Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

બબ્બે અરજી નામંજુર થઇ છતાં હાર્દિક પટેલની સભા યોજાઇ ગઇઃ ગુનો નોંધાયો

કોંગ્રેસના કાર્યકર તુષાર નંદાણીએ દિવાળી પછીના પાટીદાર સમાજના ભાઇઓ-બહેનોના સ્નેહમિલન માટેની સભાની અરજી માંગી હતીઃ બાદમાં હાર્દિક પટેલ સહિતના ઉદ્દબોધન કરશે તેવી અરજી કરી હતીઃ પોલીસના સ્પષ્ટ અભિપ્રાયથી આ અરજીઓ નામંજુર થઇ હતીઃ સાચો હેતુ છુપાવી પાસ આગેવાન હાર્દિક પટેલને બોલાવી ગેરકાયદે મંડળી રચી મહાક્રાંતિના બેનર હેઠળ રાજકીય કાર્યક્રમ યોજી નાંખી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામાનો ભંગ કરાયોનો ફરિયાદમાં ઉલ્લેખઃ માલવીયાનગર પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧: નાના મવા સર્કલ પાસે પરમ દિવસે સાંજે હાર્દિક પટેલનું મહાક્રાંતિ સંમેલન યોજાયું હતું. જેમાં સાડાતેર થી ચોૈદ હજાર સુધીની માનવ મેદની હાજર રહ્યાનો આઇબીનો રિપોર્ટ હતો. મંજુરી વગર સભા-સંમેલન યોજવા મામલે હાર્દિક પટેલ સહિતના સામે ગુનો દાખલ થયો છે. વોર્ડ નં. ૮-૯-૧૦માં રહેતાં પાટીદાર ભાઇઓ-બહેનોનું દિવાળી તહેવાર પછીનું સ્નેહમિલન-સભા રાખવાના નામે અને તેમાં સમાજના આગેવાનો સંબોધન કરશે તેવી અરજી ચૂંટણી અધિકારી સમક્ષ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં મહાક્રાંતિના  બેનર હેઠળ મંજુરી વગર ગેરકાયદેસર રીતે મંડળી રચી સભા યોજી રાજકોટ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યાનો ગુનો નોંધાયો છે.

રાજકોટ (પશ્ચિમ)-૬૯ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને  પ્રાંત અધિકારી પી.આર. જાનીની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે કુવાડવા રોડ પર સરદાર પટેલ કોલોનીમાં રહેતાં કોંગ્રેસ કાર્યકર તુષાર ગોવિંદભાઇ નંદાણી, હાર્દિક પટેલ તથા અન્ય આગેવાનો સામે આઇપીસી ૧૪૩, ૧૮૮ મુજબ ગુનો નોંધ્યો છે.

શ્રી જાનીએ ફરિયાદમાં જણાવ્યું છે કે ૧૯/૧૧ના અરજદાર તુષાર નંદાણીએ સભાની મંજુરી આપવા બાબતે અમોને અરજી કરી હતી. જેમાં નાના મવા સર્કલ્ પાસે આરએમસીના પ્લોટમાં ૨૯/૧૧ના સાંજે ૫:૦૦ કલાકે અંદાજી ૫૦૦૦ વ્યકિતઓની સભાની મંજુરી માંગી હતી. આ સભાનો આશય પાટીદાર સમાજના વોર્ડ નં. ૮, ૯, ૧૦માં રહેતાં ભાઇઓ-બહેનોનું દિવાળીના તહેવાર પછીનું સ્નેહમિલન-સભા રાખી સમાજના આગેવાનો સંબોધન કરે તેવો હતો. અમોએ આ અરજી પરથી મંજુરીઆપી હતી.

ત્યારબાદ માલવીયાનગરના પી.આઇ. શ્રી ચંદ્રાવાડીયાએ અમોને ૨૬/૧૧ના જાણ કરી હતી. કે ઉપરોકત સભાની આપે જે મંજુરી આપી છે એ જ સ્થળ ઉપર એ જ તારીખ અને સમયે પાટીદાર અનામત આંદોલન સમિતીના બેનર હેઠળ મહાક્રાંતિ સમંેલનનું આયોજન કરાયુ હોવાની માહિતી મળી છે. જે હેતુથી સભાની મંજુરી માંગવામાં આવી છે તે હેતુ છુપાવી અન્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવવાનું છે. આ અંગેનો વિગતવારનો રિપોર્ટ પોલીસ તરફથી અમને મળ્યો હતો. જેથી અમે સભાની મંજુરીની અરજી નામંજુર કરી હતી. જે અંગે અરજદારને લેખિતમાં જાણ પણ કરી દીધી હતી.

