Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

સેંસેક્સ ૩૧૬ પોઇન્ટ ઘટીને ૩૨૮૩૨ની નીચી સપાટીએ

નિફ્ટી ૧૦૪ પોઇન્ટ ઘટી ૧૦૧૨૧ની સપાટીએ : સતત ત્રીજા કારોબારી સેશનમાં તીવ્ર વેચવાલીનું દબાણ જીડીપીના આંકડા આશાસ્પદ રહ્યા હોચવા છતાં નિરાશા

મુંબઇ,તા. ૧ : શેરબજારમાં આજે સતત ત્રીજુ દિવસે મંદીનું મોજુ રહ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટી ઘટીને નીચી સપાટી પર પહોંચી ગયા હતા. સેંસેક્સ આજે વધુ ૩૧૬ પોઇન્ટ ઘટીને ૩૨૮૩૨ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટીમાં ૧૦૪ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૦૧૨૧ નોંધાઈ હતી. બીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જારી કરવામાં આવ્યા બાદ ગુલાબી ચિત્ર રહેવાની અપેક્ષા હતી પરંતુ શેરબજારમાં તેની કોઇ અસર જોવા મળી નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હવે તમામ આંકડાઓ ઉપર ધ્યાન આપવામાં આવનાર છે. ગુરુવારના દિવસે જારી કરવામાં આવેલા ડેટામાં જીડીપીનો આંકડો જુલાઈ-સપ્ટેમ્બરમાં ૬.૩ ટકા થયો હતો. આ આંકડા આવ્યા બાદ અર્થતંત્રમાં તેજીના સંકેત મળ્યા હતા. જો કે, આજે તેની અસર બજાર ઉપર દેખાઈ ન હતી.  ગઇકાલે ગુરુવારના દિવસે સેંસેક્સ ૪૫૩ પોઇન્ટ ઘટીને ૩૩૧૪૯ની નીચી સપાટી પર પહોંચી જતા કારોબારીઓમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ હતુ. શેરબજારમાં હાલના સમયનો સૌથી મોટો કડાકો ગઇકાલે બોલી ગયો હતો.  સેંસેક્સ અને નિફ્ટી આજે સતત બીજા દિવસે કડડભુસ થયા હતા. હાલમાં મૂડીએ દેશના રેટિંગમાં ૧૩ વર્ષના ગાળા દરમિયાન સુધારો કર્યો હતો.  એસ એન્ડ પી સંસ્થાએ પણ ભારતની રેટિંગને સ્થિર રાખીને સ્થિરઆઉટલુંકનુ ચિત્ર રજૂ કર્યું હતું. બેંચમાર્ક ઇન્ડેક્સમાં ભારે ઉથલપાથલની અસર વેચવાલી ઉપર રહી હતી. સતત ત્રીજા કારોબારી સેશનમાં તીવ્ર વેચવાલીનું મોજુ રહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી સપ્તાહમાં આરબીઆઈની પોલીસ સમીક્ષા જારી કરવામાં આવનાર છે. બીજી બાજુ યુએસ ફેડની મિટિંગ પણ ડિસેમ્બરમાં યોજાનાર છે. ગુરુવારના દિવસે બજારના કારોબાર બાદ ભારતનો જીડીપી ગ્રોથ રેટ બીજા ત્રિમાસિક ગાળા જુલાઈ-સપ્ટેમ્બરમાં ૬.૩ ટકા રહ્યો છે. નાણામંત્રી અરુણ જેટલીએ આજે દાવો કરતા કહ્યું હતું કે, નોટબંધી અને જીએસટીની અસરથી છવાયેલી અર્થવ્યવસ્થામાં મંદી હવે દૂર થઇ ચુકી છે અને તેજીની શરૂઆત થઇ છે. સરકાર તરફથી ગઇકાલે જીડીપી ગ્રોથના આંકડા જારી કરવામાં આવ્યા હતા. ઇકોનોમીક ગ્રોથના નવા આંકડા દેશ માટે સારા સમાચાર તરીકે છે. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં ગ્રોથ રેટ ૫.૭ ટકા સુધી ઘટી ગયો હતો. આની સાથે જ ત્રણ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો હતો. છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળાથી ગ્રોથ રેટમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ હવે ફરી એકવાર વધારો થયો છે. અર્થવ્યવસ્થામાં ગતિ જોવા મળી રહી છે. બિઝનેસ વધવાના સંકેત મળી રહ્યા છે. જીવીએ છેલ્લા ત્રિમાસિક ગાળામાં ૫.૬ ટકાથી વધીને ૬.૧ ટકા થયો છે. જીડીપી આંકડામાં સુધારો થતાં એવું લાગી રહ્યું છે કે, તમામ મંદીની અસર ખતમ થઇ છે. રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે પણ કહ્યું છે કે, તેજીના સંકેત મળી રહ્યા છે. મે મહિનામાં જીડીપી ગ્રોથ રેટ ૯.૨, જુન ૭.૯ ટકા, સપ્ટેમ્બર ૨૦૧૬માં ૭.૫ ટકાનો દર હતો જ્યારે માર્ચ ૨૦૧૭માં ૬.૧ ટકા, જૂનમાં ૫.૭ ટકા અને સપ્ટેમ્બરમાં ૬.૩ ટકાનો દર રહ્યો હતો.

 

(7:49 pm IST)