Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

વડોદરા, હૈદરાબાદ અને હવે કોઇમ્બતૂરમાં ગેંગ રેપ: મિત્રની નજર સામે છ નરાધમોએ સગીરાને પીંખી: વીડિયો ઉતાર્યો

અવાવરી જગ્યાએ લઈ જઈ નરાધમોએ વારફરતી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યુ

કોઈમ્બતૂર : વડોદરા,હૈદરાબાદ  અને રાંચી અને હવે દક્ષિણ ભારતના કોઈમ્બતૂરમાં સામુહિક બળાત્કારની ઘટના બની છે અહીં 17 વર્ષની સગીરાને હવસોખોરોએ પીંખી નાખી છે. સગીરા સાથે છ નરાધમોએ તેના મિત્રની સામે જ દુષ્કર્મ ગુજારી અને તેનો વીડિયો તૈયાર કર્યો છે. પોલીસના મતે આ મામલે ચારની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના 26મી નવેમ્બરે રાત્રીની ઘટના હોવાના અહેવાલો છે.
  પોલીસના જણાવ્યા મુજબ કોઈમ્બતૂરના ઈશ્વરયા નગરમાં એક પાર્કમાંથી રાત્રે આઠ વાગ્યે ધોરણ 12માં અભ્યાસ કરતી એક છોકરી પોતાના મિત્ર સાથે બહાર આવી રહી હતી. આ દરમિયાન છ લોકોએ તેનો રસ્તો રોકી લીધો હતો. ત્યારબાજ તેમણે આ છોકરીના 19 વર્ષના મિત્રને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ છોકરા અને છોકરીને પાર્કમાંથી એક સુમસામ જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. અવાવરી જગ્યાએ લઈ જઈ નરાધમોએ વારફરતી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ દરમિયાન તેમણે દુષ્કર્મનો વીડિયો પણ તૈયાર કર્યો હતો. હવસખોરોએ છોકરાને પણ આ તકે નગ્ન કર્યો હતો અને તેનો પણ વીડિયો તૈયાર કર્યો હતો. સગીરાએ ઘરે જઈને પોતાની માતાને સમગ્ર હકિકત વર્ણવતા ભાંડો ફૂટ્યો હતો.
  પોલીસે આરોપીઓ પર પૉક્સો અને IPCની 354 કલમ તેમજ 506(II) અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. તપાસ દરમિયાન ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરએસપુરમ પોલિસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાઈ છે. ઓરોપીઓની ઉંમર 21 વર્ષથી 30 વર્ષની વચ્ચેની છે. ધરપકડ બાદ આરોપીઓને મહિલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમને ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસને જે બે આરોપીઓને હજુ શોધ છે તે મુખ્ય આરોપીઓ હોવાની ચર્ચા છે.

(12:00 am IST)