Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

લોનની જેટલી ડિમાન્ડ છે તેની સામે બેન્કોમા રૂપિયાનો ઇન-ફલો ન હોવાથી એફડીના વ્યાજમા વધારો થવાની સંભાવના

મુંબઈ: બેંકો છેલ્લા કેટલાક સમયથી એફડી પરના વ્યાજ દર વધારી રહી છે, અને આ ટ્રેન્ડ આગામી સમયમાં પણ જળવાઈ રહે તેવી પૂરી શક્યતા છે. હાલ સ્થિતિ એ છે કે, લોનની જેટલી ડિમાન્ડ છે, તેની સામે બેંકોમાં રુપિયાનો ઈન-ફ્લો નથી. લોકો બેંકમાં વધુ પૈસા રોકતા થાય તે માટે બેંકો પાસે વ્યાજના દર વધાર્યા સિવાય છૂટકો નથી.

હાલનો ક્રેડિટ ટુ ડિપોઝિટ રેશિયો (બેંકોમાં થતી એફડી અને તેની સામે બેંકો દ્વારા અપાતી લોન) 9 નવેમ્બરના આંકડા અનુસાર, 122 ટકા જેટલો ઉંચો છે, જે અગાઉના વર્ષમાં આ જ ગાળામાં 90 ટકા હતો. આ સ્થિતિમાં લોન આપવા માટે ભંડોળમાં પડતી ઘટને પૂરી કરવા માટે બેંકોએ વધુ વ્યાજ આપવું જ પડે તેમ છે.

અત્યારની સ્થિતિમાં બેંકોમાં જમા થતા દર 100 રુપિયાની સામે બેંકો 122 રુપિયાની લોન આપી રહી છે. એક વર્ષ પહેલા બેંકોમાં ડિપોઝિટ રેશિયો 100 ટકા હતો, જે ઘટીને હવે 31 ટકા થયો છે. જો આ જ સ્થિતિ ચાલુ રહી તો બેંકો માટે ડિપોઝિટ મેળવવી વધુ અઘરી બનશે, અને તેને વધારવાનો એકમાત્ર ઉપાય વ્યાજના દર વધારવાનો છે.

દેશની અનેક મોટી બેંકોએ તેની શરુઆત પણ કરી દીધી છે. એસબીઆઈએ પણ હાલમાં જ એક તેમજ બે વર્ષની ટર્મ ડિપોઝિટના વ્યાજ દર વધાર્યા છે. એચડીએફસી પણ તેમાં વધારો કરી ચૂકી છે. છેલ્લા છ મહિનામાં એફડી પર મળતા વ્યાજમાં 0.75 થી 1 ટકાનો વધારો થયો છે. એફડીમાં વધારો કરવાથી MCLR પણ વધ્યો છે, જેના કારણે લોનના વ્યાજ પણ વધી ગયા છે.

આરબીઆઈના નિયમ અનુસાર, બેંકોએ પોતાની પાસે રહેલી રોકડનો ચાર ટકા હિસ્સો ફરજિયાતપણે આરબીઆઈમાં રાખવો પડે છે. એટલું જ નહીં, તેને 19.5 ટકા રોકડ સરકારી બોંડમાં ઈન્વેસ્ટ કરવી પડે છે. જેનો અર્થ એ થયો કે બેંકને મળતી 100 રુપિયાની ડિપોઝિટમાંથી તે 76.5 રુપિયા જ લોન તરીકે આપી શકે છે.

(12:00 am IST)