Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

કોંગ્રેસની રેલીમાં મોટો ભાંગરો વાટ્યો : પ્રિયંકા ચોપડા ઝિંદાબાદના લાગ્યા નારા : થયો ફજેતો

પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રકુમારે મંચ પરથી નારા લગાવામાં લોચો માર્યો : ભૂલનો અહેસાસ થતા સુધારો કર્યો

નવી દિલ્હી: દિલ્હી કોંગ્રેસની એક રેલીમાં પ્રિયંકા ગાંધીવાડ્રાની જગ્યાએ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના સમર્થનમાં નારા લાગ્યાં તો ત્યાં રહેલા પાર્ટી નેતાઓની સોશિયલ મીડિયા પર ખુબ ઠેકડી ઉડી રહી છે. નારેબાજીનો આ વીડયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વિરોધી પક્ષોના નેતાઓ પણ આ વીડિયો પર ખુબ કટાક્ષ કરી રહ્યાં છે. અકાલી દળ  ના વિધાયક મજિંદર એસ સિરસાએ પણ વીડિયો શેર કરીને કોંગ્રેસ પર વ્યંગ કર્યો છે.

આજે બબાનામાં કોંગ્રેસ દ્વારા જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડા અને પૂર્વ વિધાયક સુરેન્દ્ર કુમાર હાજર હતાં. આ રેલી આર્થિક મંદી અને રાજધાનીની ગેરકાયદે કોલોની મુદ્દે બોલાવવામાં આવી હતી. રેલીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ નીંદા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. હતો

 રેલીના સમાપન પર મંચથી નેતાઓ માટે જિંદાબાદના નારા લગાવવામાં આવ્યાં હતાં. જેમાં પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રકુમારે મંચ પરથી સૌથી પહેલા સોનિયા ગાંધી, કોંગ્રેસ અને ત્યારબાદ રાહુલ ગાંધીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યાં. આ બધા વચ્ચે જ્યારે પ્રિયંકા ગાંધીનું નામ બોલવાનું હતું તો તેની જગ્યાએ પ્રિયંકા ચોપડા જિંદાબાદના નારા લાગ્યાં. ત્યાં હાજર રહેલા નેતાઓઓ સ્તબ્ધ થઈ ગયાં. આ સાંભળીને પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડા અસહજ થઈ ગયાં. સૂત્રોચ્ચાર કરનારા નેતાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ત્યારબાદ તેમણે પ્રિયંકા ગાંધી જિંદાબાદના નારા લગાવ્યાં હતાં.

(11:56 pm IST)