે ધરપકડ કરવામાં આવી છે. પુછતાછમાં ત્રણેયએ પોતાની હોસ્પિટલમાં બીજા કરતાં વધુ સુવિધા હોવાનું રટણ કર્યુ હતું.

આમ તો આ કેસમાં પોલીસને આરોપીઓને પોલીસ સ્ટેશનમાં જ જામીન પર મુકત કરવાની સત્તા છે. પરંતુ પોલીસ કાર્યવાહી પર આક્ષેપો ન થાય એ માટે થઇને આજે બપોરે ત્રણેયને કોર્ટમાં રજૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. જ્યાં અદાલતે તમામને જામીન મુકત કર્યા હતાં.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, પીઆઇ આર. વાય. રાવલ, પીઆઇ કે. એન. ભુકણ, પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ વી. કે. ઝાલા, પીએસઆઇ એન. ડી. ડામોર, ભરતભાઇ વનાણી, પરેશભાઇ જારીયા, મયુરભાઇ, અરૂણભાઇ, પ્રવિણભાઇ સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે. અન્ય બે તબિબો ડો. તેજસ મોતીવારસ, ડો. દિગ્વીજયસિંહ જાડેજાના પણ એફઆઇઆરમાં આરોપી તરીકે નામ છે. તેમના વિરૂધ્ધ પુરાવા મળ્યા બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે. આ કેસમાં આરોપીઓ વતી પ્રખર ધારાશાસ્ત્રી અનીલભાઇ દેસાઇ રોકાયા હતા.

ઉદય કોવિડ હોસ્પિટલના ત્રણેય ડોકટરોની ૫ દિવસની રિમાન્ડની માંગણી અદાલતે ફગાવી દીધી :  ૫-૫ હજારના જામીન ઉપર છોડ્યા : ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈની ધારદાર દલીલો

રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં તાજેતરમાં આગ ફાટી નીકળતા ૫ દર્દીઓના મૃત્યુ થયેલ. આ બનાવમાં હોસ્પિટલના સંચાલકો ડો.પ્રકાશ મોઢા, ડો. તેજસ કરમટા અને ડો. વિશાલ મોઢાની  ધરપકડ પોલીસે કરી હતી અને તેમને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલ. પોલીસ તરફથી ત્રણેય આરોપીઓની ૫ દિવસની રિમાન્ડ માંગવામાં આવેલ. મેજીસ્ટ્રેટ એલ.ડી. વાઘની અદાલતમાં ત્રણેયને રજૂ કરાતા અદાલતે રીમાન્ડની માંગણી ફગાવી દીધી હતી. દરમિયાન ત્રણેય ડોકટરોને ૫-૫ હજારના જામીન ઉપર મુકત કરવાનો હુકમ કર્યો છે. આરોપી વતી સૌરાષ્ટ્ર-ગુજરાતના સીનીયરમોસ્ટ એડવોકેટ શ્રી અનિલભાઈ દેસાઈ રોકાયા હતા.

(3:23 pm IST)
  • શ્રીલંકાની રાજધાની કોલંબો નજીક આવેલી જેલમાં પુરાયેલા 175 કેદીઓ પૈકી 19 કોરોનાથી સંક્રમિત : જેલનો દરવાજો ખોલી નાખી કેદીઓએ ભાગવાની કોશિષ કરી : રસોડામાં અને રેકર્ડ રૂમમાં આગ લગાડી દીધી : જેલ અધિકારીઓ સાથે ઝપાઝપી દરમિયાન 8 કેદીઓના મૃત્યુ : જેલ અધિકારી સહીત 37 ઈજાગ્રસ્ત access_time 7:24 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 10-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 32,407 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 94,95,661 થઇ :એક્ટીવ કેસ 4,28,390 થયા : વધુ 38,355 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 89,26,950 રિકવર થયા :વધુ 431 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,38,090 થયો access_time 12:15 am IST

  • મોડર્ના વેકસીન ૧૦૦℅ સફળ: અમેરિકન કંપની મોડર્નાની કોરોના વાયરસ રસી ગંભીર કોરોનાવાયરસ ચેપ સામે 100% ની અસરકારકતા દર્શાવતી હોવાનું જાહેર થયું છે. access_time 8:51 pm IST