Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

આતંકીઓના ફન્‍ડીંગ આપવાના મુદે હાફિઝ વિરૂદ્ધ ૭મીથી પાકિસ્‍તાન કોર્ટમા કેસ ચાલશે

લાહોર,  : પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહેલા મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ વિરૂદ્ધ કાર્યવાહીનું પાકિસ્તાને ફરી નાટક શરૂ કર્યું છે. એવા અહેવાલો છે કે પાકિસ્તાનમાં હાફિઝ સઇદ વિરૂદ્ધ આતંકીઓને ફંડ પુરૂ પાડવાના આરોપો લગાવ્યા બાદ જે કેસ કરવામાં આવ્યો હતો તેની ટ્રાયલ આગામી 7 ડિસેમ્બરના રોજ શરૂ થવા જઇ રહી છે.

લાહોરમાં આવેલી એન્ટી ટેરેરિઝમ કોર્ટ દ્વારા આ મામલે શનિવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જે બાદ જજે આગામી સાતમી ડિસેમ્બરની ટ્રાયલ શરૂ થશે તેવી સ્પષ્ટતા કરી હતી.

કોર્ટ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે કોર્ટના જજ અર્શદ હુસૈને આ મામલે હવે સાતમી ડિસેમ્બરને ટ્રાયલનો દિવેસ નક્કી કર્યો છે. પુરાવા અને મેરિટના આધારે આ સમગ્ર મામલે આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હાફિઝ સઇદની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેને ભારે સુરક્ષા વચ્ચે લાહોરની આ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. હાલ હાફિઝ લોત લખપત જેલમાં કેદ છે.

જોકે જ્યારે કોર્ટકાર્યવાહી ચાલી રહી હતી ત્યારે પત્રકારોને કોર્ટમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનની પંજાબ પોલીસે હાફિઝ સઇદ વિરૂદ્ધ 23 એફઆઇઆર દાખલ કરી છે.

જોકે જે કાર્યવાહી થઇ રહી છે તેમાં મુંબઇ હુમલામાં તેનો જે હાથ છે તેને લઇને કોઇ જ પગલા પાકિસ્તાન નથી લઇ રહ્યું અને મામુલી આરોપો લગાવી માત્ર આકરા પગલા લઇ રહ્યા છીએ તેવા નાટક કરી રહ્યું છે.

પાકિસ્તાન પર અમેરિકાએ આતંકવાદ મુદ્દે દબાણ વધાર્યું છે જેને પગલે પણ પાકિસ્તાન હવે કાર્યવાહી કરી રહ્યું હોવાના આ ડ્રામા કરવા લાગ્યું છે. હાફિઝ સઇદ પર આરોપ છે કે તેણે સમાજ સેવાના નામે સંસ્થાઓ શરૂ કરી અને જમાત ઉદ દાવા સંગઠન બનાવ્યું, જેની મદદથી બાદમાં લાખો રૂપિયાનું દાન એકઠુ કર્યું અને તેનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા કરવા લાગ્યો હતો.

તેના આ સંગઠનો પર પણ પ્રતિબંધ મુકી દેવાયો છે અને તેની સંપત્તિને જપ્ત કરી લેવામાં આવી છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે હાફિઝ સઇદ વિરૂદ્ધ કોર્ટ કાર્યવાહી શરૂ થવા જઇ રહી છે. ભારતને એવી આશા છે કે આ વખતે પાકિસ્તાન અગાઉની જેમ નાટક નહીં કરે અને નક્ક પગલા લઇને હાફિઝને કડક સજા કરશે.

(1:26 pm IST)