Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

સમસ્યાનો ઉકેલ આવશે? બપોરે ખેડૂત-સરકાર વચ્ચે બેઠક

ખેડૂતોના પ્રચંડ આંદોલન સામે સરકાર ઝૂકી : ૩ ડીસે.ને બદલે આજે બપોરે મંત્રણા : કૃષિ કાયદાની વિરૂધ્ધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે કેન્દ્ર સરકારે ૧૪ ઓકટોબર અને ૧૩ નવેમ્બરે બે ચરણની વાતચીત કરી હતીઃ પરંતુ ખેડૂતો પોતાની માંગ પર અડગ રહ્યા છે

નવી દિલ્હી,તા.૧: કેન્દ્રીય કૃષિ કાયદાઓ પર ખેડૂતો તરફથી દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આંદોલનકારી ખેડૂતોને ૧ ડિસેમ્બરે બપોરે ૩ વાગ્યે વાતચીત માટે બોલાવ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે ખેડૂતો સાથે આગામી ચરણની વાતચીત ૩ ડિસેમ્બરે થવાની હતી, પરંતુ ખેડૂત પ્રદર્શન કરી રહ્યા છે અને ઠંડીની સાથે કોરોના વાયરસ સંક્રમણનો ખતરો છે, તેથી મીટિંગ વહેલા હોવી જોઈએ. તેઓએ કહ્યું કે સ્થિતિને જોતાં પહેલા ચરણની વાતચીતમાં સામેલ ખેડૂતોને ૧ ડિસેમ્બરે બપોરે ૩ વાગ્યે વિજ્ઞાન ભવનમાં વાતચીત માટે બોલાવવામાં આવ્યા છે.

તોમરે કહ્યું કે, જયારે કૃષિ કાયદા બન્યા હતા ત્યારે કેટલાક લોકોએ ખેડૂતોમાં ભ્રમ ફેલાવ્યો હતો. કેન્દ્ર સરકારે ૧૪ ઓકટોબર અને ૧૩ નવેમ્બરે ખેડૂતોની સાથે બે ચરણની વાતચીત કરી હતી, તે સમયે પણ સરકારે ખેડૂતોને કહ્યું હતું કે વિરોધ પ્રદર્શનનો રસ્તો ન અપનાવો. સરકાર વાતચીત કરવા માટે તૈયાર છે.

કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો આવનારા સમયમાં એમએસપી વ્યવસ્થા સમાપ્ત થવાને લઈ ચિંતા વ્યકત કરી રહ્યા છે. તેમને એવી આશંકા પણ છે કે આ કાયદાઓથી તેઓ ખાનગી કંપનીઓને આધીન થઈ જશે.

(3:25 pm IST)