Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

શ્રીલંકામાં કેદીઓ અને જેલ અધિકારીઓ વચ્ચે અથડામણ, ૮નાં મોત : ૫૦ ઘાયલ

કોરોના વાયરસના વધતા જતા ચેપ વચ્ચે શ્રીલંકાની જેલોમાં કેદીઓની અતિશય ક્ષમતાનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે

કોલંબો,તા.૧ : શ્રીલંકાની રાજધાની કોલંબોની સીમમાં આવેલી જેલમાં કેદીઓ અને જેલ અધિકારીઓ વચ્ચે ઉગ્ર સઘર્ષ થયો હતો. જેમાં ૮ કેદીઓ માર્યા ગયા હતા, જયારે ૫૦ જેટલા અન્ય ઘાયલ થયા હતા. કેદીઓ અને જેલ અધિકારીઓ વચ્ચે ઝપાઝપી ત્યારે થઈ જયારે કેટલાક કેદીઓએ બળજબરીથી દરવાજો ખોલીને જેલમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી પોલીસે તેમના પર બળપ્રયોગ કરવો પડ્યો હતો.

 મળતી માહિતી મુજબ, કોરોના વાયરસના વધતા જતા ચેપ વચ્ચે શ્રીલંકાની જેલોમાં વધુ કેદીઓ મૂકવાનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઘણા જેલોમાં કેદીઓએ તાજેતરના અઠવાડિયામાં પ્રદર્શન કર્યું છે. દરમિયાન સોમવારે કોલંબોની હદમાં આવેલી મહારા જેલમાં કેદીઓનો અસંતોષ વધ્યો હતો. પરિસ્થિતિ વધુ વણસી જતાં જેલ અધિકારીઓએ બળપ્રયોગ કરવો પડ્યો, જેમાં ૮ કેદીઓના મોત થયા છે.

 પોલીસ પ્રવકતા અજિત રોહાનાએ સોમવારે જણાવ્યું હતું કે, કોલંબોથી ૧૫ કિલોમીટર દૂર મહારા જેલમાં કેદીઓએ હંગામો કર્યો હતો. જેલ અધિકારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવા પગલાં ભરવા પડ્યાં હતાં. રોહાનાએ કહ્યું કે, આ ઘટનામાં બે જેલર સહિત ઓછામાં ઓછા ૫૦ લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની રાગમા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  જેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અથડામણ વખતે કેદીઓએ રસોડા અને રેકોર્ડ રૂમમાં આગ લગાવી હતી. તેમણે કહ્યું કે, કેદીઓને બીજી જેલમાં મોકલવાની માંગ કરવામાં આવી હતી કારણ કે મહારા જેલમાં ૧૭૫ કેદીઓ કોવિડ -૧૯થી પીડિત છે.

(11:40 am IST)