Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

આજથી સેબીના નવા પીક માર્જીનના નિયમોનો અમલઃ વોલ્યુમ ઘટી જશે

માર્જીનના નવા નિયમોથી વોલ્યુમ ઘટશેઃ એક તૃત્યાંશ જેટલો ઘટાડો થવાના એંધાણઃ આજથી બ્રોકરો દ્વારા ઈન્ટ્રા-ડેમાં અપાતા મહત્તમ લીવરેજને સીમીત કરી દેવામાં આવેલ છેઃ આવતા મહિનાઓમાં ૨૦ થી ૩૦ ટકા વોલ્યુમ ઘટે તેવી શકયતાઃ નવા નિયમથી બ્રોકરોની આવકમાં પણ ૧૦ થી ૧૫ ટકાનો ઘટાડો આવી શકે તેમ છેઃ શેરના ડેરીવેટીવથી રોકડ સેગમેન્ટમાં કારોબાર જઈ શકે છે

મુંબઈ, તા. ૧ :. નવા ઉચ્ચત્તમ માર્જીન લાગુ થવાથી આવતા મહિનાઓમાં એફએન્ડઓના વોલ્યુમમાં લગભગ એક તૃત્યાંશ જેટલો ઘટાડો આવી શકે છે. બજારના કુલ ટર્નઓવરમાં એફએન્ડઓ સેગમેન્ટની હિસ્સેદારી લગભગ ૯૦ ટકા અને દિવસના ટર્નઓવરમાં લગભગ અડધી હિસ્સેદારી છે.

આજથી બ્રોકરો દ્વારા ઈન્ટ્રા-ડેમાં અપાતા વધુમાં વધુ લીવરેજને સિમીત કરી દેવામાં આવેલ છે અને તેને ૧ લી સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી ઓછુ રખાશે તે પછી બ્રોકર એફએન્ડઓમાં એસપીએએન અને એકસ્પોઝરની બરાબર અને રોકડ સેગમેન્ટમાં વીએઆર અને ઈએલએમ (ન્યુનત્તમ ૨૦ ટકા)ની બરાબર લીવરેઝ આપી શકશે.

દેશની સૌથી મોટી બ્રોકરેજ કંપની ઝીરોધાના વડા નિતીન કામતનું કહેવુ છે કે લીવરેજ ઘટવાથી એફએન્ડઓના વોલ્યુમમાં ઘટાડો આવી શકે છે. ઝીરોધામાં આવતા મહિનાઓમાં ૨૦ થી ૩૦ ટકા વોલ્યુમ ઘટી શકે છે. એવા બ્રોકર જે ઈન્ટ્રા-ડે લીવરેજનો આક્રમક રીતે ઉપયોગ કરે છે તેના વેપાર પર અસર પડશે.

હાલ બ્રોકર માર્જીનના રીપોર્ટ દિવસના અંતમા કરે છે. જેને કારણે તેઓ એવા ગ્રાહકોને પણ વધારાનું લીવરેજ આપવામાં સક્ષમ હોય છે. જેમની પાસે ન્યુનત્તમ માર્જીન નથી હોતુ. જો કે તેમા શરત હોય છે કે દિવસનો કારોબાર સમાપ્ત થાય તે પહેલા પોઝીશન નિપટાવવાની હોય છે. આની સાથે જ જો બ્રોકર ઈન્ટ્રા-ડે પોઝીશનમાં ન્યુનત્તમ માર્જીન સુરક્ષિત કરવામાં નિષ્ફળ જાય તો શોર્ટ માર્જીનનો દંડ લાગશે.

પ્રભુદાસ લીલાધરના મુખ્ય અધિકારી રીટેલ સંદીપ રાયચુરાએ કહ્યુ છે કે સેબીએ ડેરીવેટીવમાં પ્રથમ ચરણમાં એકસપોઝરને ચાર ગણુ સીમીત કરી દીધુ છે અને આનાથી રીટેલ વાયદા વોલ્યુમ પર અસર પડશે ખાસ કરીને નિપટાવવાના દિવસે.

બ્રોકર સામાન્ય રીતે એફએન્ડઓ સેગમેન્ટમાં ઈન્ટ્રા-ડે ટ્રેડીંગ માટે ચાર થી આઠ ગણા સુધી લીવરેજની ઓફર કરે છે જે અનેક વખત ૩૦ થી ૪૦ ગણા સુધી પહોંચી જાય છે. ઉદ્યોગના ભાગીદારોનું કહેવુ છે કે નિફટી અને નિફટી બેન્ક ઈન્ડેક્ષ પર સાપ્તાહિક અને માસિક નિપટાનના દિવસે લગાવવામાં આવેલ દાવમાં ઘણો ઘટાડો થશે. બ્રોકરોની રીટેલ આવકમાં એફએન્ડઓ સેગમેન્ટની હિસ્સેદારી લગભગ ૪૦ થી ૬૦ ટકા હોય છે. એવામાં નવા નિયમથી ડીસેમ્બર ત્રિમાસિકગાળામાં બ્રોકરોની આવકમાં ૧૦ થી ૧૫ ટકાનો ઘટાડો આવી શકે છે.

ઉદ્યોગના ભાગીદારોને આશા છે કે નવા નિયમથી જોખમો ઘટાડવા અને દીર્ઘકાલીન ગાળામાં વધુ ટ્રેડર્સને આકર્ષવામા મદદ મળશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શેરના ડેરીવેટીવથી રોકડ સેગમેન્ટમાં કારોબાર જઈ શકે છે કારણ કે રોકડમાં માર્જીન ડેરીવેટીવની સરખામણીમાં ઓછો હોય છે.

આજથી કેટલાક વિદેશી પોર્ટફોલીયો રોકાણકારો સ્થિતિ સ્પષ્ટ થાય ત્યાં સુધી ટ્રેડીંગથી દૂર રહી શકે છે. ડેરીવેટીવ વોલ્યુમમાં વિદેશી પોર્ટફોલીયો રોકાણકારોની હિસ્સેદારી ૧૫ ટકા છે. જે દૈનિક સરેરાશ વોલ્યુમ ૨ થી ૩ લાખ કરોડની બરાબર છે.

આ નવા નિયમોને કારણે બજારની તેજીને બ્રેક લાગી શકે છે. આ માટે સેબીના નવા પીક માર્જીન રીપોર્ટીંગ નિયમો જવાબદાર રહેશે. વિદેશી રોકાણકારોના ટ્રેડ સેટલમેન્ટ માટે નવા માર્જીન ફ્રેમ વર્ક હેઠળ તેમના ગ્રાહકોની માર્જીન જરૂરીયાત માટેની જવાબદારી લેવાનો ઈન્કાર કર્યો હોવાથી રોકાણકારોને શેરબજારો પર જ એફએન્ડઓનો સૌદા મર્યાદીત કરવાની ફરજ પડે તેમ છે. અત્યાર સુધી દિવસના અંતે ભાવ ધોરણે માર્જીનની ગણતરી થતી હતી હવે માર્જીનની ગણતરી દિવસના પીક માર્જીના ધોરણે થશેે. જો આ નવી સિસ્ટમ મુજબ ગ્રાહકોના માર્જીનમાં શોર્ટ ફોલ એટલે કે ઓછુ માર્જીન આવશે તો બ્રોકરે પેનલ્ટી ભરવી પડશે.

(9:30 am IST)