Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017


પદ્માવતીના પ્રાઈવેટ સ્ક્રીનિંગ પાછળનો ઈરાદો શું હતો ?

સંસદીય સમિતિએ સંજય ભણસાલીને પ્રશ્ન કર્યો...

હાઝિર હો...: 'પદ્માવતી'ના ડિરેકટર સંજય લીલા ભણસાલી ગઈકાલે દિલ્હીમાં સંસદીય સમિતિ સમક્ષ હાજર થયા હતા

નવી દિલ્હી, તા. ૧ :. મીડિયાના કેટલાક પ્રતિનિધિઓ સમક્ષ ફિલ્મ પદ્માવતીનું સ્ક્રીનિંગ કરીને એ ફિલ્મ બાબતે સેન્સર બોર્ડને પ્રભાવિત કરવાનો પ્રયાસ હતો કે નહીં ? એ પગલાની નૈતિક યોગ્યતા કેટલી ? આવા સવાલ ગઈકાલે આઈ.ટી. વિશેની સંસદીય સમિતિએ આ ફિલ્મના ડિરેકટર સંજય લીલા ભણસાલીને કર્યા હતા.

ફિલ્મ વિશેના વિવાદને લઈને અનેક બાબતોની સ્પષ્ટતા માટે ગઈકાલે આ સંસદીય સ્થાયી સમિતિએ સંજય લીલા ભણસાલી અને સેન્સર બોર્ડના ચેરમેન પ્રસુન જોશીને દિલ્હીમાં બોલાવ્યા હતા. ગઈકાલે ભણસાલી સાથે ચર્ચા બાદ પ્રસુન જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. એ મુલાકાત દરમ્યાન સમિતિએ ભણસાલીને સંખ્યાબંધ પ્રશ્નો પૂછયા હતા. બીજેપીના સંસદસભ્ય અનુરાગ ઠાકુરના અધ્યક્ષ પદ હેઠળની સમિતિના સભ્યોમાં બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને કોંગ્રેસના નેતા રાજ બબ્બરનો સમાવેશ છે.

સમિતિના સભ્યોએ ભણસાલીને પૂછયું હતુ કે 'તમે સેન્સર બોર્ડના સર્ટિફીકેશન માટે ૧૧ નવેમ્બરે અરજી કરો અને પહેલી ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ કરી શકશો એવું કેમ ધારી લીધું ? કારણ કે સિનેમેટોગ્રાફી એકટ હેઠળ ફિલ્મને સર્ટિફાય કરવા માટે સેન્સર બોર્ડને મહત્તમ ૬૮ દિવસનો ગાળો ફાળવવામાં આવ્યો છે.'

સમિતિએ સંજય લીલા ભણસાલીને એવો ધારદાર સવાલ પણ કર્યો હતો કે 'કોઈ પણ ફિલ્મ વેચવા, ચલાવવા માટે વિવાદ જગાવવાનો નવો ટ્રેન્ડ છે કે શું ? વિવાદને કારણે મીડિયા આ ફિલ્મના પ્રચાર માટે ઘણી બધી ફ્રી સ્પેસ ફાળવે છે. એવી જ રીતે સોેશ્યલ મીડિયાએ પણ ઘણી સ્પેસ ફાળવી છે.'

સમિતિના સભ્યોએ એવી ટિપ્પણી પણ કરી હતી કે ભણસાલીની ફિલ્મો જે સમુદાયો વચ્ચે તંગદિલીની શકયતા હોય એવા સમુદાયોને લક્ષ્ય બનાવતી હોય એવું લાગે છે.(૨-૨)

ટ્રેલર પર પ્રતિબંધ મુકવાની જરૂર હતીઃ સંસદ સભ્યો

સેન્સર બોર્ડના ચેરમેન પ્રસુન જોશી ગઈકાલે ફિલ્મ 'પદ્માવતી'ના સર્ટીફીકેશનની કાર્યવાહી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. પ્રસુન જોશીએ 'પદ્માવતી' વિવાદના અનુસંધાનમાં આઈ.ટી. વિષયક સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ ઉપરોકત બાબત જણાવી હતી. સેન્સર બોર્ડે એ ફિલ્મના પ્રોમોઝ અને ટ્રેલરને મંજુરી આપવામાં આવી હોવાનું પ્રસુન જોશીએ જણાવ્યું હતું સમિતિના કેટલાક સભ્યોએ એ ફિલ્મના ટ્રેલર પર પણ પ્રતિબંધ મુકવાની માગણી કરી હતી. પ્રસુન જોશીએ સમિતિને એમ પણ કહ્યું હતુ કે મેં હજી સુધી ફિલ્મ 'પદ્માવતી' જોેઈ નથી.

(5:11 pm IST)