Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ગુજરાતમાં હિમાચલની જેમ છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા કે નહિ ? ભાજપમાં ચાલતુ ઉંડુ મંથન

નારાજ પાટીદારોને રિઝવવા મોદી શું કરે છે ? તે તરફ સૌનુ ધ્યાન કેન્દ્રીત

નવી દિલ્હી તા.૧ : ભાજપ હિમાચલ પ્રદેશની જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ અચાનક મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી શકે છે. નારાજ પાટીદાર સમાજને રાજી કરવા અને કોંગ્રેસ પાસેથી એક મોટો રાજકીય મુદો છીનવી લેવા માટે પાટીદાર સમાજના કોઇ નેતાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા પર પક્ષમાં ઉચ્ચકક્ષાએ મંથન થઇ રહ્યુ છે. જો સહમતી બનશે તો ખુદ પીએમ મોદી જાહેરસભામાં આ બાબતે એલાન કરી શકે છે. એવુ પણ બને કે, નીતિન પટેલ અથવા આનંદીબેન પટેલનું નામ જાહેર કરવામાં આવે. નીતિન પટેલ ચૂંટણી લડી રહ્યા છે પરંતુ આનંદીબેન માટે કોઇ એક સીટ ખાલી કરાવી તેમને પણ મુખ્યમંત્રી પદ આપી શકાય તેમ છે. ભાજપ આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ પદ પણ ક્ષત્રિય કે અન્ય જ્ઞાતિને આપે તો નવાઇ નહી. ક્ષત્રિયોને રાજી કરવા આઇ.કે.જાડેજાનું નામ પણ ચર્ચામાં છે.

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાટીદારો સાથે ભેદભાવનો મુદો બનાવી રહ્યો છે. આ મોરચે એક તરફ હાર્દિક પટેલ છે તો બીજી તરફ રાહુલ ગાંધી રોજેરોજ ભાજપ ઉપર પાટીદારોને અન્યાયનો મુદો ઉઠાવી રહ્યા છે. બંને નેતાઓ કેશુભાઇ પટેલ અને તે પછી આનંદીબેનને અપમાનીત કરવાનો આરોપ મુકવા ઉપરાંત નીતિન પટેલની જગ્યાએ વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવી પટેલ સમુદાયને અપમાનિત કરવામાં આવ્યાનો આરોપ મુકી રહ્યા છે. હાર્દિક આ સિવાય પાટીદાર આંદોલન દરમિયાન પોલીસ દમનને પણ ઉઠાવી રહ્યો છે.

ભાજપના સુત્રોના જણાવ્યા પ્રમાણે ચહેરો રજુ કરવા પર મંથન આ સપ્તાહે શરૂ થઇ શકે છે. જો કે આ બાબતે સહમતી સાધી શકાય નથી. પક્ષને એ બાબતની પણ આશંકા છે કે જો છેલ્લી ઘડીએ પટેલ સમુદાયને સીએમ ઉમેદવાર તરીકે રજુ કરવામાં આવશે તો કયાંક એવો સંદેશ ન જાય કે પાટીદાર વાસ્તવમાં ભાજપથી નારાજ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલામાં હાલ બે તબક્કાની વાતચીત થઇ ચુકી છે જો કે અંતિમ ફેંસલો પીએમ મોદીએ લેવાનો છે જેમણે ખુદ ચૂંટણી પ્રચારનું સુકાન સંભાળ્યુ છે.

અત્રે એ નોંધનીય છે કે, ર૦૦૭ અને ર૦૧રની ચૂંટણીમાં જેવો ઉત્સાહ જોવા મળ્યો હતો તેવો ઉત્સાહ અત્યારે જોવા મળતો નથી. ત્યારે ચિંતિત ભાજપ શું નિર્ણય લ્યે છે તે જોવાનું રહ્યુ.

(10:10 am IST)