Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

વિશ્વનો સૌથી પ્રચલિત શબ્દ બન્યો

'પેન્ડેમિક'ને મેરિયમ-વેબસ્ટર ડિક્ષનરીએ ૨૦૨૦નો 'વર્ડ ઓફ ધ યર' જાહેર કયો

ન્યૂયોર્ક,તા.૧:  તામેરિયમ-વેબસ્ટર ડિક્ષનરીએ ૨૦૨૦ના વર્ષ માટે પેન્ડેમિક શબ્દને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો છે. સંપાદકીય નોટમાં લખાયું હતું કે પ્રિન્ટ, ઈલેકટ્રોનિકસ અને સોશિયલ મીડિયામાં વર્ષભર આ શબ્દ ગાજતો રહ્યો છે. વેબસાઈટ્સમાં પણ માર્ચ મહિનાથી આ શબ્દ સતત શોધાયો હતો.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને માર્ચ-૨૦૨૦માં કોરોના વાયરસને પેન્ડેમિક જાહેર કર્યો હતો. એ પછી વેબસાઈટ સર્ચિંગમાં પેન્ડેમિક શબ્દ સૌથી આગળ આવવા લાગ્યો હતો. એકાદ-બે મહિનામાં જ આ શબ્દ દરેક સર્ચે એન્જિનમાં અને વેબસાઈટમાં સૌથી વધુ સર્ચ થવા માંડયો હતો. માર્ચ-૨૦૨૦થી પ્રિન્ટ, ઈલેકટ્રોનિક અને સોશિયલ મીડિયામાં પેન્ડેમિક શબ્દ ખૂબ જ વપરાતો થયો હતો એવું મેરિયન-વેબસ્ટરના સંપાદક પીટર સોકોલોવકસીએ નોંધ્યું હતું. મેરિયમ વેબસ્ટરના સંપાદકે કહ્યું હતું કે ૧૧મી માર્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જયારે પહેલી વખત કોરોના માટે પેન્ડેમિક શબ્દ પ્રયોજયો ત્યારે એક જ દિવસમાં આ શબ્દના સર્ચિંગમાં ૧.૧૫ લાખ ગણો વધારો થયો હતો. તે સિવાય વેબસાઈટમાં કોરોનાવાયરસ, કોવિડ-૧૯, કવોરન્ટાઈન જેવા શબ્દો પણ ખૂબ જ પ્રચલિત બન્યા હતા.

લેટિન શબ્દ પાન અને ગ્રીક શબ્દ ડેમોસ પરથી ઈંગ્લીશમાં પેન્ડેમિક શબ્દ ઉતરી આવ્યો છે. લેટિન-ગ્રીક મૂળિયા ધરાવતા આ શબ્દનો મૂળ અર્થ બધા લોકો માટે એવો થાય છે. પાન એટલે બધા માટે અને ડેમોસ એટલે લોકો. બધા લોકોના કે આખી વસતિના સંદર્ભમાં વાત હોય તો પેન્ડેમિક શબ્દ વપરાતો હતો, પરંતુ ધીમે ધીમે આ શબ્દનો પ્રચલિત અર્થ દેશવ્યાપી રોગચાળો કે વિશ્વવ્યાપી મહામારી એવો થવા લાગ્યો હતો. આજે આ શબ્દ વિશ્વવ્યાપી મહામારીના સંદર્ભમાં પ્રયોજાય છે.

અંગ્રેજી ભાષામાં પેન્ડેમિક શબ્દનો સૌથી જૂનો લેખિત રેફરન્સ ૧૭મી સદીમાં મળે છે. ૧૬૬૦ આસપાસ મેડિકલની પરિભાષામાં આ શબ્દ વપરાતો હતો. રોગચાળાના સંદર્ભમાં અને મેડિકલના સંદર્ભમાં દુનિયાભરની વાત હોય ત્યારે દ્યણાં નિષ્ણાતો પેન્ડેમિક શબ્દ લખતા હતા. એ પછી ૧૮મી અને ૧૯મી સદીમાં પ્લેગ ફાટી નીકળતો ત્યારે પણ આ શબ્દ પ્રયોજાતો હતો.

(9:31 am IST)