Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

આંગણવાડીઓનો વહીવટ આંગળીના ટેરવેઃ ૫૩૦૦૦ બહેનોને સ્માર્ટ ફોન અપાશે

કુલ ૫૦ કરોડનો ખર્ચ, ૬૦ ટકા કેન્દ્રના, ૪૦ ટકા રાજ્યનાઃ ફોનમાં બાળ વિકાસને લગતી સૂચના-માહિતી ગુજરાતી ભાષામાં

રાજકોટ, તા. ૧ :. રાજ્ય સરકાર હસ્તકની ૫૩ હજાર જેટલી આંગણવાડીઓના સંચાલિકા બહેનોને સરકારે ઓન લાઈન વહીવટના ભાગરૂપે સ્માર્ટ ફોન આપવાનું નક્કી કર્યુ છે. સરકાર દ્વારા વહીવટી કામગીરી માટે આટલા મોટા પ્રમાણમાં સીમ કાર્ડ સાથે અદ્યતન સ્માર્ટ ફોન અપાતા હોય તેવો પ્રથમ પ્રસંગ છે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આંગણવાડીઓના વહીવટ માટે ખાસ પ્રકારનો સોફટવેર તૈયાર કરવામાં આવ્યો છે. જેના દ્વારા સ્માર્ટ ફોન ધારક મહિલાને ગુજરાતી ભાષામાં તેની કામગીરીની માહિતી અને સૂચના અપાશે. સંચાલિકા બહેનો - બાળકોની હાજરી સહિતની કામગીરી ફોન દ્વારા જ કરી શકશે. રસીકરણની નોંધ ફોન દ્વારા જ થઈ જશે. સમયાંતરે આગળની કામગીરી માટે ફોન દ્વારા જ એલર્ટ મેસેજ પણ મળશે. વોઈસ મેસેજની પણ સુવિધા હશે. અનલીમીટેડ ફ્રી કોલીંગની સુવિધા માટે સરકારે કંપની સાથે કરાર કર્યો છે. બાળકોના પોષણ અને વિકાસલક્ષી કામગીરીમાં સ્માર્ટ ફોન બહુ ઉપયોગી બનશે.સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય પોષણ અભિયાનની યોજના અંતર્ગત સ્માર્ટ ફોન અપાશે. એક ફોનની સરેરાશ કિંમત રૂ. ૧૦ થી ૧૨ હજાર થશે. કુલ ૫૦ કરોડ જેટલો ખર્ચ થસે. જેમાંથી ૬૦ ટકા રકમ કેન્દ્ર સરકાર અને ૪૦ ટકા રકમ રાજ્ય સરકાર ભોગવશે. જાન્યુઆરી ૨૦૧૯માં સ્માર્ટ ફોન વિતરણનો પ્રારંભ કરવામાં આવશે. મોબાઈલ ફોન અપાયા બાદ લાભાર્થી બહેનોને તેના ઉપયોગ માટેની તાલીમ અપાશે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સંલગ્ન તમામ આંગણવાડીઓનો વહીવટ આવતા દિવસોમાં આંગળીના ટેરવે થઈ જશે.(૨-૧૪)

 

(3:35 pm IST)