Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ગુજરાતમાં જઇ મોટી વાત કરનારના સુપડા સાફ થયા

સ્થાનિક ચૂંટણીમાં જીત બાદ યોગીની પ્રતિક્રિયાઃ મોટી જીતથી ભાજપ પર જવાબદારી વધી છે : ૧૪ નગર નિગમ, ૧૦૦ નગરપાલિકા અને ૪૦૦૦ વોર્ડમાં વિજય

લખનૌ, તા.૧, ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત થયા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ પાર્ટી ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. જીત બાદ આયોજિત પત્રકાર પરિષદમાં બોલતા યોગીએ કહ્યું હુતં કે, જે લોકો ગુજરાતના સંદર્ભમાં મોટી મોટી વાતો કરી રહ્યા છે તે પોતાના ખાતા જ પોતાના ગઢમાં ખોલી શક્યા નથી. યોગીએ કહ્યું હતું કે, આ જીતથી ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં જીતનો માર્ગ મોકળો થઇ ગયો છે. યોગીએ સ્થાનિક ચૂંટણીની જીત માટે ક્રેડિટ પ્રજા અને મોદી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને આપી હતી. યોગીએ પરોક્ષરીતે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં જઇને મોટી મોટી વાતો કરનાર લોકો માટે આ જીત આંખો ખોલનાર છે. અમેઠીમાં તેમના સુપડા સાફ થઇ ગયા છે. તેમણે ઉમેર્યું હતું કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ ૧૦૦ ટકા પરિણામ હાસલ કરવાની દિશામાં આગળ વધી ગયો છે. યોગીએ કહ્યું હતું કે, આ મોટી જીતથી ભાજપ ઉપર વધુ મોટી જવાબદારી આવી ગઇ છે. અમને સ્થાનિક સંસ્થાઓને મજબૂત કરવાની જવાબદારી મળી છે. છેલ્લા આઠ મહિનાના ગાળા દરમિયાન રાજ્ય સરકારે જે કામગીરી કરી છે તેના પરિણામ સ્વરુપે આ જીત મેળી છે. જીત માટે મોદીની વિકાસ નીતિને જવાબદાર ઠેરાવતા કહ્યું હતું કે, તેમના વિઝન અને કેન્દ્ર-રાજ્યની નીતિઓના કારણે જીત મળી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર પાંડેએ કહ્યું હતું કે, ૨૦૧૨ની સ્થાનિક ચૂંટણીમાં ભાજપને ૧૦ નગર નિગમમાં જીત મળી હતી. આ વખતે ૧૪માં જીત મળી છે. ૨૦૧૨માં ૧૪ નગરપાલિકાઓ જીતી હતી. આ વખતે ૧૦૦માં જીત મળી છે. ૭૦૦૦ વોર્ડમાંથી ૪૦૦૦ વોર્ડમાં જીત મળી છે.

મથુરામાં વોર્ડ ૫૬ની સીટ પર મેચ ડ્રો રહેતા રોમાંચ

લકી ડ્રોથી ભાજપની જીત થઇ

લખનૌ, તા. ૧,  ઉત્તર પ્રદેશ સ્થાનિક ચૂંટણીમાં રોમાંચક ટક્કર મથુરામાં વોર્ડ નંબર ૫૬માં જોવા મળી હતી. મેચ ડ્રો થયા બાદ લકી ડ્રોથી ભાજપની જીત થઇ હતી. આ સીટ પર બે પાર્ટીઓ વચ્ચે મેચ ડ્રો રહી હતી. સ્થાનિક ચૂંટણી માટે મત ગણતરીમાં રોચક ટક્કર જોવા મળી હતી. મથુરા વોર્ડના ૫૬માં બંને વચ્ચે બરાબરીની ટક્કર જોવા મળી હતી. મથુરામાં વોર્ડ નંબર ૫૬માં ભાજપ અને કોંગ્રેસ બંનેને ૮૭૪ મત મળ્યા હતા પરંતુ ત્યારબાદ લકી ડ્રોથી પરિણામ જાહેર કરાતા ભાજપના ઉમેદવાર મીરા અગ્રવાલની જીત થઇ હતી.

 

(10:04 pm IST)