પી.આર. જાનીએ ફરિયાદમાં વિશેષમાં જણાવ્યું છે કે અરજી નામંજુર કરાયા બાદ તુષાર નંદાણીએ ફરીથી ૨૬/૧૧ના રોજ હાર્દિક પટેલ સભામાં ઉદ્દબોધન કરશે અને પાટીદાર સમાજના અન્ય આગેવાનો પણ ઉદ્દબોધન કરશે તેવી સભાની મંજુરી મળવા ફરીથી અરજી કરી હતી. જે અનુસંધાને અમોએ માલવીયાનગર પોલીસ સ્ટેશનનના ઇન્ચાર્જ પાસે સભાની મંજુરી આપવા બાબતેનો અને કાયદો વ્યવસ્થા તથા આચારસંહિતાના અમલીકરણ અંગેની તમામ બાબતો લક્ષ્યમાં લઇ સ્પષ્ટ અભિપ્રાય આપવા લેખિત યાદી કરી હતી. યાદીના અનુસંધાને માલવીયાનગર પોલીસ સ્ટેશનના પી.આઇ.શ્રીએ અરજદારે કરેલી અરજીને મંજુરી ન આપવા બાબતનો વિગતવાર અભિપ્રાય આપ્યો હતો. જેને ધ્યાને લઇ અમે સ્નેહમિલન-સભાની બીજી અરજી પણ નામંજુર કરી હતી.

આમ છતાં અરજદાર તુષાર નંદાણીએ ૨૯મીએ સાંજે પાંચ વાગ્યે નાના મવા સર્કલ પાસે આરએમસીના પ્લોટમાં પાટીદાર અનામત આંદોલન સમિતીના બેનર હેઠળ મહાક્રાંતિના નામથી કાર્યક્રમ શરૂ કરી દીધો હતો. આયોજકે પાસના આગેવાન હાર્દિક પટેલ (જેને હું ફોટાથીઓળખું છે તેને) તથા અન્ય આગેવાનોને બોલાવી કાર્યક્રમ યોજ્યો હતો. આ બધાએ વકતવ્યો-ભાષણો પણ આપ્યા હતાં. અરજદારની અરજીનો હેતુ પાટીદાર સમાજના સ્નેહમિલનનો હતો. પરંતુ હકિકતમાં આ કાર્યક્રમ રાજકિય રીતે યોજ્યો હતો. મંજુરી ન હોવા છતાં વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કરી રાજકીય કાર્યક્રમ યોજ્યો હતો.  અરજદાર સહિતે ગેરકાયદેસર મંડળી રચી  મંજુરી વગર સભા યોજી ફોજદારી કાર્યરીતી અધિનીયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ અન્વયે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરીના જાહેરનામાનો ભંગ કર્યો છે. તેમ ફરિયાદમાં જણાવાતાં આઇપીસી ૧૪૩, ૧૮૮ મુજબ ગુનો નોંધાયો છે. પી.આઇ. એમ.ડી. ચંદ્રાવાડીયાએ તપાસ શરૂ કરી છે.

હાર્દિક પટેલની વિડીયો સીડીના આધારે તપાસ થશેઃ પી.આઇ. એમ. ડી. ચંદ્રાવાડીયા

રાજકોટ તા.૧: હાર્દિક પટેલ સહિતના સામે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામા ભંગ સબબ ગુનો નોંધાતાં માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી છે. પી.આઇ. એમ. ડી. ચંદ્રાવાડીયાએ જણાવ્યું હતું કે બબ્બે અરજીઓને નામંજુર કરવામાં આવી હોવા છતાં મહાક્રાંતિ સંમેલન યોજવામાં આવ્યું હતું. અરજીમાં સભા નહિ પણ પાટીદાર સમાજના સ્નેહમિલનનો ઉલ્લેખ હતો. બીજી અરજીમાં હાર્દિક પટેલ પણ સંબોધન કરશે તેવો ઉલ્લેખ હતો. આચાર સંહિતા અંતર્ગત મંજુરી આપી શકાય નહિ તેવો અભિપ્રાય અપાયા બાદ ચૂંટણી અધિકારીએ બંને અરજી નામંજુર કરી હતી. અમે હાર્દિકના સંમેલનની વિડીયો સીડી મેળવીને તેના આધારે પણ તપાસ કરીશું. જેમાં કસુરવાર જણાય તેવા તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે.

(2:55 pm IST)