Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

ઝારખંડ ચૂંટણી : પ્રથમ ચરણમાં ૬૩ ટકાથી વધુ મતદાન નોંધાયુ

ગુમલામાં નક્સલવાદીઓએ પુલને ફુંકી મારતા દહેશત ફેલાઇ : ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન બાદ ૧૮૯ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા : ઉંચુ મતદાન થયા બાદ ભારે સસ્પેન્સ : હિંસાના કેટલાક બનાવો

રાંચી, તા. ૩૦ : ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે ૧૩ સીટો પર સઘન સુરક્ષા અને હિંસાની દહેશત વચ્ચે ૬૨થી ૬૪ ટકા વચ્ચે મતદાન થયું હતું. પાંચ તબક્કામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે બપોરે ત્રણ વાગે મતદાનની પ્રક્રિયા પુર્ણ થઈ હતી. મતદાન માટે લાઈનમાં રહેલા મતદારોને ત્રણ વાગ્યા બાદ પણ મતદાન કરવાની તક આપવામાં આવી હતી. આજના મતદાની સાથે તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા હતા. ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી વિનય કુમારે કહ્યું હતું કે, ૪૮૯૨ મતદાન મથકો પૈકી ૧૨૬૨ જેટલા મતદાન મથકોએ વેબ કાન્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. હિંસાના છુટાછવાયા બનાવોને બાદ કરતા એકદંરે તમામ જગ્યાએ મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. છ જિલ્લાઓને આવરી લેતા મતદાનના પ્રથમ તબક્કામાં કુલ ૩૭૮૩૦૫૫ મતદારો પૈકી ૬૨.૮૭ ટકાથી વધારે મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

                         તમામ સેલિબ્રિટીઓ દ્વારા પણ મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં હાલના મુખ્યમંત્રી રઘુવર દાસનો સમાવેશ થાય છે. સવારે મતદાન શરૂ થયા બાદથી જ કેટલાક મતદાન મથકો ખાતે લાંબી લાઇન જોવા મળી હતી. જ્યારે કેટલાક મતદાન મથકો પર સવારમાં ઓછા મતદારો પહોંચ્યા હતા. કલાકોના ગાળામાં જ કેટલીક જગ્યાએ ઉંચુ મતદાન થયુ હતુ. બીજી બાજુ ગુમલા જિલ્લામાં નક્સલી હુમલાના કારણે દહેશત ફેલાઇ ગઇ હતી. જાણકારી મુજબ નક્સલીઓએ બિશુનપુરમાં એક બ્રિજને ફુંકી માર્યુ હતુ. જો કે આ ઘટનામાં કોઇને ઇજા થઇ ન હતી. ડેપ્યુટી કમીશ્નર શસી રંજને માહિતી આપતા કહ્યુ હતુ કે હુમલો કરવામાં આવ્યા બાદ મતદાનને લઇને કોઇ અસર કોઇ જગ્યાએ થઇ ન હતી. મતદાન જારી રહ્યુ હતુ. જો કે આ હુમલા બાદ નક્સલીઓની ગતિવિધીને રોકવા માટે તમામ પગલા લેવામાં આવ્યા હતા. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આશરે ૩૭૮૩૦૫૫ મતદારો પૈકી મોટી સંખ્યામાં મતદારો દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ શરૂઆતમાં કર્યો હતો. મતદાન શરૂ થતાની સાથે જ ૧૮૯ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. આ ચૂટણી ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષ બંને માટે ઉપયોગી છે. આ ચૂંટણીના તબક્કામાં મેદાનમાં રહેલા ઉમેદવારો પૈકી આરોગ્ય પ્રધાન રામચન્દ્ર ચન્દ્રવંશી, કોંગ્રેસના પ્રદેશ અઘ્યક્ષ રામેશ્વર ઉરાંવ, પૂર્વ પ્રધાન તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાનુ પ્રતાપ શાહી મેદાનમાં છે.

                         રાજ્યના મુખ્યપ્રધાન રઘુબર દાસે પ્રજાને મતદાનમાં મોટા પાયે સામેલ થવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યુ છે કે દરેક મત પ્રદેશના વિકાસ માટે ઉપયોગી છે. મોટી સંખ્યામાં પોલિગ બુથ પર પહોંચીને મતદાનમાં ભાગ લેવા માટે અપીલ કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં ૧૮૯ ઉમેદવારના ભાવિ મતદાનની સાથે ઈવીએમમાં સીલ થઈ ગયા હતા. કુલ ઉમેદવાર પૈકી ૧૭૪ પુરૂષ ઉમેદવારો અને ૧૫ મહિલા ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા હતા. અગાઉ મતદાન સવારે સાત વાગ્યા શરૂ કરવામાં આવ્યા બાદ બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી. પ્રથમ તબક્કામાં સૌથી વધારે ૨૮ ઉમેદવારો ભવનાથપુર સીટ પરથી નોંધાયા હતા. મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ઝારખંડમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઇ રહી છે. પહેલી નવેમ્બરના દિવસે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. ૮૧ સીટવાળી વિધાનસભા માટે પાંચ તબક્કામાં મતદાન થશે. ૨૩મી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.  પ્રથમ તબક્કામાં આજે મતદાન યોજાયા બાદ સાતમી ડિસેમ્બરના દિવસે બીજા તબક્કામાં, ૧૨મી ડિસેમ્બરના દિવસે ત્રીજા તબક્કામાં, ૧૬મી ડિસેમ્બરે ચોથા તબક્કામાં અને ૨૦મી ડિસેમ્બરના દિવસે પાંચમા તબક્કામાં મતદાન થશે.

