Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

યુપીની સ્થાનિક ચૂંટણીઓમાં યોગીનો જાદુ છવાયોઃ અમેઠીમાં રાહુલને ફટકોઃ કોંગ્રેસ પાછળ

૧૬ મ્યુ.કોર્પો, ૧૯૮ નગરપાલિકા પરિષદ, ૪૩૮ નગર પંચાયતોની ૩ તબક્કે યોજાયેલી ચૂંટણીમાં ભગવો લહેરાયોઃ ૧૬માંથી ૧૩ શહેરોમાં મેયર પદ ભાજપનેઃ ભાજપને બસપા તરફથી મળી આકરી ટક્કર આ ચૂંટણીને ૭ મહિના જુની યોગી સરકારના પરર્ફોમન્સના રેફરેન્ડમ તરીકે જોવાઇ છેઃ ગુજરાતની ચૂંટણી પહેલા ભાજપને મળ્યા સારા સમાચાર

લખનૌ તા.૧ : ઉતર પ્રદેશમાં ૧૬ મ્યુ.કોર્પો, ૧૯૮ નગરપાલિકા પરિષદ અને ૪૩૮ નગર પંચાયતોમાં ૩ તબક્કે યોજાયેલી ચૂંટણીના ટ્રેન્ડ મળી રહ્યા છે. ૭પ જીલ્લાના ૩૩૪ કેન્દ્રો ઉપર કાઉન્ટીંગ ચાલી રહ્યુ છે જેમાં આ લખાય છે ત્યારે મળેલા ટ્રેન્ડ અનુસાર યુપીમાં યોગીનો જાદુ ફરી એક વખત ચાલ્યો છે અને ભાજપનું વાવાઝોડુ ફુંકાયુ છે. જો કે ભાજપને અનેક બેઠકો ઉપર બસપા તરફથી ભારે ટક્કર મળી રહી છે. આ લખાય છે ત્યારે બપોરે ર વાગ્યે ૬પરમાંથી ૬૩૭ બેઠકોના ટ્રેન્ડ મળ્યા છે જેમાં ભાજપ ૩૨૭, સપા ૮૧, બસપા ૧૧૨, કોંગ્રેસ ૨૧ અને અન્યો ૯૬ બેઠક પર આગળ છે. ૧૬માંથી ૧૩ મેયર બેઠકો ઉપર ભાજપ આગળ હોવાનુ જાણવા મળે છે. જયારે ૩ બેઠક ઉપર બસપા આગળ છે. મેયર પદની ચૂંટણીમાં ગયા વર્ષે સત્તામાં રહેલ સપા સાથે કોંગ્રેસ મુકાબલાની બહાર છે. આ ચૂંટણીમાં મહત્વની વાત એ છે કે અમેઠી કે જે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સંસદીય બેઠક છે ત્યાં કોંગ્રેસના વહાણ ડુબી ગયા છે. મળેલા ટ્રેન્ડ મુજબ અમેઠીની ગૌરીગંજ નગરપાલિકા બેઠક ઉપરથી સપા આગળ છે જયારે જાયસમાં ભાજપ આગળ છે. જો આ ટ્રેન્ડ પરિણામમાં બદલાય તો રાહુલને ફટકો પડશે. અત્રે એ નોંધનીય છે કે ર૦૧૪થી ભાજપ અમેઠીમાં પગપેસારો કરવા માંગે છે તેથી જ ભાજપે કદાવર ઉમેદવાર સ્મૃતિ ઇરાનીને મેદાનમાં ઉતાર્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં અમેઠીની ચારમાંથી ત્રણ બેઠકો ભાજપે જીતી હતી.

રાજકીય જાણકારોનું માનીએ તો કોંગ્રેસ માટે આ પરિણામો ચોંકાવનારા છે કારણ કે ર૦૦૯ અને ર૦૧૪ની લોકસભાની ચૂંટણીની સરખામણી કરવામાં આવે તો કોંગ્રેસના હાથમાંથી અમેઠીની વોટ બેંક ખસી રહી છે. ર૦૧૪માં રાહુલને ર૦૦૯ કરતા રપ ટકા ઓછા મત મળ્યા હતા.

આગ્રા, અલ્હાબાદ, લખનૌ, મુરાદાબાદ, કાનપુર, ગાઝીયાબાદ, સરાહનપુર, ગોરખપુરમાં ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. ૬૫૨ અર્બન લોકલ બોડી માટે આજે સવારે મત ગણતરી શરૂ થઇ હતી જેમાં સત્તારૂઢ ભાજપને શરૂઆતથી જ સરસાઇ મળી હતી. ભાજપના મેયર પદના ઉમેદવારો મેરઠ, સરાહનપુર, લખનૌ, ગાઝીયાબાદ અને ગોરખપુરમાં આગળ ચાલી રહ્યા છે. આમ ૧૩માં ભાજપ આગળ છે જયારે એક પર સપા અને બેમાં બસપા આગળ છે.

ગોરખપુરના મેયરની ચૂંટણીમાં અત્યાર સુધી ૮૦,૦૦૦ મતોની ગણતરીમાં ભાજપના ઉમેદવાર જયસ્વાલ સપાના હરીફ કરતા ર૧૦૦૦ મતે આગળ છે. ફૈજાબાદમાં ભાજપના ઋષિકેશ ઉપાધ્યાય મેયર બન્યા છે. અલીગઢમાં બસપાએ વિજય મેળવ્યો છે. બસપાના ઉમેદવાર સપાના ગઢ ગણાતા ફિરોઝાબાદમાં આગળ છે. આગ્રામાં બસપાના ઉમેદવારે ભાજપના મેયર પદના ઉમેદવાર ઉપર સરસાઇ મેળવી લીધી છે.

 આ ઉપરાંત ફિરોઝાબાદ, અલીગઢ, આગ્રા અને ઝાંસીમાં પણ ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. આ ચૂંટણીને ૭ મહિના જુની યોગી આદિત્યનાથ સરકારની કામગીરીના રેફરેન્ડમ તરીકે ગણાવાઇ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આ ચૂંટણીના પરિણામો ભાજપ માટે મહત્વના બની શકે છે કારણ કે કોંગ્રેસ અને ભાજપ ગુજરાતમાં મેદાનમાં છે. આ ચૂંટણી યોગી માટે અગ્નિપરીક્ષા સમાન હતી જેમાં તેઓ પાસ થયા છે.

ત્રણ તબક્કે રર નવેમ્બર, ર૬ નવેમ્બર અને ર૯ નવેમ્બરે ચૂંટણી યોજાઇ હતી. આજે સવારે ૮ વાગ્યે મત ગણતરી શરૂ થઇ હતી. યુપીમાં આ વખતે ૬પ૩ બેઠકોના ૧ર૦૦૭ વોર્ડોમાં ચૂંટણી યોજાઇ હતી. મેયરની ૧૬ બેઠક, પાલિકા પરિષદના ચેરમેનની ૧૯૮, નગર પંચાયતની ૪૩૮ બેઠકો માટે મત ગણતરી ચાલી રહી છે. કુલ પર.પ ટકા મતદાન થયુ હતુ. એકઝીટ પોલમાં પણ ભાજપનું કમળ ખીલશે તેવુ જાહેર કરવામાં આવ્યુ હતુ.

યુપી

કુલ બેઠકો

૬૫૨

ટ્રેન્ડ

૬૩૭

ભાજપ

૩૨૭

સપા

૮૧

બસપા

૧૧૨

કોંગ્રેસ

૨૧

અન્ય

૯૬

(2:47 pm IST)