Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કોરોનાની વૅક્સિન સાચવવા માટે મુંબઈમાં જમ્બો કોલ્ડ સ્ટોરેજ ઊભું કરવામાં આવશે

બીએમસીએ ભાંડુપ અને કાંજુરમાર્ગ વચ્ચે એક જગ્યા નક્કી કરી

મુંબઈ : પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટે કોરોનાની વૅક્સિન શોધી છે અને હવે બજારમાં એ આવવાની તૈયારીમાં છે ત્યારે એને વિવિધ તાપમાનમાં સાચવવા માટેની પણ આવશ્કયતા રહેશે. એથી મુંબઈ મહાનગરપાલિકાએ એની જાળવણી અને ડિસ્ટ્રિબ્યુશન માટે તૈયારી ચાલુ કરી દીધી છે. બીએમસીએ ભાંડુપ અને કાંજુરમાર્ગ વચ્ચે એક જગ્યા નક્કી કરી છે જ્યાં વૅક્સિન સાચવવા જમ્બો કોલ્ડ સ્ટોરેજ ઊભું કરવામાં આવશે.

લાંબા સમયથી કોરોનાની વૅક્સિન પર પરીક્ષણ ચાલી રહ્યાં છે. હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી અને તેમના કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા એ ચોક્કસ તાપમાન પર રાખવી પડતી વૅક્સિન માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવા શહેર વિસ્તાર અને પૂર્વ અને પશ્ચિમનાં ઉપનગરોમાં એ માટે જગ્યા શોધી રહી હતી.

ભાંડુપ-કાંજુર માર્ગની આ જગ્યા મોકાની છે. ત્યાં મોટાં વાહનોની અવરજવર પણ થઈ શકશે એટલું જ નહીં, ત્યાંથી મુંબઈ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં એનું ડિસ્ટ્રિબ્યુશન કરવામાં પણ સરળતા રહેશે એમ પાલિકાએ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં દેશમાં સૌથી વધારે કોરોનાના કેસ આવ્યા હોવાથી તેમ જ અહીંની વસ્તીને ધ્યાનમાં રાખીને વૅક્સિનના બહુ મોટા જથ્થાની જરૂરિયાત રહેવાની શક્યતા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પાલિકાએે વૅક્સિન રાખવા માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરી છે.

(11:56 am IST)