                     ઝારખંડમાં વર્તમાન વિધાનસભાની અવધી પાંચ જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે પૂર્ણ થઈ રહી છે. ચૂંટણી પંચ દ્વારા પહેલી નવેમ્બરના દિવસે કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવ્યા બાદ રાજકીય પક્ષોમાં ગતિવિધિ વધી ગઈ હતી. તમામ લોકોનું ધ્યાન હવે ઝારખંડ ઉપર કેન્દ્રીત થઈ ગયુંછે. આજે પ્રથમ તબક્કામાં મતદાન બાદ સાતમી ડિસેમ્બરના દિવસે બીજા તબક્કામાં ૨૦ સીટો પર મતદાન થશે. ૧૨મી ડિસેમ્બરના દિવસે ત્રીજા તબક્કામાં ૧૭ સીટ પર મતદાન થશે. જ્યારે ૧૬મી ડિસેમ્બરના દિવસે ચોથા તબક્કામાં ૧૫ સીટ પર મતદાન થશે. જ્યારે પાંચમા અને અંતિમ તબક્કામાં ૨૦મી ડિસેમ્બરના દિવસે ૧૬ સીટ પર મતદાન થશે. ૨૩મી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ વખત શારીરીક રીતે વિકલાંગ અને સિનિયર સિટીઝન માટે ઘરેથી બેઠા બેઠા પોસ્ટલ બેલેટની સુવિધા ઉભી કરવામાં આવી છે. ૮૧ સભ્યોની ઝારખંડ વિધાનસભામાં  સરકાર બનાવવા માટે કોઈ પાર્ટી અથવા તો ગઠબંધનને ઓછામાં ઓછી ૪૧ સીટો જીતવાની જરૂર રહેશે. શાસક પક્ષ ભાજપ અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન ગઠબંધન સરકારની સામે સરકાર બચાવવાનો પડકાર છે. 

                        છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૩૭ અને તેના સાથી પાર્ટીએ ૫ સીટો જીતી હતી. ત્યારબાદ રઘુવરદાસના નેતૃત્વમાં સરકારની રચના કરવામાં આવી હતી. જેની પાંચ વર્ષની અવધી પૂર્ણ થઈ ચુકી છે. ૨૦૧૪માં વિધાનસભા ચૂંટણીમાં કુલ ૮૧ સીટોમાંથી ભાજપે ૩૭ ઉપર જીત મેળવી હતી. એજેએસયુ દ્વારા પાંચ સીટો જીતવામાં આવી હતી. ઝારખંડ મુક્તિ મોરચાની ૧૯ સીટો હતી. બાબુલાલ મારન્ડીના ઝારખંડ વિકાસ મોરચાએ આઠ સીટો જીતી હતી. મોડેથી તેના છ સભ્યો ભાજપામાં સામેલ થઈ ગયા હતા. કોંગ્રેસે સાત સીટો જીતી હતી. જ્યારે અન્યોના ખાતામાં છ સીટો ગઈ હતી.  પોલિગ સ્ટેશનોમાં ૨૦ ટકાનો વધારો થયો છે. ઝારખંડમાં મતદાર યાદીમાં કુલ ૨.૨૬૫ કરોડ મતદારો છે. ૧૨મી ઓક્ટોબરના દિવસે અંતિમ મતદાર યાદી જારી કરવામાં આવી હતી. રાજ્યના ૧૯ જિલ્લાઓમાં ૬૭ સીટો નક્સલવાદી ગ્રસ્ત છે. ૧૯ જિલ્લા સંવેદનશીલ છે. જેમાંથી ૧૩ જિલ્લા અતિસંવેદનશીલ છે.

પ્રથમ ચરણનું ચિત્ર.....

ઝારખંડમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન પૂર્ણ થયું હતું. પ્રથમ તબક્કાનું ચિત્ર નીચે મુજબ છે.

પ્રથમ તબક્કામાં સીટો...................................... ૧૩

પ્રથમ તબક્કામાં જિલ્લા................................... ૦૬

મતદાન થયું......................................... ૬૨થી ૬૫

મતદાન મથકોની સંખ્યા............................ ૪૮.૯૨

વેબ કાસ્ટિંગ સુવિધા................................... ૧૨.૬૨

મહિલા ઉમેદવારોના ભાવિ સીલ....................... ૧૫

કુલ ઉમેદવારોના ભાવિ સીલ......................... ૧૭૯

(10:52 am IST)