Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ICICI બેન્કના પૂર્વ CEO ચંદા કોચરની મુશ્કેલી વધી ; સુપ્રીમ કોર્ટે અપીલ નામંજૂરી કરી દીધી

ચંદા કોચરે બોમ્બે હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો

નવી દિલ્હી : ખાનગી ધિરાણકર્તા ICICI બેન્કના પૂર્વવડા ચંદા કોચરની મુશ્કેલીઓ વધી રહી છે. વિડિયોકોન અને ICICI બેન્ક વચ્ચે લોન કેસમાં ચંદા કોચરની પ્રતિષ્ઠા પર ડાઘ લાગ્યા હતા. સુપ્રીમ કોર્ટે આજે ICICI બેન્કના પૂર્વવડા અને એમડી ચંદા કોચરની અપીલ ફગાવી દીધી છે. ચંદા કોચરે બોમ્બે હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

ICICI અને વીડિયોકોન લોન કેસ મામલે બેન્કે ચંદા કોચરને સીઇઓ અને એમડી પદેથી હટાવી દીધા હતા, બેન્કના આ નિર્ણયને ચંદા કોચરે સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ સુપ્રીમકોર્ટે આ અપીલ નામંજૂરી કરી દીધી.

સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવા ઇન્કાર કરી દીધો છે. જસ્ટિસ સંજય કિશન કોલની આગેવાની હેઠળની ખંડપીઠે કહ્યુ કે, માફ કરજો, અમારી હાઇકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો કોઇ ઇચ્છા નથી. આ કેસ ખાનગી બેન્ક અને તેના કર્મચારી વચ્ચેનો છે.

ચંદા કોચર પર ખોટી રીતે નિયમોને નેવે મૂકી વીડિયોકોન ગ્રૂપની કંપનીઓને 1875 કરોડ રૂપિયાનો લોન આપવાનો આરોપ છે. સીબીઆઇ એ 22 જાન્યુઆરી 2019ના રોજ ચંદા કોચર અને તેમના પતિ દિપક કોચર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. આ પૂર્વે માર્ચમાં બોમ્બે હાઇકોર્ટે ચંદાકોચરની અરજીને ફગાવી દીધી હતી. બેન્કે ચંદા કોચરને જાન્યુઆરી 2019માં તેમના પદેથી હટાવી દીધા હતા. બેન્કના આ નિર્ણયને ચંદા કોચરે હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

સપ્ટેમ્બરમાં ઇડીએ ચંદા કોચરના પતિ દિપક કોચરની ધરપકડ કરી હતી. ઇડીએ કોચર દંપતિ વિરુદ્ધ મની લોન્ડરિંગનો પણ કેસ દાખલ કર્યો છે. ઇડીએ આ પૂર્વે કહ્યુ હતુ કે, ચંદા કોચરની આગવાની હેઠળની બેન્ક કમિટીએ વીડિયોકોન ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડને 300 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી હતી. તેમાંથી 64 કરોડરૂપિયા દિપક કોચરની કંપની ન્યૂપાવર રિન્યૂએબલ પ્રાઇવેટ લિમિટેડને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

(10:23 pm IST)