Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

અહંકારની ખુરશી છોડીને ખેડૂતોને ન્યાય આપોઃ રાહુલ ગાંધી

ખેડૂતો મુદ્દે કોંગ્રેસના નેતાએ સરકાર પર નિશાન તાક્યું :ખેડૂત આંદોલનને લઈને કોંગ્રેસના સરકાર પર ઉગ્ર પ્રહાર

નવી દિલ્હી, તા. ૧ :ખેડૂત આંદોલનનો આજે છઠ્ઠો દિવસ છે. ખેડૂતોના વિરોધની આગ દેશના ખૂણે ખૂણે પહોંચી છે. દિલ્હીની સરહદો પર ખેડૂતોનો જમાવડો વધી રહ્યો છે. ખેડૂતો પોતાની માંગને લઈને અડગ છે. મંગળવારે મોદી સરકારે ખેડૂતોને વાતચીત માટે બોલાવ્યા છે. અગાઉ શનિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ખેડૂતોને કેટલીક શરતો સાથે વાતચીત માટે આમંત્રણ આપ્યું હતું જેને ખેડૂત સંગઠોએ ઠુકરાવ્યું હતું. ખેડૂત આંદોલનને લઈને વિપક્ષ પણ સરકાર પર પ્રહાર કરવાની તક ચૂકતું નથી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે, સરકાર અહંકારની ખુરશીમાંથી ઉતરે અને ખેડૂતો સાથે ન્યાય કરે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, જગતના અન્નદાતા રસ્તા પર મેદાનમાં ધરણા પર બેઠા છે..જૂઠ ટીવી પર ભાષણપ આ ખેડૂતોની મહેનતનું આપણા પર ઋણ છે અને તે ન્યાયથી જ ચૂકવી શકાશે. ખેડૂતો પર લાઠી વરસાવી કે અશ્રુ ગેસ છોડીને નહીં.. જાગો, અહંકારની ખુરશીથી ઉતરો અને ખેડૂતોનો અધિકાર પરત આપો. અગાઉ રાહુલ ગાંધીએ પણ સ્પીક અપ ઈન્ડિયા વીડિયો સીરિઝ અંતર્ગત ખેડૂતોના આંદોલનની વાત કરી હતી. ખેડૂતો પર કડકડતી ઠંડીમાં વોટર કેનનો પ્રયોગ કરાઈ રહ્યો છે. શિવસેનાએ પણ કેન્દ્ર પર પ્રહાર કરતા ખેડૂતો સાથે આતંકવાદી જેવું વર્તન બંધ કરવા જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વારાણસીમાં વિપક્ષને આડેહાથ લેતા જણાવ્યું હતુ કે, પહેલા સરકારના નિર્ણયોનો વિરોધ કરતા હતા હવે વિપક્ષ સરકારના નિર્ણયો અંગે ખેડૂતોને ભ્રમિત કરવાનું કામ કરે છે.

(7:34 pm IST)