Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ઘરના જ ઘાતકી

રાહુલને સોમનાથ મંદિરમાં બિન હિન્દુ તરીકે ચિતરવા પાછળ કોંગ્રેસના જ એક નેતાનો હાથ હોવાનો ધડાકો

કોંગ્રેસે પોતાના જ ઘરના માણસની ઓળખ કરી લીધીઃ ટુંક સમયમાં થશે હકાલપટ્ટી

નવી દિલ્હી તા.૧ : સોમનાથ મંદિરમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ બિન હિન્દુ રજીસ્ટરમાં નોંધવામાં આવ્યુ તેની પાછળ કોંગ્રેસની અંદરનું જ કોઇ વ્યકિત હોય તેવી આશંકા ઉભી થઇ છે. પક્ષના નેતાઓ એક એવા વ્યકિતને આ વિવાદની પાછળ માની રહ્યા છે કે જેઓ ભાજપમાં જવા માટે વાતચીત કરી રહ્યા છે અને રાહુલના ધર્મના વિવાદ થકી ભાજપના નેતાઓની નજરમાં ઉંચે જવા માંગે છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વિવાદનું સમગ્ર ઠીકરૂ મીડીયા કો-ઓર્ડીનેટર મનોજ ત્યાગી ઉપર ફોડવાનુ યોગ્ય નહી રહે. કહેવાય છે કે બિન હિન્દુ રજીસ્ટરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ સાથે રાહુલનું નામ ત્યાગીએ જ લખ્યુ હતુ. સુત્રોએ જણાવ્યુ છે કે એ બાબતની પુરેપુરી સંભાવના છે કે પક્ષની અંદરથી જ કોઇએ રજીસ્ટરમાં હસ્તાક્ષરને કથિત રીતે લીક કર્યા છે.

કોંગ્રેસના એક ટોચના નેતાએ કહ્યુ છે કે અમને ખબર છે કે આ શા માટે કરવામાં આવ્યુ છે અને તેની પાછળ કોણ છે. સોમનાથ મંદિરમાં રાહુલની યાત્રાને નુકસાન પહોંચાડવા માટે આવુ કરવામાં આવ્યુ હતુ. પક્ષમાં રાહુલના વિરોધીઓને આમા સફળતા મળી છે. સુત્રોએ જણાવ્યુ છે કે પક્ષના ટોચના નેતાઓને ઘરની અંદર જ આ શંકાસ્પદ વ્યકિતની ઓળખ મળી ચુકી છે. આ શખ્સએ ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે એક વખત બેઠક પણ યોજી લીધી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ નેતાને કોંગ્રેસમાંથી ટુંક સમયમાં કાઢી મુકવામાં આવશે. (૩-૪)

 

(11:37 am IST)