Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

વ્યકિતદીઠ સરકાર રૂ. ૪૦૦નો ખર્ચ કરશેઃ રસીના મળશે બે ડોઝ

સરકારે રસીકરણ માટે શરૂ કરી તૈયારીઃ એક ડોઝ પાછળ સરકાર રૂ. ૨૧૦નો ખર્ચ કરશેઃ પ્રથમ તબક્કે ૨૦,૦૦૦ કરોડ ખર્ચાશેઃ મતદાન કેન્દ્રોની જેમ રસી લેવા માટે કેન્દ્રો બનશેઃ સ્કૂલ, હોસ્પીટલ, પંચાયત કાર્યાલય વગેરેમાં કેન્દ્રો બનશેઃ સૌ પહેલા ૩૦ કરોડ લોકોને વેકસીન અપાશે

નવી દિલ્હી, તા. ૧ :. કોરોના વાયરસની રસી આવવામાં ભલે હવે થોડા દિવસો જ બાકી રહ્યા હોય પરંતુ સરકારે આને લઈને પોતાની યોજનાને અંતિમ સ્વરૂપ આપવાનુ શરૂ કરી દીધુ છે. યોજના અનુસાર સરકાર ૨૦ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચેલી આ યોજના અનુસાર દરેક વ્યકિત પર સરકાર લગભગ ૪૦૦ રૂ. ખર્ચ કરશે. જેમાં રસીના બન્ને ડોઝનો સમાવેશ થશે.

જો કે આ કિંમત સરકારના નિયંત્રણને કારણે છે. જો રસી બજારમાં સીધી રીતે ઉપલબ્ધ થાય તો તેનો ભાવ વધુ રહી શકે છે. રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સમાંથી મળેલી માહિતી અનુસાર કોરોનાના એક રસીના ડોઝ માટે સરકાર રૂ. ૨૧૦નો ખર્ચ કરી શકે છે.

મતદાન કેન્દ્રોની જેમ દેશમાં રસીને લઈને કેન્દ્રો બનાવવામાં આવશે. સ્કૂલ, હોસ્પીટલ, પંચાયત કાર્યાલય વગેરે જગ્યાએ આ કેન્દ્રો બનશે. દેશના તમામ રાજ્યોને રસી સમાન અધિકાર હેઠળ અપાશે. સૌ પહેલા રસી દેશના ૩૦ કરોડ લોકો માટે ઉપલબ્ધ થશે.

જાન્યુઆરી ૨૦૨૧થી રસીના સ્ટોરેજનું કામ શરૂ થશે. આ માટે તમામ વિભાગોએ તૈયારી કરી લીધી છે. સરકારી અને ખાનગી ડોકટરોને આ અભિયાનની ખાસ જવાબદારી અપાશે. સાથોસાથ જનભાગીદારીના પ્રયાસ સાથે સાથે તેઓને જરૂરી તાલીમ પણ અપાશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે એ વિચાર ચાલે છે કે ૬૦૦ રૂ.થી વધુ રસી વેંચી નહી શકાય. રસી બજારમાં આવે તો સરકાર તેની કિંમત નક્કી કરશે તે પછી જ ફાર્મા કંપનીને રસી બજારમાં ઉતારવાની પરવાનગી અપાશે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વાર્ષિક સ્વાસ્થ્ય બજેટ જેટલી જ રકમ રસીકરણ કાર્યક્રમ પર ખર્ચાશે. ભારતનુ વાર્ષિક બજેટ ૬૫૦૦૦ કરોડ આસપાસ છે, પરંતુ રસીકરણ માટે ૫૫૦૦૦ કરોડનો ખર્ચ આવી શકે છે.

(10:55 am IST)