Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

દુનિયાને અચંબો પમાડનારી ક્રિપ્‍ટો કરન્‍સી બિટકોઇન કોઇ કારખાનામાં બનતા નથી પરંતુ ૮૦ હજાર કોમ્‍પ્‍યુટરને માલવેર સોફટવેરથી ડેમેજ કરી એજ કોમ્‍પ્‍યુટરની સિસ્‍ટમમાં બિટકોઇન બને છે

દુનિયાને ઘેલું લગાડનારી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન કોઈ ફેક્ટરીમાં તૈયાર થતી નથી પણ કમ્પ્યૂટર પર જ તૈયાર કરવામાં આવે છે અને આ માટે દુનિયાભરમાં કમ્પ્યૂટરોને માલવેર સોફ્ટવેરથી ડેમેજ કરવામાં આવે છે અને પછી એની સિસ્ટમમાં ઘૂસીને બિટકોઇન તૈયાર થાય છે. કમ્પ્યૂટરો માટે વિવિધ પ્રોગ્રામ અને સોફ્ટવેર તૈયાર કરતી દુનિયાની સૌથી મોટી સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટના સિક્યુરિટી રિસર્ચ વિભાગે કહ્યું હતું કે, બિટકોઇન તૈયાર કરવા માટે દુનિયાભરનાં આશરે ૮૦,૦૦૦ કમ્પ્યૂટરોને હાઇજેક કરાયાં હતાં. માઇક્રોસોફ્ટે કહ્યું હતું કે, ડેક્સફોટ આધુનિક માલવેર છે અને એ સફળતાપૂર્વક કમ્પ્યૂટરને હાઇજેક કરે છે.

બોટનેટ એ ઘણા બધા કમ્પ્યૂટરોનું એક એવું નેટવર્ક છે જે દ્વેષપૂર્ણ કોડના આધારે કામ કરે છે. હેકર્સ આવા નેટવર્કનો ઉપયોગ કરીને વિવિધ વાઇરસ એટેક કરતા હોય છે. આ કમ્પ્યૂટરોનું નેટવર્ક એક ખાસ ટાસ્કને પૂરું પાડવા ઊભું કરાય છે. એ કોઈ પણ કમ્પ્યૂટર પર કબજો કરી શકે છે.

માઇક્રોસોફ્ટની રિસર્ચ ટીમે કહ્યું હતું કે, બિટકોઇન તૈયાર કરનારા લોકોએ ડેક્સફોટ નામનું એક માલવેર સોફ્ટવેર તૈયાર કર્યું હતું. આ સોફ્ટવેર ૨૦૧૮ના ઓક્ટોબરથી કમ્પ્યૂટરોને ઇનફેક્ટ કરે છે. જૂન મહિનામાં સૌથી વધારે કમ્પ્યૂટરો આ સોફ્ટવેર દ્વારા હાઇજેક થયાં હતાં. આ કમ્પ્યૂટરોના યૂઝર્સને ખબર જ નહોતી કે તેમના કમ્પ્યૂટરમાં બિટકોઇન તૈયાર થાય છે. જોકે, માઇક્રોસોફ્ટે કાઉન્ટર મેકેનિઝમ ઊભી કરીને બિટકોઈન તૈયાર કરતાં કમ્પ્યૂટરોની સંખ્યા ઘટાડી દીધી છે.

ડેક્સફોટ સોફ્ટવેર એટલું આધુનિક છે કે એ તેના પર દરરોજ આવતા જોખમને જાણી શકે છે અને પોતાની રીતે તેનો બચાવ કરી શકે છે. ડેક્સફોટ માલવેર ક્રિપ્ટોકરન્સી બિટકોઇન તૈયાર કરવા માટે જ તૈયાર થયું છે છતાં એ બીજા પ્રકારના કૌભાંડમાં પણ વપરાય છે. ન્યૂડ ફોટોગ્રાફના આધારે બ્લેકમેલ કરતા લોકો પણ આ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે અને ખંડણી મેળવે છે. એમાં ખંડણી બિટકોઇનના રૂપમાં માગવામાં આવે છે. કોણે બિટકોઇન મેળવ્યા છે એની જાણ કોઈને થતી નથી.

માઇક્રોસોફ્ટની ટીમે કહ્યું હતું કે, ડેક્સફોટ એકવાર કમ્પ્યૂટરને ઇન્ફેક્ટ કરે એ પછી એમાં 'માઇનિંગ' પ્રોસેસ શરૂ કરે છે. આ પ્રક્રિયામાં કમ્પ્યૂટર ખૂબ બધી ગણતરી કરે છે અને એના અંતે બિટકોઇન તૈયાર થાય છે. બિઝનેસ ટેક્નોલોજી વેબસાઇટ ઝેડડિનેટના કહેવા મુજબ ડેક્સફોટ પોલિમોર્ફીઝમ મેકેનિઝમથી ક્લોકિંગ કરે છે અને એ જે કમ્પ્યૂટરને હાઇજેક કરે છે એમાં માલવેર સોફ્ટવેરની ફૂટપ્રિન્ટને બદલ્યા કરે છે. એના પર એન્ટિવાઇરસ સોફ્ટવેરની અસર ઓછી થાય છે. વળી એ સતત ૨૦થી ૩૦ મિનિટમાં કોડ બદલ્યા કરે છે અને તેથી એના પર એન્ટિવાઇરસની અસર થતી નથી. આમ ડેક્સફોટ લાંબા સમય સુધી કમ્પ્યૂટરમાં બિટકોઇન માઇનિંગ કરી શકે છે. બોટનેટ નેટવર્ક દ્વારા આમ થઈ શકે છે.

(2:54 pm IST)